વિવાદ:ઉત્તરસંડાના ઇજાગ્રસ્ત યુવકને પોલીસ કર્મચારીએ તમાચો માર્યો

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ સિવિલમાં પોલીસ કર્મી અને દર્દી વચ્ચેની રકઝકનો વાયરલ વીડિયો. - Divya Bhaskar
નડિયાદ સિવિલમાં પોલીસ કર્મી અને દર્દી વચ્ચેની રકઝકનો વાયરલ વીડિયો.
  • પોલીસ કર્મીને એનું નામ પુછતાં તેણે મને થપ્પડ મારી : યુવક
  • મારી જોડે તું, તારી કરી એટલે મેં ધોલ મારી : પોલીસ કર્મી

ફરિયાદી અને શહેરીજનો સાથે પોલાઈટલી વર્તન કરવા માટે પોલીસ કર્મચારીઓને પાઠ શીખવવામાં આવે છે. પરંતુ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસ કર્મી અને અકસ્માત માં ઘવાયેલ યુવક વચ્ચે થયેલ માથાકૂટ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વિડીયો જોતા ફરજ પરના પોલીસ કર્મચારીની કામગીરી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અકસ્માતગ્રસ્ત યુવકનો જવાબ લેવા માટે સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મચારી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પહોંચ્યા હતા, જ્યા દર્દીએ તેમનું નામ પુછતાં ઉશ્કેરાઈ ગયેલા ફરજ પરના પોલીસ કર્મીએ યુવકને ‘તુ મારો સાહેબ છે? અધિકારી છે મારો? કહી લાફો ઝીંકી દીધો હતો.

ઉત્તરસંડા ગામે ભાથીજી મંદિર પાસે રહેતા રહેતા વિપુલભાઈ પરમાર મંગળવારના રોજ કામ અર્થે નડિયાદ આવી રહ્યા હતા. ત્યારે અન્ય સિનિયર સિટીઝનના એક્ટિવા સાથે તેઓના બાઈકને ટક્કર વાગતા તેઓને ઈજા થઈ હતી. જેથી તેઓ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પીટલમાં એડમીટ થયા હતા. તે સમયે સિવિલ ડ્રેસમાં હાજર પોલીસ કર્મી બાબુભાઈ કોટવાલ તેમની પાસે વર્ધી લખવા આવ્યા હતા. પરંતુ વિપુલભાઈ પોલીસ કર્મીનો ઓળખતા ન હોય તેમનું નામ પૂછ્યું હતું.

પરંતુ યુવકે નામ પૂછતાં જ બાબુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા, અને તુ મારો સાહેબ છે, અધિકારી છે મારો? કહી યુવકને થપ્પડ મારી દીધી હતી. પોલીસ કર્મચારી દ્વારા ઘાયલ અને હોસ્પિટલમાં એડમિટ યુવક સાથે અયોગ્ય વર્તનના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એક કર્મચારીની વર્તણુક ના કારણે સમગ્ર પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. સમગ્ર ઘટના અંગે વિપુલ પરમારે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી ન્યાયિક કાર્યવાહીની માંગ કરી છે.

હું બાબુભાઈને ઓળખતો ન હોય તેમનું નામ, ઓળખ પુછ્યા હતા
વિપુલે જણાવ્યું હતું કે નડિયાદ ઉત્તરસંડા રોડ પર મારે જે એક્ટિવા ચાલક દંપત્તિ સાથે અકસ્માત થયો તે પણ સિનિયર સીટીઝન હતા. અને બાબુભાઈ મારૂ નામ પુછવા આવ્યા તે પણ મને એક્ટિવા ચાલક જેવા લાગ્યા. જેથી બાબુભાઈએ મારૂ નામ પૂછતા ‘પહેલા તમે તમારું નામ જણાવો તેમ મે કહ્યું હતું.

અમારા અધિકારી પણ મારી સાથે આ રીતે વાત નથી કરતા
નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસ કર્મી બાબુભાઈના ઉદ્ધત વર્તન નો વિડિયો વાયરલ થયો છે, તેમાં તેઓ સ્પષ્ટ પણે બોલતા જોવા મળી રહ્યા છેકે ‘તુ મારો અધિકારી છે? અમારા અધિકારી પણ અમારી સાથે આ રીતે વાત નથી કરતા. મારી સાથે તુ તારી કરે તો હુ મારૂ. મોટા વડીલ હોય તો પણ મારી સાથે તુ તારી નથી કરતા.’ એક તો આ પોલીસ કર્મીએ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલ દર્દીને થપ્પડ મારી છે, અને ઉપર થી તેઓ રોફ પણ જમાવતા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જેથી હાલ તો આ વિડીયો સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પોલીસ વિભાગ દ્વારા અવાર નવાર પોલીસ અને પ્રજા વચ્ચે નો સબંધ ગાઢ બને તે માટે પોલાઈટ વર્તનના પાઠ શીખવવામાં આવતા હોય છે. પરંતુ જે પ્રકારે સિવિલ હોસ્પિટલ ની ઘટના સામે આવી છે. તેને જોતા આવા કર્મચારીઓ માટે શેઠની શિખામણ ઝાંપા સુધી જ હોવાનું લાગી રહ્યું છે.>બાબુભાઇ, પોલીસકર્મી

અન્ય સમાચારો પણ છે...