રોશની:નડિયાદમાં ડુંગાકુઈ ખાતે દીપમાળાઓથી રોશની કરાઈ, વાતાવરણ હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠ્યું

નડિયાદ14 દિવસ પહેલા
  • સંધ્યા આરતી ટાંણે વાતાવરણ જય મહારાજ અને હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠ્યું

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દેવદિવાળી નિમિત્તે રોશની કરાઈ હતી. જે બાદ ગતરોજ શહેરના ડુંગાકુઈ ખાતે સુંદર રોશનીનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદ સંતરામ મંદિર પ્રેરીત સંતરામ તીર્થ ડુંગાકુઈ ખાતે મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી સંતરામેશ્વર મહાદેવના પરીસરમાં દેવદિવાળીના પવિત્ર અવસર નિમિત્તે સોમવારે મંદિરમાં દીપકોથી રોશની કરાઈ હતી. સંત શિવરામદાસજી મહારાજના સાનિધ્યમાં ભગવાન મહાદેવ તથા ગુરુ મહારાજ સંતરામ મહારાજના પાદુકાની છત્ર છાયામાં સ્વદેશી વસ્તુની ભાવના સાથે માટીના દેશી કોડિયાથી દીપમાલાની રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

આ સાથે રંગબેરંગી દારૂખાનાની આતશબાજી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાદેવજીને સુંદર ફૂલોની ફૂલ મંડળીથી શૂસોભીત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ શુભ પ્રસંગે આશીર્વાદ આપવા સંતરામ મંદિરના સંત સત્યદાસજી મહારાજ અને સંત સર્વેશ્વરદાસજી મહારાજે ખાસ હાજરી આપી સર્વે ભક્તોને આશીર્વાચન આપ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ સંધ્યા આરતીના દર્શનનો લાભ લીધો. તથા ભક્તો દ્વારા જય મહારાજ અને હર હર મહાદેવના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...