પાણી પુરવઠાની ઘોર બેદરકારી:પરીએજના ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરીન લીક થતાં અફરાતફરી, 10 લોકોને ગેસની અસર થતા સારવાર માટે ખસેડાયા

નડિયાદ19 દિવસ પહેલા
ક્લોરીનની બોટલ
  • માતર મામલતદાર, TDO સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી

ખેડા જિલ્લાના માતર તાલુકાના છેવાડા ગામ ગણાતાં પરીએજ ગામે આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરીન બોટલમાંથી ગેસ લીકેજ થતાં અફડાતફડી સર્જાઈ હતી. ગભરામણ જેવો માહોલ થતાં આસપાસ રહેતા 10 વ્યકિતઓ બેભાન થયા છે. તો વળી પશુઓની પણ હાલત કફોડી બની છે. ગેસની અસરના કારણે બેભાન થયેલા સાત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સાત લોકોને ગેસની અસર થતા અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા
સાત લોકોને ગેસની અસર થતા અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા

માતર તાલુકાના પરીએજ ગામે શુક્રવારની બપોરે એકાએક પાણી પુરવઠાના ફિલ્ટર પ્લાન્ટ પર ક્લોરીન બોટલમાંથી ગેસ લીકેજ થવાના બનાવે ભારે ભાગદોડ મચાવી દીધી છે. જેમાં આસપાસ રહેતા લોકોને શ્વાસોશ્વામાં આ ગેસ જતાં તેઓ બેભાન થતાં તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 7 જેટલા વ્યક્તિઓ બેભાન થતાં તેઓને તુરંત સારવાર અર્થે તારાપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પરીએજમાં આવેલો પાણી પુરવઠાનો ફિલ્ટર પ્લાન્ટ
પરીએજમાં આવેલો પાણી પુરવઠાનો ફિલ્ટર પ્લાન્ટ

આસપાસના લોકોએ રોષપૂર્વક જણાવ્યું છે કે, આ ઘટનામાં પરીએજ પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. છેલ્લા લગભગ દસ વર્ષથી અહીંયા ક્લોરીનનો બોટલનો નિકાલ ન કરતાં આજે આ ઘટના સર્જાઈ હોવાનું જણાવ્યું છે. જ્યારે આ ઘટનામાં અબોલ પશુઓ પણ ભોગ બન્યા છે. સ્થાનિક લોકોના પશુઓ પણ આ ગેસ શ્વાસોશ્વાસ લેતા તેઓની સ્થિતિ ગંભીર બની છે.

આ ઘટનાને પગલે માતર મામલતદાર અને TDO સહિત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. જ્યારે નડિયાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ગેસ લીકેજ થતું અટકાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ફાયરબ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા મોટી જાનહાનીથી બચવા માટે બનાવથી 1 કીમી દુર આ બોટલને ખાડામાં દાટી દેવાઈ હતી અને આ બાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચાલવી આ ગેસને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.

ગેસની અસરના કારણે નજીકનાં ઘરોમાં વાસણો કાળા પડ્યા
ગેસની અસરના કારણે નજીકનાં ઘરોમાં વાસણો કાળા પડ્યા

આ અંગે માતર મામલતદારને પુછતાં તેમણે જણાવ્યું હતું કે આ ઘટના પરીએજ પાણી પુરવઠાના સંપના કંપાઊન્ડમાં બની છે. અહીંયા પાણીનું શુદ્ધિકરણ કરી સૌરાષ્ટ્ર તથા જે તે વિસ્તારમાં પહોંચાડવાની કામગીરી થાય છે. શુક્રવારે બપોરે લગભગ 12:30થી 1 વાગ્યાના સમયગાળામાં આ ઘટના બની હતી. જોકે અમે નજીક બામણગામમાં સેવાસેતુના કાર્યક્રમમાં હતા અને જેવી ઘટનાની જાણ થતાં અમે તુરંત બનાવ સ્થળે દોડી આવ્યા હતા. જોકે આસપાસ રહેતા 7 લોકો ગંભીર થતાં તેઓને સારવાર અર્થે ખસેડાયા છે. તમામની હાલત સુધારા પર છે પરંતુ એક અસ્થમા વાળા દર્દી હાલ પણ બેભાન હોવાનું જણાવ્યું છે. આ ઘટનાની જાણ GSDMAની ટીમને થતાં તેઓનો સ્ટાફ પણ બનાવ સ્થળે દોડી આવ્યો હતો.

પશુઓના મોંમાંથી ફીણ નીકળી ગયું
પાણી-પુરવઠાના સંપ નજીક લીક થયેલો ગેસ જેવો હવામાં ફેલાવાની સાથે સ્થાનિક પશુઓના મોમાંથી ફીણ નીકળી ગયું હતું. આ પશુઓની પણ ડૉક્ટરો દ્વારા સારવાર હાથ ધરવામાં આવી હતી. > શ્યામજી ચૌહાણ, કારકુન

પાણી-પુરવઠાના અધિકારીઓ સ્થળ પર મોડા પહોંચ્યા
પાણી પુરવઠાના કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચે તે પહેલા મામલતદાર અને તેમની ટીમે સ્થળ પર આવી મોરચો સંભાળી લીધો હતો. ત્યારબાદ પુરવઠા અધિકારીઓ મોડા-મોડા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા.

ગેસની અસર થતાં બેભાન થયેલા લોકોની યાદી
1. કિરણબેન મકવાણા (ઉં.25), 2. રમીલાબેન મકવાણા (ઉં. 42), 3. દિપકભાઈ પરમાર (ઉં. 2), 4. માણેકબેન પરમાર (ઉં. 49), 5. મનોજકુમાર મકવાણા (ઉં. 30), 6. ગંગાબેન મકવાણા (ઉં. 55), 7. ફતેસિંગભાઈ મકવાણા (ઉં. 37), 8. શક્તાભાઈ મકવાણા (ઉં. 64), 9. મહેન્દ્રભાઈ મકવાણા (ઉં. 22), 10. ગોવિંદભાઈ મકવાણા (ઉં. 48)

અન્ય સમાચારો પણ છે...