તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાસથી મજબુર:કેનેડા ગયેલા પતિને પત્નીએ પુછ્યું કે, ક્યારે લેવા આવશો તો પતિએ કહ્યું કે તારે ઉતાવળ હોય તો છુટાછેડા આપી દે

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષના ટૂંકા લગ્ન ગાળામાં કરીયાવરનો કકળાટ
  • પરીણિતાએ મહિલા પોલીસ મથકે પતિ, સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

કરિયાવર એટલે કે સ્ત્રી ધન જે બાબતે લગ્ન જીવનમાં અનેકવાર ભંગાણ ઊભા થતાં હોય છે અને અંતે છુટાછેડા તરફ બંનેનું જીવન ધકેલાતું હોય છે. આજે આ બાબત સમાજમાં દુષણ રૂપ રીતે ફુલી ફાલી છે. ત્યારે નડિયાદમાં મહિલા પોલીસ મથકે આજે એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 1 વર્ષના ખુબ જ ટૂંકા લગ્ન જીવનમાં કરિયાવર બાબતે કકળાટ ઊભો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. વિદેશ ગયેલા પતિને પત્નીએ પુછ્યું કે, ક્યારે લેવા આવશો તો વળતા જવાબમાં પતિએ કહ્યું કે, તારે ઉતાવળ હોય તો છુટાછેડા આપી દે? જે જવાબ સાંભળતાં પરીણિતાના પગ તળેથી જમીન સરકી ગઈ છે.

સાસરીયાઓ મહેણાં ટોણાં મારતાં હતા

નડિયાદમાં રહેતી એક 26 વર્ષિય યુવતીના લગ્ન વડોદરા ખાતે રહેતા યુવક સાથે સમાજના રીતી રિવાજ મુજબ થયા હતા. લગ્ન 30 જાન્યુઆરી 2020ના રોજ ધામધૂમથી કરાયા હતા. જે બાદ સંયુક્ત કુટુંબમાં રહેતી આ પરીણિતાને તેના સાસરીયાઓ અવાર-નવાર કરીયાવર ઓછું લાવી છો તેમ કહી મહેણાં ટોણાં મારતાં હતા. તેમજ સાસરીવાળાઓએ વધુ કરીયાવર માટે પરીણિતાને 50 હજાર રૂપિયા આપવા જણાવ્યું હતું. આ વાત પરીણિતાએ પોતાના પિતાને કરતાં તેણીના પિતા મોંઘીઘાટ સાડીઓ આપી ગયા હતા.

કરીયાવર બાબતે સાસરીયાઓ આપતા હતા ત્રાસ

લગ્નના એક માસ બાદ એટલે કે 16 ફેબ્રુઆરી 2020ના રોજ પરીણિતાનો પતિ કેનેડા જતો રહ્યો હતો અને પરીણિતાને કહ્યું હતું કે, ત્રણ ચાર મહિનામાં ત્યાં સેટ થઈ જઈશ એટલે તને બોલાવી લઈશ. જેથી એકલતા અનુભવતી પરીણિતા પોતાના પિયરમાં આવજાવ કરતી હતી. ત્યારે થોડા મહિના બાદ આ પરિણીતાએ પોતાના પતિને ફોન પર પુછ્યું કે, ક્યારે લેવા આવશો તો તેના પતિએ કહ્યું કે વર્ક પરમીટ આવી જાય પછી તને લઈ જઈશ. જે બાદ પરદેશ ગયેલો પતિ તેણીની સાથે સરખી રીતે વાત કરતો ન હોતો. તો આ તરફ કરીયાવર બાબતે તેણીના સાસરીયાઓ ત્રાસ આપતાં હતા. ઉપરાંત પરીણિતાની તબિયત સારી ન હોવા છતાં તેણીને દવા કરાવતા ન હતા.

સાસરીયાના લોકો ફોન પણ કરતાં ન હતા

પરીણિતાએ પોતાના પિતાને જાણ કરી પોતાના પિયર નડિયાદ આવી ગઈ હતી. જ્યાં દવા કરાવી હતી. જ્યારે છેલ્લા 4 માસથી તેણીને પતિ કે સાસરીયાના લોકો ફોન પણ કરતાં ન હતા. જેથી કંટાળેલી પરીણિતાએ વિદેશમાં રહેતા પતિને જાણ કરતાં તેણે જણાવ્યું હતું કે, મારે અહીંયા કોઈ એક ઠેકાણું નથી, તને લઈ જઈશ. ફરીથી પરીણિતાએ પતિને પુછતા તેના પતિ અકળાઈ ગયો હતો અને જણાવ્યું કે સેટ થઈ જાવ પછી લઈ જઈશ તેમજ તને જો બહુ ઉતાવળ હોય તો તુ છુટાછેડા આપી દે! આમ કહેતા પરીણિતા સ્તબંધ થઈ ગઈ હતી.

પોલીસે IPCની ધારા મુજબ ગુનો નોધ્યો

આ અંગે પિડીતાએ ન્યાય મેળવવા અને ઉપરોક્ત બનાવમાં સમાધાન માટે નડિયાદના મહિલા પોલીસ મથકે અરજી આપી હતી. પરંતુ આ બાબતે સમાધાન થયું ન હતું. આથી આજે ગુરૂવારે પિડીતાએ આ અંગે પોતાની (નણંદ) મિત્તલબેન ધવલકુમાર પંચાલ, (સાસુ) રક્ષાબેન મુકેશભાઈ પંચાલ, (સસરા) મુકેશ બાબુલાલ પંચાલ અને (પતિ) જય મુકેશ પંચાલ વિરુદ્ધ નડિયાદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે IPC 498(A) અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...