કોરોનાનો કહેર:તંત્રને બ્રહ્મ જ્ઞાન લાધ્યું: ડાકોરમાં યાત્રિકોને સ્ક્રિનીંગ બાદ જ પ્રવેશ, મંદિરની આસપાસ એન્ટીજન ટેસ્ટ વધુ સઘન બનાવાશે

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યાત્રધામ ડાકોર કોરોનાનું હોટસ્પોટ બને તેવી ભિતી વચ્ચે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. ડાકોરમાં એન્ટીજન ટેસ્ટમાં પોઝિટીવ દર્દીઓનો આંક ચિંતાજનક રીતે વધ્યા બાદ બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં નગરમાં ચેકપોસ્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બહારથી આવતાં તમામ યાત્રિકોના મેડિકલ ચેકઅપ બાદ જ તેમને નગરમાં પ્રવેશ આપવામાં આવશે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બહારગામથી આવતાં યાત્રિકોની સંખ્યા વધી છે. જેને કારણે કોરોના સંક્રમણનો ભય વધ્યો છે.

આ બાબતે પગલાં ન ભરવામાં આવે તો ડાકોર કોરોનાનું હોટસ્પોટ બની શકે છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેના પ્રાથમિક રિપોર્ટમાં જ ચોંકાવનારા આંકડા સામે આવતાં, તંત્ર ચિંતામાં મૂકાયું છે. આથી, તાબડતોબ બુધવારના રોજ સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં નગરમાં સર્વે વધુ સઘન બનાવવા, ઉકાળા વિતરણ, આયુર્વેદિક દવા વિતરણ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી મહત્વની બાબત એ છે કે બહારગામથી આવતાં યાત્રિકોને કારણે નગરમાં કોરોના સંક્રમણનો ભય ઉભો થયો છે.

આગામી દિવસોમાં અહીં હેલ્થ ચેકપોસ્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ચેકપોસ્ટ પર આરોગ્ય ટીમ દ્વારા બહારગામથી આવતાં યાત્રિકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને બાદમાં જ નગરમાં પ્રવેશ આપવામાં આવશે. ડાકોર – ઠાસરામાં વધી રહેલા કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડાને લઇને સ્થાનિક આરોગ્ય તંત્રની નિષ્ફળતા સામે પણ સ્થાનિકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પણ કોરોનાની બાબતમાં ગંભીરતા દાખવવામાં આવતી ન હોય તેવું ચિત્ર ડાકોરમાં વધી રહેલા કેસને જોઇને લાગી રહ્યું છે.

ખેડા જિલ્લામાં 10 દિવસમાં પોઝિટીવ 100 દર્દીઓ વધ્યા
ખેડા જિલ્લામાં 16 ઓગસ્ટે કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 800 પર હતો. જ્યારે 26 ઓગસ્ટે આ આંક 100 પર પહોંચી ગયો છે. બુધવારે જિલ્લામાં કોરોનાના વધુ 11 દર્દીઓ સાથે કુલ આંક 902 પર પહોંચી ગયો છે. નડિયાદ શહેરમાં 3, કપડવંજમાં 2, મહેમદાવાદમાં 2, મહુધામાં 2, વસો તેમજ કઠલાલમાં એક-એક પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. જે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં અનલોક 1 બાદ કોરોના સંક્રમણનો રેસિયો વધીને દૈનીક 10 પહોંચ્યો છે. જો કે વચ્ચે બે દિવસ જ અોછા કેસ નોંધાયા હતા. ત્યારબાદ પુનઃ સંક્રમણે ગતી પકડતાં કેસની સંખ્યા વધતા આરોગ્ય તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...