• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • BJP Dominates In Municipal By elections, BJP Wins In Both Wards In Kheda Municipality And Two Independents In Four Wards In Dakor Municipality And BJP In Two Seats

પેટાચૂંટણી પરિણામ:નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો દબદબો, ખેડા પાલિકામાં બન્ને વોર્ડમાં ભાજપ અને ડાકોર નગરપાલિકામાં ચાર વોર્ડમાં બે અપક્ષ અને બે સીટમાં ભાજપે કબ્જો કર્યો

નડિયાદ23 દિવસ પહેલા
  • જિલ્લા પંચાયતની વાંઘરોલી બેઠક ભાજપના ફાળે
  • તાલુકા પંચાયતની ચાર બેઠકોમાં 2 બેઠકમાં કોંગ્રેસ, એક બેઠકમાં ભાજપ અને એક માં આપનો વિજય

ખેડા જિલ્લામાં રવિવારે યોજાયેલી પેટાચૂંટણીના પરીણામો આજે મંગળવારે જાહેર થયા છે. રવિવારે એક જિલ્લા પંચાયતની વાંઘરોલી બેઠક, માતર તાલુકા પંચાયતની ભલાડા અને મહેલજ, ખેડા તાલુકા પંચાયતની રઢુ બેઠક, નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ બેઠક તેમજ ખેડા નગરપાલિકાની વોર્ડ નંબર 1 અને 6 તથા ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર 1, 4, 6 અને 7 પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં 42 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા.

પેટા ચૂંટણી માટે મતગણતરી મંગળવારે જે તે સેન્ટર પર હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયતની વાંઘરોલી બેઠક ભાજપના ફાળે ગઈ છે. તાલુકા પંચાયતની ચાર બેઠકોમાં કોંગ્રેસે મહેલજ અને નડિયાદ સીટ પર કબજો જમાવ્યો છે. જ્યારે ખેડા તાલુકાની રઢુ બેઠક પર ભાજપે અને માતર તાલુકા પંચાયતની ભલાડા બેઠક પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો છે. નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપે દબદબો રાખ્યો છે. જેમાં ખેડા પાલિકામાં બન્ને વોર્ડમાં ભાજપ અને ડાકોર નગરપાલિકામાં ચાર વોર્ડમાં બે અપક્ષ અને બે ભાજપે કબ્જે કર્યા છે.

ખેડા જિલ્લા પંચાયતની વાંઘરોલી બેઠક ભાજપના હસ્તક
જિલ્લા પંચાયતની વાંઘરોલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. અહીંયા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રીપાંખીયા જંગ ખેલાયો હતો. જેમાં ભાજપે આ સીટ કબ્જે કરી છે. અગાઉ પણ ભાજપના કબ્જે જ હતી. અહીંયા પેટાચૂંટણીમાં ભાજપના દીપસિંહ અભેસિંહ રાઠોડ, કોંગ્રેસના વાઘજીભાઈ કાભભાઈ પરમાર અને આમ આદમી પાર્ટીના કૌશિક ગીરવતભાઈ પરમાર વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડને 5534 મત, કોંગ્રેસના ઉમેદવાર 3878 મત અને આમ આદમી પાર્ટીના કૌશિકકુમાર પરમારને 1501 મત મળ્યા છે. જ્યારે 125 મત નોટામાં પડ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડની આ બેઠક પર 1656 મતથી જીત થઈ છે.

ખેડા તાલુકા પંચાયતની રઢુ બેઠક પર ભાજપે બાજી મારી
ખેડા તાલુકા પંચાયતની રઢુ બેઠકની પેટા ચૂંટણીમાં પર ભાજપે ભગવો લહેરાયો છે. આ બેઠક અગાઉ કોંગ્રેસ હસ્તક હતી અહીંયા ઉમેદવારનું નિધન થતાં પેટાચૂંટણી ગત 3 ઓક્ટોબરે યોજાઈ હતી. જેની આજે મતગણતરી કરવામાં આવી છે. આ સીટ પર ભાજપના કનુભાઈ મુળજીભાઈ સોલંકી અને કોંગ્રેસના મુકેશકુમાર દિનેશભાઈ મકવાણા વચ્ચે સીધી ટક્કર હતી. દરમિયાન કનુભાઈને 1858 અને મુકેશકુમારને 1131 મત મળ્યા છે. જ્યારે નોટોની અંદર 40 મત ગયા છે. આમ ભાજપના કનુભાઈ સોલંકી આ બેઠક પર 727 મતથી વિજેતા જાહેર થતાં તેમના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા.

