ભુલાઇ રહેલી ભવાઈ:નવરાત્રિ અને ભવાઈ બન્ને એક સિક્કાની બે બાજુ, ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ ભવાઈ ચરોતરમાં વિસરાઈ રહી છે

નડિયાદ14 દિવસ પહેલા
  • આજે પણ ગલીએ ગલીએ ભવાઈના કાર્યક્રમો જોવા મળી રહ્યા છે પણ પ્રેક્ષકોની પાંખી હાજરી

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને ઓળખ એટલે ગરબા, લોક નૃત્ય તરીકે સ્થાન પામેલ ગરબા આજે મહંદઅંશે બદલાયા છે. અવનવા સ્ટેપ સામે આવતાં પરંપરાગત ચાલતાં ગરબા પર ખતરો ઊભો થયો છે. આ ગરબાની સાથે સાથે ગુજરાતની અન્ય ભાતીગળ સંસ્કૃતિ ગણાતી ભવાઈ પર પણ જોખમ ઊભું થયું છે. આમ એક સિક્કાની બે બાજુ પૂરક ગણાતી આ સંસ્કૃતિ પૈકી ભવાઈ ચરોતરમાં લુપ્ત થવાના આરે છે. આજે આંગળીના ટેરવે આખી દુનિયા સમાઈ છે. ત્યારે ગુજરાતની વંશ પરંપરાગત ચાલી આવતી ભવાઈ પર ખતરો ઉભો થયો છે. આજે ટેકનોલોજીના સમયમાં આ ભવાઈ ક્ષેત્રમાં નભતી નાયક જાતિને અનેક પડકારો વેઠવાનો વારો આવ્યો છે. વંશ પરંપરાગત ચાલી રહેલી ભવાઈ, નાયક પરિવારના લોહીમાં સમાયેલી હોય છે.

જે સમયે ટેકનોલોજી નહોતી ત્યારે ગુજરાતમાં શહેરો, શહેરોની પોળ, ગલીઓ તેમજ ગ્રામ્‍ય કક્ષાએ તા... થૈયા.... થૈયા.... તા.... થૈ....ના સૂરો રેલાતા તમે સાંભળ્યા હશે જેને ભવાઈનો તાલ કહેવાય છે. અનેક પ્રકારની ભવાઈ ભજવવામાં આવે છે. ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં પણ ભવાઈનું આછું પાતળું વર્ણન કરવામાં આવ્યું છે. આજે મોબાઇલની દુનિયામાં આવી ભવાઈને ડિઝીટલ પ્લેટફોર્મ મળ્યું છે. પરંતુ જે જીવંત જોવાનો ઉમળકો હતો તે આજે ઓછો થતો ગયો હોવાના ચિતાર ચરોતરમાંથી સામે આવી રહ્યા છે. લગભગ ગુજરાત ભરમાં પણ આવી સ્થિતિ છે. જેના કારણે આ ભવાઈ ક્ષેત્ર સાથે સંકળાયેલ નાયક જાતિને આજે અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. નાયક જાતિ સંપૂર્ણ પણે આ ભવાઈ સાથે સમર્પિત હોય છે. અને આજીવિકા મેળવી જીવન નિર્વાહ કરતી હોય છે.

નડિયાદમાં દર ભાદરવી પૂનમે ભવાઈનો કાર્યક્રમ યોજાય છે
છેલ્લાં 50 વર્ષથી નડિયાદ આવી ભવાઈના કાર્યક્રમો કરતાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલાના વિષ્ણુભાઈ નાયક જણાવે છે કે, આ લગભગ 700 વર્ષ જુની પ્રણાલીકા છે. તેઓ છેલ્લા 50 વર્ષથી નડિયાદ આવે છે. દર વર્ષે ભાદરવી પૂનમે શહેરના માઈ મંદિર ખાતે માની ભવાઈનો કાર્યક્રમ યોજાઈ છે. જે બાદ શહેરના ગલીએ ગલીએ ભવાઈના કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. સોનામાં સુગંધ ભળે તે રીતે આ ભવાઈનો કાર્યક્રમ ભળી જતો હોય છે. માણસર ગામના અમારા ડાહ્યાભાઈ નાયક વર્ષોથી આ દિવસે નડિયાદ આવતાં હતા અને આથી અમે પણ આ પરંપરાને જાળવી રાખી છે.

