જામશે ખરાખરીનો ખેલ:ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના કાવઠ ગામમાં સરપંચ પદ માટે ત્રણ મહિલાઓ વચ્ચે જંગ જામ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના 8 વોર્ડ પૈકી એકમાં જ ચૂંટણી, બાકીના તમામ બિનહરીફ
  • પશુ દવાખાનાનું સબ સેન્ટર મળે તો ગ્રામજનોને રાહત : પૂર્વ સરપંચ
  • ગામમાં બેંક અને એટીએમ મશીન ન હોવાથી નાણાંકીય લેવડદેવડમાં ભારે તકલીફો
  • વોર્ડ નં. 3માં જ અને સરપંચ પદના ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે

ખેડા જિલ્લાનો સૌથી મોટો વિસ્તાર ગણાતા કપડવંજ તાલુકાના કાવઠ ગામમાં ચાલુ વર્ષે યોજાનારી ચૂંટણીમાં ત્રણ મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં સવર્ણ, એસસી અને ઓબીસીમાંથી ત્રણ મહિલાઓ સરપંચની ચૂંટણી લડી રહી છે.

ખેડા જિલ્લાની બોર્ડર પર આવેલું કાવઠ ગામ કપડવંજ તાલુકામાં આવેલું ગામ છે. આશરે 1800ની આસપાસની વસ્તી ધરાવતા આ ગામમાં તમામ જ્ઞાતીના લોકો હળીમળીને રહે છે. ચાલુ વર્ષે અહીંયા સરપંચ પદની મહિલા સીટ હોવાથી ત્રણ મહિલાઓ સવિતાબેન ધનજીભાઈ પટેલ, સંગીતાબેન અનિલભાઈ સોલંકી અને ગીતાબેન ભગવાનસિંહ ચૌહાણે સરપંચ પદની દાવેદારીમાં પોતાની કિસ્મત અજમાવી છે.

8 વોર્ડ પૈકી એકમાં જ ચૂંટણી

ગામના પૂર્વ સરપંચ કનુભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ગામના 8 વોર્ડ પૈકી એકમાં જ ચૂંટણી થવા જઈ રહી છે. બાકીના તમામ વોર્ડ બિનહરીફ આવ્યા છે. ફક્ત વોર્ડ નં. 3માં જ અને સરપંચ પદના ઉમેદવારો વચ્ચે અહીંયા ચૂંટણી થવા જઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે પાણી, રોડના પ્રશ્નોનું તાજેતરમાં જ નિરાકરણ આવી ગયું છે. પણ ગામમાં પશુ દવાખાનાનું સબ સેન્ટર મળે તો ગ્રામજનોને રાહત મળે એમ છે.

નાણાંકીય લેવડદેવડમાં ભારે તકલીફ

તો અન્ય એક ગ્રામજને જણાવ્યું હતું કે અહીંયાં નાણાંકીય લેવડદેવડ કરવામાં ભારે તકલીફો પડી રહી છે. કાવઠ ગામમાં ન કોઇ બેંકની સુવિધા છે કે ન કોઇ એટીએમ મશીનની સુવિધા. ગ્રામજનોને બેંકના નાણાંકીય વ્યવહારો અર્થે 5 કીમી દૂર થવાદ ગામે જવું પડે છે. તો બીજી બાજુ એટીએમ મશીન ન હોવાથી નાણાંની તાત્કાલિક જરૂર પડે તો ડેમાઈ જે 5 કિમી દૂર અરવલ્લી જીલ્લામાં આવ્યું છે, ત્યાં જવું પડે છે.

કાવઠ ગામ ખેડા જિલ્લાની બોર્ડર પર આવેલુ ગામ છે. તો અહીંયા વિધાનસભા બાલાસિનોર એટલે કે મહીસાગર જીલ્લો લાગે છે. ત્યારે ગ્રામજનો આગામી 19મી ડિસેમ્બરના રોજ મતદાન કરી કોને સરપંચ પદનો સરતાજ આપશે તે હવે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...