ચૂંટણી પરિણામ:ખેડા જિલ્લામાં પંચાયત, પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપ 10, કોંગ્રેસ 3, અપક્ષ 2 અને આપનો 1 બેઠક પર વિજય

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડા પાલિકાની 3 બેઠકો પર ભાજપના ભગવાના કારણે કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા. - Divya Bhaskar
ખેડા પાલિકાની 3 બેઠકો પર ભાજપના ભગવાના કારણે કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા.
  • ડાકોર પાલિકાની 8માંથી 5 બેઠક પુનઃ જાળવી શક્યું, ત્રણ સીટ હાથમાંથી ગઈ
  • ભગવી બ્રિગેડે 16માંથી 10 બેઠક કબજે કરી છતાં ગત ટર્મ કરતાં ત્રણ બેઠકનું નુકસાન
  • આપે એક બેઠક જાળવી રાખી

ખેડા જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં દરેક પાર્ટી માટે કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો છે. ભાજપે 16 માંથી 10 બેઠકો કબજે કરી છે છતાં તેમને ગત ચૂંટણીની સરખામણીમાં 3 બેઠકોનું નુકસાન છે. ડાકોર પાલિકામાં ભાજપ હસ્તકની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાંથી પાંચ બેઠકો પુન : અંકે કરવામાં સફળતા સાંપડી છે અને ત્રણ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે જિલ્લા પંચાયતની વાંઘરોલી બેઠક, તાલુકા પંચાયતની રઢુ બેઠક, ખેડા નગરપાલિકાની 3 અને ડાકોર નગરપાલિકાની 5 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ અને ડાકોર નગરપાલિકાની 3 બેઠકો પાર્ટીએ ગુમાવવી પડી છે. કોગ્રેસે 2 અને અપક્ષોએ 3 અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે એક બેઠક પર જીત હાંસલ કરી છે. આ મતગણતરીના પરિણામો થકી ખેડા નગરપાલિકામાં ફરી ભાજપની સત્તા બનતી દેખાઈ રહી છે. જ્યારે માતર તાલુકા પંચાયતમાં રાજકીય ઉથલપાથલ થવાની શક્યતા છે. જ્યારે ડાકોર નગરપાલિકામાં ભાજપે હજુ અપક્ષોનો સહારો લેવો રહ્યો.

વાંઘરોલી બેઠક પર ભાજપની ચોથી વાર જીત
જિલ્લા પંચાયતની વાંઘરોલી બેઠક ભાજપે સતત ચોથી વાર જીતી છે. કોરોના કાળમાં ભાજપના પૂર્વ સભ્ય બુધાભાઈ ભાથીભાઈ પરમાર નું અવસાન થતા બેઠક ખાલી પડી હતી. જેથી આ બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના જ દીપસિહ અભેસિહ રાઠોડ નો વિજય થયો છે. મહત્વની વાત છેકે, ગત ચૂંટણીમાં બુધભાઈ માત્ર 29 મતે જીત્યા હતા, જ્યારે પેટા ચૂંટણીમાં આ લીડ ભાજપે વધારી છે, અને દીપસિહને 5534 મત મળતા તેમનો 1656 મતે વિજય થયો છે. આ બેઠક પર કોંગ્રેસના વાઘજીભાઇ કાભઈભાઈ પરમારને 3878 અને આમ આદમી પાર્ટીના કૌશિકકુમાર ગિરવત ભાઇ પરમાર ને 1501 મત મળ્યા છે.

માતર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને આપે એક-એક બેઠક મેળવી
માતર તાલુકા પંચાયતમાં બે બેઠકોના પરિણામે રાજકીય ઉત્સુકતા સર્જી છે. બે બેઠકો માટેની ચૂંટણીમાં એક બેઠક કોંગ્રેસે તો બીજી આમ આદમી પાર્ટીએ હસ્તગત કરતાં આગામી દિવસોમાં રાજકીય ટાઈ પડવાની સ્થિતિ ઉભી થઈ છે. ભલાડા બેઠકના આમ આદમી પાર્ટીના પૂર્વ સભ્ય મંગળભાઇ મફતભાઈ પરમારનું અવસાન થયું હતું. જે બેઠક પર આમ આદમી પાર્ટીના જ ધીરૂભાઇ ગોતાભાઇ પરમારે 474 મતોથી વિજય મેળવી બેઠક જાળવી રાખી છે. ભાજપના જગદીશભાઈ સોલંકી ને 1017 અને કોંગ્રેસના રમેશભાઇ પરમારને 1385 મતો જ મળ્યા છે. મહેલજ સીટની વાત કરીયે તો ગત ચૂંટણી વખતે જ ભાજપના ઉમેદવાર સહાદત મીયા બસીર મીયા મલેક નું અવસાન થતા સામાન્ય ચૂંટણી થઈ ન હતી. પરંતુ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના જાકીરહુસેન શેખુમીયા મલેકને 1548 મત મળતા તેઓએ 47 મતથી વિજય મેળવ્યો છે. અહીં ભાજપના અજીજનબીબી સહાદતમીયા મલેકને 1501 જ્યારે અપક્ષના સદાત મિયા અલી મીયા મલેક ને 343 મત મળ્યા છે. મહત્વની વાત છેકે માતર તાલુકા પંચાયતમાં કુલ 20 બેઠકો પૈકી ભાજપ પાસે 10 અને કોંગ્રેસ પાસે 8 બેઠક હતી. આ ચૂંટણીમાં એક બેઠક કોંગ્રેસે જીતતા હવે કોગ્રેસ પાસે 9 બેઠક થઈ છે, જ્યારે એક બેઠક આમ આદમી પાર્ટીએ જીતી છે. જો આમ આદમી પાર્ટી કોંગ્રેસ ને ટેકો કરે તો માતર તાલુકા પંચાયતમાં ટાઈ પડે તેવી સ્થિતિ છે.