પેઢીથીઓથી ચાલી આવતી ભવાઈ
વિષ્ણુભાઈને 60 જેટલા નાટકો કંઠસ્થ છે. વિષ્ણુભાઈ પોતાના બે દીકરા સાથે ભવાઈનો કાર્યક્રમ યોજી રહ્યા છે. તેઓની મંડળીમાં ધીરુભાઈ નાયક, વિજયભાઇ નાયક, મંગેશભાઈ નાયક, પ્રકાશભાઈ નાયક, રાજુભાઈ નાયક, મેહુલભાઇ નાયક, રણજીતભાઈ નાયક, રસીકલાલ નાયક, રમેશભાઈ નાયક, શાંતિલાલ નાયક, રમેશભાઈ પી. નાયક, મુકેશ નાયક, પીનાકીન નાયક સહિત અન્ય લોકો છે.

વિષ્ણુભાઈ નાયક
વિષ્ણુભાઈ નાયક

હિંમતનગર અને જામનગરમાં પણ ભવાઈના કાર્યક્રમો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા
​​​​​​​વિષ્ણુભાઈને ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમી દ્રારા શ્રેષ્ઠ કલાકારનો એવોર્ડ પણ મળ્યો છે. અગાઉ જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે હિંમતનગર, જામનગરમાં પણ ભવાઈનો કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ દરમિયાન પણ તેમણે પ્રથમ નંબરે નવાજવામાં આવ્યા હતા.

ભવાઈ અમારા લોહીમાં વહે છે
વિષ્ણુભાઈના જણાવ્યા મુજબ 70 વર્ષથી આ ભવાઈ મંડળ કાર્યરત છે. વંશ પરંપરાગત ચાલી આવતી આ ભવાઈ અમારા લોહીની નસોમાં છે. અમારા ઊંજાના અસાઈત નાયક દાદા થઈ ગયા, જેમણે 360 જેટલા વેશ ભવાઈના લખ્યા હતા. જેમાંથી અમૂક વેશ લુપ્ત થઈ ગયા છે. અને અમૂક ભજવવામાં આવે છે. જે જાણે એ ભજવે છે.

ભવાઈની અંદર સાક્ષાત્કાર ચમત્કાર
મા ની ભવાઈમાં માતાજીના ગરબામાં માતાજી સાક્ષાત પધારી નાયકને ચૂડી, ચૂંદડી અને ઘૂંઘડ આપે છે. જેથી નાયકનો દિકરો માતાજીની ચૂંદડી અને મા નો વેશ ધારણ કરી માથે ગરબો લે છે. આ સમયે માડી સાક્ષાત હાજરા હજુર હોય છે. અને લોકોની મનોકામના પૂર્ણ કરે છે.

ભવાઈમાં તા... થૈયા.... થૈયા.... તા.... થૈ....ના લહેકા રેલાય છે
​​​​​​​નડિયાદમાં ભવાઈના કાર્યક્રમોમાં 5-5ની બે ટુકડીઓ પાડી શહેર ભરમાં ભવાઈ ભજવવામાં આવી હતી. આ ભવાઈ મંડળી જ્યાં સોસાયટી, પોળ કે મહોલ્લા વિસ્તારમાં જાય ત્યારે ભવાઈ શરૂ કરતાં પહેલાં પ્રેક્ષકોને એકઠા કરવા સૌથી પહેલા ભૂંગળ વગાડવામાં આવે છે. જે બાદ સૌપ્રથમ ગણપતીદાદાનો વેશ ત્યાર બાદ બ્રાહ્મણનો વેશ અને એ પછી જુઠણનો વેશ ત્યાર બાદ છેલ્લે માતાજીનો ગરબાનો કાર્યક્રમ યોજાઈ છે. જે બાદ બોલી બોલાવવામાં આવે છે. આ ભવાઈમાં પુરૂષો સ્ત્રીનો વેશ પણ ધારણ કરે છે અને જીવંત નાટક ભજવે છે. અને તા... થૈયા.... થૈયા.... તા.... થૈ....ના લહેકા રેલાતા હોય છે. આ જીવંત ભવાઈના કાર્યક્રમોથી સામાવાળા પ્રેક્ષકો તરબોળ થઈ જતાં હોય છે. વંશપરંપરાગત આ ભવાઈ સાથે સંકળાયેલા નાયક પરિવાર આજે આજીવિકા મેળવવા અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે ભવાઈ ભજવવા જાય ત્યારે પ્રેક્ષકોની હાજરી પણ પાંખી રહે છે. નવરાત્રિ અને ભવાઈ બન્ને એકબીજાના પૂરક કહી શકાય છે.

અન્ય ભાતીગળ સંસ્કૃતિ પણ લુપ્ત થવાના આરે
ભવાઈ નહી પરંતુ નટ બજાણીયાનો ખેલ, 32 પૂતળીનો ખેલ, બહુરૂપીનો વેશ સહિત પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિ જે મનોરંજન માટે હતી તે આજના સમયમાં વિસરાતી જાય છે.

અન્ય સમાચારો પણ છે...