તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકરાળ આગ:નડિયાદમાં ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં વિકરાળ આગ લાગતાં અફડાતફડી, ફાયરબ્રિગેડે આગ કાબુમાં લીધી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગતમોડી રાત્રે લાગેલી આગમાં દુકાનનો માલસામાન બળીને ખાખ થઈ ગયો

નડિયાદમાં ગતમોડી રાત્રે એક ઇલેક્ટ્રોનિકસની દુકાનમાં ભીષણ આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. આ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો છે. આ ઘટનામાં દુકાનનો સર સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.

શટર ઊંચુ કરી જોતાં દુકાનમાં ભીષણ આગ લાગેલી જોઈ

નડિયાદ શહેરમાં ઘોડિયા બજાર વિસ્તારમાં તુલસી મંગલમ કોમ્પલેક્ષ આવેલુ છે. જ્યાં પહેલા માળે 24 નંબરની કુશલ ઇલેક્ટ્રોનિકસ નામની દુકાનમાં ગતમોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. મોડીરાત્રે બંધ દુકાનમાં એકાએક ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતાં સ્થાનિકોએ આ અંગેની જાણ દુકાન માલિકને કરી હતી. દુકાન માલિકે પોતાની દુકાને પહોંચી શટર ઊંચુ કરી જોતાં દુકાનમાં ભીષણ આગ લાગેલી જોઈ હતી. આ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ બનાવ સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો.

વિજ પુરવઠો અટકાવી દેતાં મોટી જાનહાની ટળી

સાથે સાથે જીઈબીને પણ જાણ કરતા વિજકર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી વિજ પુરવઠો અટકાવી દેતાં મોટી જાનહાની ટળી છે. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મોડી રાત્રે અહીંયા અફડાતફડી મચી ગઇ હતી. દુકાનને અડીને અન્ય કપડાની દુકાનો આવેલી છે. જોકે આગ અન્ય દુકાનોને ઝપેટમાં લે તે પહેલાં જ ફાયરબ્રિગેડે આગને સંપૂર્ણ કાબુમાં લીધી હતી.

આગમાં ભારે નુકસાન થયું હોવાનું દુકાન માલિકે જણાવ્યું

ફાયરબ્રિગેડ બે ફાયરબ્રાઉઝરો મારફતે પાણીનો છંટકાવ કરી મહામહેનતે આગ કાબુમાં લીધી હતી. આ ઘટનામાં દુકાનનો તમામ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. દુકાન ટોટલ લોશ જતાં ભારે નુકસાન થયું હોવાનું દુકાન માલિકે જણાવ્યું છે. આગ લાવવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન હોવાનું દુકાન માલિકે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...