સારી નોકરી મેળવી ડોલર કમાવવા માટે વિદેશ જતા ચરોતર વાસીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નડિયાદ તાલુકાના ભુમેલની દીકરી અને ભાલેજની પરિણીતા એજન્ટ મારફત ઓમાન પહોંચી હતી. જ્યાં તેને સારી નોકરી અને રહેવાની સગવડ મળશે તેમ જણાવાયું હતું. પરંતુ ઓમાન પહોંચ્યા બાદ આ મહિલા પર જે વીતી છે, તેની આપવીતી કહેતા પણ તેના ઘરના સભ્યો ડરી રહ્યા છે. પોતાનું નામ જાહેર નહી કરવાની શરતે મહિલાએ તેની અને અન્ય યુવતીઓ સાથે બનેલ ઘટનાનું વર્ણન કર્યું જે ખરેખર રૂવાંટા ઉભા કરી દેનારૂ છે.
વિદેશમાં સારી નોકરીની લાલચ આપી
નડિયાદના ભુમેલ ગામે રહેતી મોનલ (નામ બદલેલ છે)ના લગ્ન ભાલેજ ગામે રહેતા સુરેશ (નામ બદલેલ છે) સાથે થયા હતા. લગ્નના થોડા વર્ષો બાદ પરિવારની આર્થિક સ્થિતિ મજબુત કરવા મોનલે વિદેશમાં નોકરી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી ભુમેલમાં રહેતી તેની બહેન આશા (નામ બદલેલ છે) એ બેંગલોરમાં રહેતા મહંમદ હનીફ નામના એજન્ટ સાથે તેનો સંપર્ક કરાવ્યો હતો. મોનલ, સુરેશ અને આશાએ અવાર નવાર મહંમદના મોબાઈલ નંબર પર વાત કરી મોનલનું ઓમાનમાં નોકરી માટે ગોઠવ્યું હતુ. મહંમદ હનીફે પણ મોનલને ઓમાનમાં સારી નોકરી, રહેવાની સગવડ મળશે, અને ત્યાં કમાયા બાદ રૂપિયા આપવાના તેવી વાત કરતા પરિવાર તેની વાતોમાં આવી ગયું હતું.
ઓમાનના એજન્ટે શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો
આખરે 1 જુલાઈ 2021ના રોજ મોનલ ઓમાન પહોંચી જ્યાં એક સ્થાનિક વ્યક્તિના ઘરે તેને નોકરી આપવામાં આવી. પરંતુ જ્યા તે નોકરી કરતી હતી, તે લોકોની નજર ખરાબ હોઇ તેમજ વધુ કામ કરાવતા હોઈ મોનલે બે જ દિવસમાં નોકરી છોડી દીધી હતી. નોકરી છોડી તે એજન્ટના રૂમ પર પાછી આવી ગઈ હતી, જ્યા એજન્ટના માણસો દ્વારા તેને એક રૂમમાં ગોંધી રાખવામાં આવી હતી. અહીં તેની સાથે અન્ય રાજ્યો, અને અન્ય દેશોની 20 જેટલી યુવતીઓ હતી. જે એક જ રૂમમાં રહેવા મજબુર હતી. એજન્ટના માણસો દ્વારા તે લોકોને નોકરી મોકલવા માટે માર મારવામાં આવતો, તેમજ જમવાનું પણ ન આપી શારીરીક માનસીક ત્રાસ આપવામાં આવતો હતો હોવાનું મોનલે જણાવ્યું હતું.
મોબાઈલથી પરિવારને લોકેશન મોકલ્યું
મોનલ ઓમાન પહોંચ્યા બાદ ક્યાં રહેતી હતી, તેનું એડ્રેસ પણ તેને જણાવવામાં નતુ આવ્યું. બેંગલોરના એજન્ટે તેને ઓમાન મોકલી ત્યારબાદ તે ક્યાં રહે છે, તે અંગેનું મોબાઈલ લોકેશન તેણે પરિવારને મોકલાવ્યું હતું. જેના આધારે પરિવારને તેણી ઓમાનમાં ક્યાં રહે છે, તે જાણવા મળ્યું હતું
ઓમાનમાં સંઘર્ષના સાત મહિના ગુજાર્યા
મોનલે જણાવ્યું હતુ કે એજન્ટો દ્વારા જે રૂમમાં અમને રાખ્યા હતા, ત્યા ન મોબાઈલ ફોન હતો, કે ન હતી યોગ્ય સુવિધા. તે લોકો કહે ત્યા નોકરી પર જવા તૈયાર ન થાવ તો યુવતીઓને માર મારવામાં આવતો, શારીરિક માનસિક અત્યાચાર કરવામાં આવતો જે દ્રશ્યો ખુબ જ ડરામણા હતા.
ભારતીય એમ્બેસીએ લોકેશનના આધારે મુક્ત કરાવી
મોનલના પિતાએ જણાવ્યું હતું કે દીકરી ને પરત મેળવવા અમે ખેડા જિલ્લા સાંસદ અને સંચાર મંત્રી દેવુસિહ ચૌહાણના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. જે બાદ તેઓએ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને પત્ર દ્વારા જાણ કરી હતી. જે બાદ ઓમાન સ્થિત ભારતીય એમ્બેસીને જાણ કરતા એમ્બેસીની ટીમ મોબાઈલ લોકેશનના આધારે સ્થળ પર તપાસ કરવા પહોંચી હતી. જે બાદ એક અઠવાડિયામાં મોનલ ઘરે પહોંચી ગઈ હતી.
પરત મોકલવા એજન્ટે 1.50 લાખની માગ્યા હતા
ભારતીય એમ્બેસી દ્વારા મોબાઈલ લોકેશનના આધારે મોનલની તપાસ કરતા ઓમાન સ્થિત એજન્ટ અને તેની ટીમમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સરકાર એક્શનમાં આવી હોવાનું જાણતા જ એજન્ટે મોનલ ના પિતાને ફોન કરી રૂ.1.50 લાખ આપો તો દીકરી ને પરત મોકલી દઈશુ તેમ કહેતા જ તેના પિતાએ રૂપિયા મોકલ્યા હતા, અને મોનલ પરત આવી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.