તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખેડા જિલ્લામાં રીક્ષામાંથી પડી જવાના બે જુદા જુદા બનાવોમાં એક બાળક અને એક પુરુષનુ મોત

નડિયાદએક મહિનો પહેલા
મહુધાના રામના મુવાડા પાસે અકસ્માતમાં દોઢ વર્ષના બાળકનું મોત
  • મહુધાના રામના મુવાડા પાસે ગાડી અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં દોઢ વર્ષના બાળકનું મોત
  • નડિયાદના વડતાલ પાસે શ્વાન આડુ ઉતરતા રીક્ષા પલ્ટી ખાઈ જતાં પુરુષનું મોત
  • બન્ને બનાવો સંદર્ભે હદ ધરાવતા પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો

ખેડા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. વિતેલા કલાકો દરમિયાન બે જુદા જુદા સ્થળે રીક્ષા સાથે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે. જેમાં મહુધાના રામના મુવાડા પાસે ગાડી અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં દોઢ વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે નડિયાદના વડતાલ પાસે શ્વાન આડુ ઉતરતા રીક્ષા પલ્ટી ખાઈ જતાં એક પુરુષનું મોત નીપજ્યું છે. બન્ને લોકો રીક્ષામાં સવાર હતા અને અકસ્માત થતાં રીક્ષામાંથી પડી જતાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અંગે હદ ધરાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

મહુધા તાલુકાના નાની ખડોલ ગામે રહેતા જેતુનબીબી મલેક ગતરોજ પોતાના દિકરા ફીરોજ તથા પુત્રવધુ અને બે પૌત્ર સાથે પોતાની રીક્ષામાં બેસીને પીઠાઈ ગામે ગયા હતા. સગાની ખબર કાઢવા ગયેલ આ મલેક પરિવારને પરત ફરતાં અકસ્માત નડ્યો હતો. ગતરાત્રે પરત આવી રહ્યા હતા ત્યારે મહુધાના રામના મુવાડા પાસે પુરપાટે આવતી વેગેનાર કારે ઉપરોક્ત રીક્ષાને ટક્કર મારી હતી. આથી રીક્ષામાં બેઠેલ કેટલાક વ્યક્તિઓ નીચે પટકાતાં ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ જતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘવાયેલા ત્રણ વ્યક્તિઓને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલ દોઢ વર્ષના બાળક આર્યનને ગંભીર ઈજાઓ થઈ હતી. ડોક્ટરે આ બાળકને તપાસતાં તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ફીરોજ તેમની પત્ની તથા એક પુત્ર નડિયાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ બનાવ સંદર્ભે જેતુનબીબી મલેકે ઉપરોક્ત કાર (નં. G. J. 18 A. A. 6917)ના ચાલક વિરૂદ્ધ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય એક બનાવ નડિયાદના ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે. નડિયાદ તાલુકાના વલેટવા તાબેના ભગવાનપુરામાં ગામે રહેતા રાયસિંગભાઈ ડાહ્યાભાઈ સોલંકીના દિકરા પ્રકાશભાઈ (ઉ. વ. 40) ગતરોજ ગામની રીક્ષામાં બેસી વડતાલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે વડતાલના ગોમતી તળાવ પાસે એકાએક રીક્ષા આગળ શ્વાન આડુ ઉતરતાં રીક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો હતો. આથી રીક્ષા રોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલ પ્રકાશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે વડતાલની હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લાવતા રસ્તામાં જ મોત નીપજ્યું છે. આ અંગે રાયસિંગભાઈ સોલંકીએ ચકલાસી પોલીસ મથકે ઉપરોક્ત રીક્ષા ચાલક નિમેશ વાળંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...