જાવોલ બેઠક ભાજપે જ્યારે રઢુ બેઠક કોંગ્રેસે ગુમાવી
​​​​​​​નડિયાદ માતર અને ખેડા તાલુકા પંચાયતોની 4 બેઠકો માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં 4 બેઠકો માટેની મતગણતરીની વાત કરીયે તો નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ બેઠક પર 642 મતે જીતેલા ભાજપના પુર્વ સભ્ય વિક્રમસિહનું કોરોના કાળમાં મૃત્યુ થયું હતું. જે બેઠક આ વખતે કોંગ્રેસે આંચકી લેતા ઈશ્વરભાઇ સોઢાનો વિજય થયો છે. તેઓને 1949 મત મળતા તેઓએ આ બેઠક ફક્ત 28 મતો થી જીતી છે. જ્યારે ભાજપના અરવિંદભાઈ પરમાર ને 1821 મત મળ્યા છે. જ્યારે ખેડા ની રઢૂ બેઠક પર કોંગ્રેસના પૂર્વ સભ્ય મગનભાઇ પરમારનું કોરોનામાં મૃત્યું થયું હતું. જે ખાલી બેઠક પર ભાજપના કનુભાઇ સોલંકીને 1858 મત મળતા તેઓએ 727 મતોથી જીત મેળવી છે. આમ નડિયાદ ની એક બેઠક ભાજપે તો ખેડાની એક બેઠક કોંગ્રેસે ગુમાવી છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજના આ પરિણામ મહત્વના ગણાય છે.

ડાકોર નગરપાલિકામાં 8માંથી 3 પર અપક્ષની જીત થઈ
ડાકોર નગરપાલિકામાં ભાજપને 8 સભ્યોને સસ્પેન્ડ કરવાની ભુલ ભારે પડી છે. પક્ષ દ્વારા સભ્યોને સસ્પેન્ડ કરતા પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને 3 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. જેના કારણે ભાજપ માટે હવે પાલિકામાં સત્તા મળેવવી મુશ્કેલ બની છે. 2020માં યોજાયેલ ડાકોર નગરપાલિકા સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપને 28 માંથી 11 બેઠકો મળી હતી. તે સમયે કેટલાક અપક્ષોને પોતાની બાજુ કરી પક્ષ દ્વારા સત્તા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પક્ષમાં અંદરો અંદરના રાજકારણને કારણે 8 સભ્યોએ વ્હીપનો અનાદર કરી અપક્ષના પ્રમુખને મત આપતા તમામ 8ને સસ્પેન્ડ કરી દીધા હતા. આ ચૂંટણીમાં 8 બેઠકો પૈકી ભાજપને ફાળે 5 જ્યારે 3 બેઠક અપક્ષને મળી છે. આમ, ડાકોર નગરપાલિકામાં કુલ 28 બેઠકો પૈકી ભાજપ પાસે હવે માત્ર 8 બેઠકો રહેતા બાકીનો સમય પાર્ટી એ વિરોધ પક્ષમાં જ પસાર કરવાનો રહેશે.

ખેડા નગરપાલિકામાં વિજયથી ભાજપની તાકાત વધી
ખેડા નગર પાલિકામાં કુલ 28 બેઠકો પૈકી ભાજપ પાસે 13 બેઠક હતી. પરંતુ 8 સપ્ટેમ્બર 2020 ની પ્રમુખ, ઉપ પ્રમુખની બીજા ટર્મની ચૂંટણી વખતે 3 સભ્યોએ પક્ષના વ્હીપનો અનાદર કરી અપક્ષને મત આપતા અપક્ષ ના પ્રમુખ ચૂંટાયા હતા. જેથી પક્ષે 3 એ સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. અને નગર નિયામકે પણ તે સભ્યોને પાલિકાના સભ્ય પદેથી સસ્પેન્ડ કરતા બેઠકો ખાલી પડી હતી. જે બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપના જ ઉમેદવારોની જીત થઈ છે. વોર્ડ નં.1 માં જિગીષાબેન સંજયભાઈ વાઘેલાને 730 મત મળ્યા, લક્ષ્મણ ભાઇ મનુભાઇ ગોહેલ ને 856 મત મળ્યા છે. જ્યારે વોર્ડ નં.6 માં મૌલેશ કુમાર નંદુભાઇ કા.પટેલ ને 1295 મત મળ્યા છે. આમ ભાજપના 3 એ ઉમેદવાર ચૂંટાઈ આવતા ભાજપની તાકાતમાં વધારો થયો છે. 2 અપક્ષોનો ટેકો તો પહેલીથી જ મળેલો છે. એટલે હવે ફરીથી ભાજપ ન.પા માં પોતાની બોડી બનાવશે તે સ્પષ્ટ છે.

અન્ય સમાચારો પણ છે...