તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાનું આગમન:આણંદની તુલનામાં ખેડા જિલ્લાના ત્રણ તાલુકા પંથકમાં ઝરમર વરસાદ, બાકીના તાલુકાઓ કોરા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદમાં ઝરમર વરસાદી માહોલ - Divya Bhaskar
નડિયાદમાં ઝરમર વરસાદી માહોલ
  • સવારથી બપોર સુધી માત્ર ત્રણ તાલુકામાં જ ઝરમર વરસાદ નોંધાયો
  • ખેડૂતો માટે આ વરસાદ ફાયદાકારક, ખેડૂતો વાવણી માટે સજ્જ બન્યા

ખેડા જિલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના હળવા ઝાપટા પડ્યા છે. ચરોતર પંથકના આણંદમાં આજે સવારે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેની સામે નડિયાદ સહિત જિલ્લાના ત્રણ તાલુકા પંથકમાં જ ઝરમર વરસાદ પડ્યો છે. અહીંયા સવારથી બપોર સુધી જીલ્લાના 10 તાલુકાઓમાંથી માત્ર ત્રણ તાલુકામાં જ ઝરમર વરસાદ વરસ્યો હોવાનું ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતીમાંથી મળી રહ્યું છે.

ઝરમર વરસાદના કારણે રોડ રસ્તાઓ ભીના થયા

સમગ્ર ચરોતર પંથકમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. શુક્રવારે સવારે આણંદમાં વરસાદે જોરદાર બેટીંગ કરી છે. જેની સામે ખેડા જિલ્લાના માત્ર ત્રણ તાલુકાઓમાંજ મેઘમહેર થઈ છે. બાકીના તમામ તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. આ ત્રણ તાલુકામાં વરસેલા ઝરમર વરસાદના કારણે રોડ રસ્તાઓ ભીના થયા છે. ડિઝાસ્ટર વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આજે સવારે 8 થી 10ની અંદર માત્રને માત્ર નડિયાદ પંથકમાં જ 1 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.

બાકીના તમામ તાલુકામાં માત્ર વાદળછાયું વાતાવરણ

જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં વરસાદનો છાંટો પણ પડ્યો નથી. તો સવારે 10 થી બપોર 12 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળામાં નડિયાદમાં 1 મી.મી., માતરમાં 7 મી.મી. અને વસોમાં 2 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે બપોરે 12 થી 2 વાગ્યાની અંદર માત્ર વસોમાં જ 2 મી. મી. વરસાદ અને 2 થી 4 વાગ્યાની અંદર એકલા નડિયાદમાં જ 2 મી.મી.વરસાદ નોંધાયો છે. બાકીના તમામ તાલુકામાં માત્રને માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

ખેડૂતો માટે આ વરસાદ ફાયદાકારક

વરસાદના હળવા ઝાપટા શરૂ થતા ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી છે. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે. તો ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ ફાયદાકારક બની ગયો છે. ખેડૂતો વાવણી માટે સજ્જ બન્યા છે. તો બીજી બાજુ ડાંગરના ધરૂવાડિયા માટે આ વરસાદ કાચુ સોનું સાબિત થશે. તેમ ખેડૂતો માની રહ્યાં છે. વહેલા વરસાદને પગલે ધરતીપુત્રો રાજી થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...