લાંચ કેસમાં સજા:મહેમદાવાદ MGVCLના લાંચીયા જુનીયર એન્જીનીયરને 15 હજારની લાંચના ગુનામાં 10 વર્ષ બાદ 4 વર્ષની સજા

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષ પહેલા બનેલા લાંચના ગુનામાં આરોપીને સજા થઈ
  • સેસન્સ કોર્ટે 62 જેટલા દસ્તાવેજી પુરાવાના આધારે સજા સંભળાવી
  • 15 હજારની લાંચમાં 20 હજારનો દંડ અને સજા

ખેડા જિલ્લામાં 10 વર્ષ પહેલા બનેલા લાંચના ગુનામાં ક્લાસ 2 ઓફીસરને સજા થઇ છે. મહેમદાવાદ MGVCLના લાંચીયા જૂની. એન્જીનીયર 15 હજારની લાંચ સ્વીકારતાં તેની સામે ACBમાં ગુનો નોંધાયો હતો. આજે આ કેસની સુનાવણી નડિયાદ કોર્ટમાં હાથ ધરતાં આરોપીને આ લાંચના ગુનામાં તકસીરવાન ઠેરવી 4 વર્ષની સજા સેસન્સ કોર્ટે સંભળાવી છે.

અમદાવાદના ઘોડાસર કેડીલા બ્રીજ પાસે આવેલ સંસ્કારધામ સોસાયટીમાં રહેતા રાજેશ અરવિંદભાઈ મિસ્ત્રી વર્ષ 2011માં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મધ્ય ગુજરાત વીજ કંપની લી. માં જુનિયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતા હતા. મહેમદાવાદ ખાતેની જીન્ન્તપાર્ક સોસાયટી ડેવલોપ કરી અરજદારે કરીમખાન ઈલમખાન પઠાણે આ સમયગાળામાં વીજ જોડાણ અંગે MGVCL મહેમદાવાદ ખાતે અરજી કરી હતી. બિલ્ડર મારફતે કાર્યવાહી કરવાની થતી હોવાનું જણાવ્યું હતું.

આથી કરીમખાને સોસાયટીના ઈન્ફ્રાસ્ટ્રકચર જોડાણ અંગે MGVCL મહેમદાવાદમાં અરજી કરતાં MGVCL એ 3 લાખ 64 હજાર 465 ભરવાની જાણકારી આપી હતી. જે રકમની પણ ભરપાઈ કરી દેવાઈ હતી. જેથી MGVCL દ્વારા સોસાયટીમાં ટ્રાન્સફોર્મર (ડી. પી.) નાંખી હતી. પરંતુ ઈલેક્ટ્રીક સપ્લાય ચાલુ કર્યો નહોતો. કરીમખાને વારંવાર ઉપરોક્ત કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતાં વીજ સપ્લાય ચાલુ કરવામાં આવતો નહોતો. અને અરજદારને ધક્કો ખવડાવતા હતા.

આથી કંટાળેલા અરજદારે 17 જાન્યુઆરી 2011ના રોજ MGVCLના જૂનિયર એન્જીનીયર રાજેશ મિસ્ત્રીનો સંપર્ક સાંધ્યો હતો. જેથી તેણે આ વીજ સપ્લાય ચાલુ કરવા માટે રૂપિયા 20 હજારની લાંચની માંગણી કરી હતી. કરીમખાને આજીજી કરતાં અધિકારી 15 હજાર પર આવ્યો હતો. જે બાદ ગત 19 જાન્યુઆરી 2011ના રોજ ફરિયાદી કરીમખાન પઠાણે એસીબીનો સંપર્ક સાંધતા એસીબી પોલીસે આ દિવસે છટકૂ ગોઠવી 15 હજારની લાંચ સ્વીકારતો રાજેશ મિસ્ત્રીને રંગેહાથે મહેમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો. જે મુજબનો ગુનો પણ નોંધાયો હતો.

સોમવારે આ કેસ નડિયાદની સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ન્યાયાધીશ પી. એસ. દવે એ બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી હતી. જે બાદ સરકારી વકીલ ગોપાલ ઠાકુરે રજૂ કરેલા 5 સાહેદોની જુબાની અને 62 જેટલા દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે આરોપી રાજેશ મિસ્ત્રીને આ લાંચ કેસના ગુનામાં તકસીરવાન ઠેરવી 4 વર્ષની સજા સંભળાવી છે. સાથે સાથે રૂપિયા 20 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...