માતર તાલુકા પંચાયતની ભલાડા સીટ પર આમ આદમી પાર્ટીએ કબ્જો જમાવ્યો
માતર તાલુકા પંચાયતની ભલાડા બેઠકની પેટાચૂંટણીમાં ત્રીપાખ્યો જંગ ખેલાયો હતો. અહીંયા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર હતી. જેમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. અહીંયા ભાજપના ઉમેદવાર જગદીશ બાબુભાઈ સોલંકીને 1017 મત, કોંગ્રેસના રમેશભાઈ બાબરભાઈ પરમારને 1385 મત જ્યારે આમ આદમી પાર્ટીના ધીરુભાઈ ગોતાભાઈ પરમારને 1859 મત મળ્યા છે. ઉપરાંત 67 મત નોટાની અંદર પડ્યા છે. આમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધીરુભાઈ પરમારનો 474 મતથી વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ બેઠક આમ આદમી પાર્ટી સાથે જ હતી અને પેટાચૂંટણીમાં પણ આપે આ બેઠક પર પક્કડ જમાવી રાખી છે.

માતર તાલુકા પંચાયતની મહેલજ બેઠક પર કોંગ્રેસનો વિજય
માતર તાલુકા પંચાયતની મહેલજ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. અહીંયા ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધો જંગ હતો. અહીંયા ભાજપના અજીજનબીબી સહાદતમીંયા મલેકને 1501 મત, કોંગ્રેસના જાબીરહુસેન શેખુમીયા મલેકને 1548 જ્યારે અપક્ષમાંથી ઉભેલા સાદતમીંયા અલીમીંયા મલેકને 343 મત મળ્યા છે. સાથે સાથે નોટામાં 33 મત પડ્યા હતા. આમ અહીંયા 47 મતથી કોંગ્રેસના જાબીરહુસેન મલેક વિજય બન્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ ચૂંટણી રદ થઈ હતી. અહીંયા મતદાનના દિવસ અગાઉ જ ઉમેદવારનું નિધન થતાં આ ચૂંટણી રદ થઈ હતી. આ વખતે અહીંયા સામાન્ય ચૂંટણી યોજાઈ છે.

નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી
નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ હતો. જેમાં ભાજપના અરવિંદભાઈ સોમાભાઈ પરમારને 1821 મત તથા કોંગ્રેસના ઈશ્વરભાઈ ભાનુભાઈ સોઢાને 1849 મત મળ્યા છે. આમ 28 મતથી અહીંયા કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વરભાઈ સોઢા વિજેતા થયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ બેઠક ભાજપ પાસે હતી. પરંતુ પેટાચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે.

ડાકોર નગરપાલિકામાં જુદા જુદા 4 વોર્ડની ચૂંટણીમાં બે ભાજપ અને બે અપક્ષના ફાળે​​​​​​​​​​​​​​
ડાકોર નગરપાલિકાની કુલ 4 વોર્ડની પેટા ચૂંટણીમાં 2 ભાજપના ફાળે અને 2 અપક્ષના ફાળે ગઈ છે. વિગતવાર વાત કરીએ તો અહીંયા વોર્ડ નં. 1માં ત્રણ અપક્ષના ઉમેદવાર અને એક ભાજપના ઉમેદવાર હતા. જેમાં આ વોર્ડમાં કુલ 2930 મતદારો વચ્ચે 65.39 ટકા મતદાન થયું હતું. અહીંયા અપક્ષના સુમિત્રાબેન ભરતસિંહ ચૌહાણને 675 મત, અપક્ષના અન્ય ઉર્મીલાબેન ભરતભાઈ ચાવડાને 192 મત, અપક્ષના અન્ય ઉમેદવાર જ્યોત્સનાબેન અજયકુમાર પટેલ 419 મત જ્યારે ભાજપના સંગીતાબેન અશોકભાઈ વસાવાને 590 મત મળ્યા હતા. આમ અપક્ષ સુમિત્રાબેનને સૌથી વધુ મત મળતા આ વોર્ડમાં તેઓ વિજેતા થયા છે.

ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં બે અપક્ષ બે ભાજપ અને એક આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉભા રહ્યા હતા. જેમાં અપક્ષનો વિજય થયો છે. જેમાં આ વોર્ડમાં કુલ 3282 મતદારો વચ્ચે 62.22% મતદાન થયું હતું. અહીંયા અપક્ષના મમતબેન કેતનકુમાર શાહને 927 મત, અપક્ષના અન્ય કામાક્ષી પુંડારીકકુમાર ખંભોળજાને 1213 મત, આમ આદમી પાર્ટીના જલ્પાબેન આશીષભાઈ સેવકને 120 મત, ભાજપના દીપલબેન પ્રણવભાઈ શાહને 565 મત જ્યારે ભાજપના અન્ય પ્રજ્ઞાબેન પ્રજ્ઞેશકુમાર ઉપાધ્યાયને 542 મત મળ્યા છે. આમ અપક્ષના મમતબેન શાહ અને કામાક્ષી ખંભોળજા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર 6માં 1 અપક્ષ, 1 ભાજપ અને 1 આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ભાજપે બાજી મારી લીધી છે. આ વોર્ડમાં કુલ 2858 મતદારો વચ્ચે 49.41% મતદાન થયું હતું. અહીંયા અપક્ષના અરૂણકુમાર બાબુભાઈ પરમારને 306 મત, ભાજપના ચૈતન્યકુમાર મહેશભાઇ ઉપાધ્યાયને 1002 મત અને આમ આદમી પાર્ટીના જીતેશકુમાર ઘનશ્યામભાઈ સેવકને 80 મત મળ્યા છે. આમ ભાજપના ઉમેદવાર ચૈતન્ય ઉપાધ્યાયને જંગી મત મળતાં તેઓ વિજેતા જાહેર થયા છે.

ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં 4 ભાજપ અને 1 અપક્ષના ઉમેદવારો વચ્ચે જંગ હતો. જેમાં ભાજપના 4 ઉમેદવારોનો વિજય થયો છે. આ વોર્ડમાં કુલ 2283 મતદારો વચ્ચે 66.45% મતદાન થયું હતું. અહીંયા ભાજપના દક્ષાબેન ગૌતમકુમાર પટેલને 822 મત, ભાજપના હેમલબેન મનીષકુમાર ભટ્ટને 954 મત, ભાજપના તેજેન્દ્રસિંહ રણજીતસિંહ હાડાને 1203 મત, ભાજપના કૃણાલસિંહ યોગેન્દ્રસિંહ પરમાર 1038 મત તથા અપક્ષના નીતાબેન રાજેન્દ્રકુમાર શાહને 261 મત મળ્યા છે. આમ ભાજપના ઉપરોક્ત ચારેય લોકો વિજેતા બન્યા છે.

ઉલ્લેખનીય છે કે ડાકોર નગરપાલિકામાં અગાઉ ભાજપના 8 સભ્યો સસ્પેન્ડ થયા હતા. માટે પેટાચૂંટણી થતાં ડાકોર નગરપાલિકામાં 4 વોર્ડમાં 8 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ 8 સીટમાંથી 5 સીટ પર ભાજપનો વિજય જ્યારે 3 સીટ પર અપક્ષે કબ્જો જમાવ્યો છે. જ્યારે ખેડા પાલીકામાં પણ કંઈક આવુંજ બન્યું હતું. માટે આ બન્ને પાલીકાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ છે.

ખેડા નગરપાલિકા 2 જુદા જુદા વોર્ડની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય
ખેડા નગરપાલિકાની વોર્ડ નં. 1ની પેટા ચૂંટણીમાં 7 અપક્ષો અને બે ભાજપે ઝંપલાવ્યું હતું. જેમાં ભાજપ પક્ષનો જ્વલંત વિજય થયો છે. વિગતવાર વાત કરીએ તો અહીંયા 2930 મતદારો વચ્ચે 77.20% મતદાન થયું હતું. અહીંયા અપક્ષના જયેશભાઈ ઘનશ્યામભાઈ ભટ્ટને 506 મત, અપક્ષના જાગૃતિબેન વિજયકુમાર વાઘેલાને 542 મત, અપક્ષના કલ્પેશભાઈ રસીકભાઈ પટેલને 549 મત, અપક્ષના કેશુભાઈ ફતેસિંગ વાઘેલાને 423 મત, અપક્ષના રાવળ અસોમતી હર્ષદભાઈને 398 મત, અપક્ષના મન્સુરી બાબુભાઈ આદમભાઈને 96 મત અને અપક્ષના જેતુનબીબી ફૈજમહંમદ સંધીને 110 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર જીગીશાબેન સંજયભાઈ વાઘેલાને 730 તથા ભાજપના લક્ષ્મણભાઈ મનુભાઈ ગોહિલને 856 મત મળતા આ બન્ને ભાજપના ઉમેદવાર વિજય બન્યા છે.

આ સાથે ખેડા વોર્ડ નંબર 6માં 1 ભાજપ અને 1 અપક્ષ વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં આ બેઠક ભાજપના ફાળે ગઈ છે. અહીંયા કુલ 3278 મતદારો વચ્ચે 70.99% મતદાન નોંધાયું હતું. અહીંયા અપક્ષના ગાંધી મિત્તલકુમાર કિરીટભાઈને 1006 મત જ્યારે ભાજપના મૌલેશકુમાર નંદુભાઇ કા. પટેલને 1295 મત મળ્યા છે. આમ ભાજપના ઉમેદવાર મૌલેશનો વિજય થયો છે.

પેટા ચૂંટણીના પરીણામો જાહેર થયા બાદ ઉત્સાહનો માહોલ

જે જગ્યા પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેના પરીણામો આજે જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખોબલા બંધ શુભેચ્છાઓ ઉમેદવારોને પાઠવી રહ્યા છે. સાથે સાથે તેમના ટેકેદારોએ હારતોરા કરી ઉમેદવારને વધાવી લીધા હતા. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગામોમાં વિજય ઉત્સવ જોવા મળી રહ્યો છે. જ્યારે ખેડા અને ડાકોર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ વિજય ઉમેદવારોને તેમના ટેકેદારોએ હારતોરા કરી શુભકામનાઓ પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...