આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 14 વર્ષીય સગીરાનું શહેરના સો ફૂટ રોડ સ્થિત જૂની પાણીની ટાંકી પાસે આવેલી સોસાયટીમાં રહેતા બે સગીરે અપહરણ કરી, તેને બાઈક પર વચ્ચે બેસાડી નડિયાદના વસો સ્થિત અજાણ્યા કોમ્પ્લેક્સમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણે પ્રતિકાર કરતાં બંને શખસે ટાઈલ્સ અને પથ્થરનો બ્લોક મારી હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે સમગ્ર મામલે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સગીરાએ પ્રથમ વખત શનિવારે સવારે ચાર વાગ્યે પોતાની સાથે બનેલી ઘટના અંગે વાત કરી હતી.
સગીરાએ જણાવ્યું હતું કે તે છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા દ્વારા આ બંને યુવકના સંપર્કમાં આવી હતી. તેઓ અવારનવાર એકબીજા સાથે વાતચીત કરતાં હતાં. શનિવારે સવારે ચાર વાગ્યાની આસપાસ તેને તેમણે મેસેજ કરી ઘરની બહાર મળવા માટે બોલાવી હતી. દરમિયાન હું ગઈ હતી. હું કંઈ સમજું-વિચારું એ પહેલાં જ મને રૂમાલ સુંઘાડી બેભાન કરી દીધી હતી. એ પછી બંને યુવકો બાઈક પર વચ્ચે બેસાડી અવાવરૂ કોમ્પ્લેક્સમાં લઈ આવ્યા હતા.
મને હોશ આવ્યો ત્યારે બંને જણા મારી સાથે કંઈક અઘટિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મારાં વસ્ત્રો ખેંચી રહ્યાં હતાં, એટલે મેં એ બાબતે પ્રતિકાર કર્યો હતો. મને કંઈ ભાન નહોતું. દરમિયાન એ જ સમયે એક સગીરે મારા માથામાં પથ્થરનો ઘા કર્યો હતો અને બીજાએ ટાઇલ્સ જેવી વસ્તુથી ગળાના ભાગે ઘા કરતાં મને ચક્કર આવવા લાગ્યા હતા અને હું બેભાન થઈને નીચે પડી ગઈ હતી. એ પછી મને ખબર નથી કે મારી સાથે શું બન્યું ? સવારના સમયે કોમ્પ્લેક્સમાં કોઈ વ્યક્તિ આવતાં તેણે મને ભાનમાં લાવી હતી. એ પછી મારા પરિવાર અને પોલીસનો સંપર્ક કર્યો હતો. ભાનમાં આવી ત્યારે હોસ્પિટલમાં હતી. હાલમાં મારી હાલત સ્થિર છે, એમ તેણે વધુમાં જણાવ્યું હતું. આ અંગે સગીરાનાં પરિવારજનો પણ વધુ કાંઇ કહેવા તૈયાર ન હતાં. સગીરા એક સપ્તાહથી યુવકના સંપર્કમાં આવી જણાવ્યું હતું.
બંને સગીરને અમદાવાદ રિમાન્ડ હોમમાં ધકેલાયા
આણંદ શહેર પોલીસ દ્વારા ઘટનામાં સંડોવાયેલા બંને સગીરની ધરપકડ કરી લીધી હતી. એ પછી રવિવારે મોડી સાંજે તેમને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરાયા હતા. તેઓ જે બાઈક લઈને ગયા હતા એ બાઇક પણ પોલીસે કબજે કરી હતી. કોર્ટે બંને સગીરને અમદાવાદ બાળ રિમાન્ડ હોમમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.