• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Two ST Bus Accidents On Ahmedabad Vadodara Express Highway Near Vanthavali In Mahemdavad, Major Casualties Averted In Both Incidents

અકસ્માત:મહેમદાવાદના વાંઠવાળી પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ST બસોના બે અકસ્માત, બંન્ને બનાવોમાં મોટી જાનહાની ટળી

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસ ચાલકે આગળ જતી ટ્રકને ટક્કર મારતાં બસને રૂા. 30 હજારનું નુકશાન
  • અન્ય બનાવમાં ST બસની પાછળ આઈસર ટ્રક ઘૂસી જતાં ટ્રક-ચાલક ઘવાયો
  • મોટી જાનહાની ટળી પરંતુ બંન્ને બસોમાં સવાર લગભગ 95 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા
  • મહેમદાવાદ પોલીસે બે અલગ-અલગ બનાવોમાં ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરાનો એક્સપ્રેસ હાઇવે યમનો માર્ગ ઘણી શકાય છે. કારણ કે આ હાઈવે પર અવારનવાર ગોઝારા અકસ્માતો બની રહ્યા છે. ગઈકાલે રવિવારે રાતે મહેમદાવાદના વાંઠવાળી પાસે અમદાવાદ-વડોદરા હાઈવે પર બે અલગ અલગ બનાવો બે ST બસો સાથે બનવા પામ્યા હતો. જેના કારણે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લગભગ 95 જેટલા મુસાફરો રાત્રે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ બંન્ને બનાવો સંદર્ભે મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે બે અલગ-અલગ ગુનાની નોંધ કરી હતી. બે પૈકી એક બનાવમાં બસ ચાલકે આગળ જતી ટ્રક સાથે બસ અથડાવી ST બસને નુકશાન કર્યું હતું. તો અન્ય એક બનાવમાં ST બસ પાછળ આઈસર ટ્રક ઘૂસી જતાં ટ્રક ચાલક ઘવાયો હતો.

પહેલા બનાવ અંતર્ગત મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી સીમમાંથી ગતરાત્રે નવસારી ડેપોની નવસારીથી રાધનપુર જતી ST બસ આરઓબી નં. 8 તથા 9ની વચ્ચે પસાર થતાં આ એસટી બસની આગળ જતા વાહનો પૈકી એક છોટાહાથીની બ્રેક ડાઉન થતાં તેની પાછળ આવતી ટ્રકે બ્રેક મારી હતી. જેને લીધે પાછળથી આવતી ઉપરોક્ત ST બસ આ ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસને લગભગ રૂા. 30 હજારનું નુકશાન પહોંચ્યું હતું. અકસ્માતના પગલે બસમાં બેઠેલા 45 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે આ મુસાફરોને કોઈ ઇજા પહોંચી નહોતી. આ અંગે બસના કંડક્ટર કલ્પેશ ગવળીએ બસના ચાલક રણજીત વાઘજીભાઈ ડાભી વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાના સમયે જ અહીંયા અન્ય એક અકસ્માત પણ સર્જાયો હતો. અહીંથી પસાર થતી જાલોદથી ટંકારા જઈ રહેલી ST બસ ઉપરોક્ત અકસ્માતના પગલે ટ્રાફિક હોવાને કારણે હાઈવેના પ્રથમ લેનમાં ઊભી હતી. આ દરમિયાન પાછળથી આવતી આઈસર ટ્રક ઉપરોક્ત એસટી સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં આઇસર કેબીનનો લોચો વળી ગયો હતો અને કેબીનમાં ફસાયેલા આઈસર ચાલકને જીવિત બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો હતો. ક્રેઈન મારફતે આ આઈસરને છુટી પાડવામાં આવી હતી. જો કે આ બસમાં પણ બેઠેલા લગભગ 50 જેટલા મુસાફરોના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા. સદનસીબે પેસેન્જરોને કોઈ જાનહાની થઈ નહોતી. આ બનાવ સંદર્ભે ઉપરોક્ત એસટી બસના ડ્રાઇવર રમેશ ડામોરે ઉપરોક્ત આઇસર ચાલક વિરૂદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...