વિનામૂલ્યે વિતરણ:ખેડા જિલ્લામાં શ્રમિક વર્ગની દિવાળી સુધારવા સામાજિક સંસ્થાઓ આગળ આવી, સાડી અને પગરખાંનું વિતરણ કરાયું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ખેડા જિલ્લા દ્વારા ચાર તાલુકાઓમાં શ્રમીક વર્ગની દિવાળી સુધારવા પ્રયાસ હાથ ધરાયો

દિવાળી પર્વ નજીક છે ત્યારે અંધકારમાંથી ઉજાસમાં આવતાં આ પર્વ પર શ્રમિક વર્ગના વહારે કેટલીક સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ખેડા જિલ્લા દ્વારા ચાર તાલુકાઓમાં શ્રમીક વર્ગને દિવાળી સુધારવા પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં આ વર્ગના લોકોને કપડા તેમજ મહિલાઓને સાડી અને પગરખાંનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

ડાકોર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા પ્રમુખ ધીરજ શુક્લા, જિલ્લા મહામંત્રી સુધીર ઉપાધ્યાય, મહિલા પ્રમુખ કાશ્મીરા ત્રિવેદી, યુવા પ્રમુખ અર્પિત ગોર, મેમદાવાદ પ્રમુખ નીતાબેન વ્યાસ અને અન્ય સમાજના સભ્યો ઉપસ્થિત હતા.

આ કપડાં વિતરણના કાર્યક્રમમાં વિશેષ વાત એ હતી કે કપડાં વિતરણ સર્વ સમાજના લોકો માટે, કોઈ નાતજાતના ભેદભાવ કર્યા વગર કરવામાં આવ્યું. જેમાં નાના બાળકો માટે કપડાં અને બહેનો માટે સાડીઓ તેમજ ભાઈઓ માટે તૈયાર પેન્ટ શર્ટનું અને સાથે સાથે બુટ અને ચપ્પલનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લા પ્રમુખ ધીરજ શુકલાએ જણાવ્યું કે, બ્રાહ્મણ સમાજ માત્ર તેમના સમાજ પૂરતું જ નહીં પણ સર્વ સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરતો રહેશે. વધુમાં ખેડા જિલ્લાના ચાર તાલુકામાં આ સેવા પહોંચાડવામાં આવી અને ખેડા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આવી જ અનેકો સેવા અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. ડાકોરના શ્રમિક અને મજૂર વર્ગના લોકોમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...