નડિયાદ નગરપાલિકાની આજે બજેટ બોર્ડ બેઠક મળી હતી. આ બેઠક ફક્ત 2 મીનીટમાં જ આટોપી લેવામાં આવી છે. 2841.85 લાખનું પુરાતંવાળુ બજેટ રજૂ કરાયુ હતું જે ગણતરીની સેકન્ડોમાંજ પાસ કરી દેવાયું હતું. જોકે વિપક્ષી પક્ષો કોઈ પ્રશ્ન રજૂ કરે તે પહેલાં જ બેઠક પૂર્ણ કરી દેવાઈ છે. કોઇ પણ કમીટીની રચના કર્યા વગર બોર્ડ બેઠક બોલાવી હોવાનો વિપક્ષી પક્ષોએ આક્ષેપ કર્યો છે. તો આ બજેટ બેઠકમાં વિવિધ વિકાસ લક્ષી કામોને લીલી ઝંડી આપવામાં આવી છે.
નડિયાદ નગરપાલિકા વર્ષ 2021-22નું બજેટ બોર્ડ આજ રોજ નગરપાલિકાના હોલમાં મળ્યું છે. બરાબર 12ના ટકોરે બેઠક યોજાઈ અને બે જ મીનીટમાં બેઠકને આટોપી લેવાઈ છે. આ બજેટ બેઠકમાં પાલિકા પ્રમુખ રંજન વાઘેલા, ઉપપ્રમુખ કિન્તુ દેસાઈ, ચીફ ઓફિસર પ્રણવ પારેખ સહિત કાઉન્સિલરો હાજર રહ્યા હતા.
આ બે મીનીટમાં 2841.85 લાખનું પુરાતંવાળુ બજેટ પસાર કરાયું છે. વિરોધ પક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરે તે પહેલાં જ બેઠક પૂર્ણ કરી દેવાઈ હતી. આ બોર્ડની બેઠકમાં આવક જાવક રજૂ કરવામાં આવી હતી. જેમાં આવક તરફ જોઈએ તો ટેક્ષ પેટે 1679.50 લાખ, ભાડા પેટે 123.50 લાખ, સહાયક અનુદાન 2087લાખ, વિકાસ યોજના 4688 લાખ, અસાધારણ 285 લાખ, ફી પેટે 573.10 લાખ મળી કુલ રૂપિયા 12711.85 લાખની રકમ અંદાજવામાં આવી છે.
જ્યારે જાવક તરફ જોઈએ તો મહેસુલી ખર્ચ 4340 લાખ, આવશ્યક સેવા નિર્વહન અને વિકાસના ખર્ચ પેટે 194 લાખ, વિકાસ યોજના ગ્રાન્ટ વપરાશ 4688 લાખ, દેવુ અને જવાબદારીઓ પાછળ 371 લાખ, અસાધારણ ખર્ચ 277 લાખ મળી કુલ ખર્ચ 9870 લાખ અંદાજવામાં આવ્યા છે. 2841.85 લાખનું પુરાતંવાળા બજેટને લીલી ઝંડી અપાઈ છે. તો રજૂ કરાયેલા એજન્ડામાં જોઈએ તો અમુક કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું વિપક્ષે આક્ષેપ કર્યો છે. રીંગરોડથી મરીડા તરફના રોડનું કામ બાકી પણ સરકારી દફતરે આ રોડ થઇ ગયો હોવાનું વિપક્ષીઓએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.