સ્ત્રી સશક્તિકરણ:નડિયાદમાં મહિલા આયોગના ચેરમેનના અધ્યક્ષસ્થાને મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ અંગેની શિબિર યોજાઇ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓના રક્ષણ માટેના કાયદા-એકટ અને કલમો અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી
  • ગુજરાતમાં મહિલાઓના પ્રશ્નોના નિરાકરણ માટે 270 નારી અદાલતો કાર્યરત

રાજ્ય મહિલા આયોગ અને ખેડા જિલ્લા પંચાયત નડિયાદના સંયુક્ત ઉપક્રમે મહિલાઓમાં પોતાના હક્ક તેમજ પોતાના હિતોનું રક્ષણ કરી શકે તેવા મહિલા વિષયક કાયદાઓ અંગેની જાગૃતિ માટે એક શિબિરનું આયોજન નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલાઓની સુરક્ષા તેમજ તેમના રક્ષણ માટેના કાયદા-એકટ અને સ્ત્રીઓને લગતી કલમો અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ જણાવ્યું હતુ કે, ઘરનું ચાલકબળ સ્ત્રી છે. સ્ત્રીઓ થકી જ સારા રાષ્ટ્રનું નિર્માણ થઇ શકે છે. જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેને કાર્યક્રમને અનુરૂપ વિગતવાર ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, મહિલા અને બાળવિભાગ આયોગની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરાવી હતી. બાળકોને સારો પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આંગણવાડી કેન્દ્ર ખાતેથી બાળકોને એકદમ શુદ્ધ અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.

ખેડા જિલ્લામાં 1979 આંગણવાડી કાર્યરત છે. એક આંગણવાડીમાં 30થી 40 બાળકો આવે છે. તેમજ કુપોષિત બાળકો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સગર્ભા મહિલાઓની ડિલીવરી સરકારી દવાખાનામાં થાય તેવા કાર્યક્રમો કરવામાં આવે છે. તેમજ સરકારની વીવીધ યોજનાઓ ઘરના આંગણા સુધી પહોંચે તે માટે આંગણવાડીની બહેનો ઘરે ઘરે જઇ માહિતી આપી લોકોને મદદગાર બને છે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન અને રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેને કહ્યું હતુ કે, ગુજરાતમાં મહિલાઓના પ્રશ્નોના નિરાકરણ માટે 270 નારી અદાલતો કાર્યરત છે, જેમાં 400 બહેનો કાર્ય કરે છે. તેમણે દેશની તમામ બહેનો શિક્ષણ તરફ આગળ વધે, તેમજ એક નવા સમાજનું ઘડતર કરે એ બાબત પર ભાર મૂક્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, બહેનોના પ્રશ્નોને ત્વરીત ન્યાય મળે તે માટે અમે કાર્યરત છીએ. ગુજરાત સરકારની 138 જેટલી યોજનાઓ અમે ઘર ઘર સુધી પહોંચાડી તેના વિશે લોકોને માહિતગાર કર્યા છે. સશક્ત સમાજ માટે મહિલાઓનું સશક્ત હોવું જરૂરી છે. તદુપરાંત શિબિરમાં મહિલાઓ સામે થતા ગુનાઓ, પોલિસ ફરીયાદ અંગેના અધિકારો, મહિલાની મર્યાદા અને શીલ સાથે છેડછાડ અંગેની જોગવાઇ પર પણ ચર્ચા કરાઇ હતી. આ શિબિરમાં નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, મહિલા બાળ સમિતીના ચેરમેન જશોદાબેન, સભ્ય સચિવ કુમુદબેન, મહિલા મોરચા પ્રમુખ નલીનીબેન, જિલ્લા પંચાયતના સભ્ય પાર્વતીબેન, જાનવીબેન વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...