પ્રજાના પૈસાની લહાણી:રૂ 2.5 કરોડના ખર્ચે મંજૂર થયેલ 14 કિમીના રસ્તાના કામમાં વધુ રૂ 1.5 કરોડની દરખાસ્ત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુધા તાલુકામાં કોન્ટ્રાક્ટરને લાભ કરાવવા આમ પ્રજાના પૈસાની લહાણી
  • 24 અેપ્રિલ 2022અે કામ પૂર્ણ કરવાનું હતું જે હજુ સુધી શરૂ પણ થયું નથી

જિલ્લાના મહુધા તાલુકામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સણાલી, ખલાડી, નવાગલ, અલીણા થઇ રામગનર સુધીના રોડ બનાવવા માટે ખાનગી કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે. રૂ.2.5 કરોડના ખર્ચે આ રોડ 28 એપ્રિલ 2022 સુધીમાં રોડ બનાવી દેવાનો હતો. પરંતુ રોડનું કામ પુર્ણ કરવાની તરીખ નજીક આવી છતા રોડ બનાવવાની કામગીરી હજુ શરૂ નથી થઈ. જે બાબતે કોંગ્રેસી ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારે સંકલન સમિતિમાં પ્રશ્ન પુછ્યો ત્યારે ખબર પડી કે સરકારી બાબુઓએ વધુ રૂ.1.5 કરોડની દરખાસ્ત કરી છે.

ખેડા જિલ્લા પંચાયત દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કરાતી કામગીરીમાં લાલીયાવાડી અને કોન્ટ્રાક્ટરોને લહાણી કરાતી હોવાનો વધુ એક દાખલો સામે આવ્યો છે. મહુધા તાલુકાના સલાણી થી રામનગર સુધીના 14 કિમીના રસ્તાનું કામ 29 ઓક્ટોબર 2020 માં શરૂ કરવાનું હતુ, અને 24 એપ્રિલ 2022 માં પૂર્ણ કરવાનું હતું. કામગીરી પૂર્ણ કરવાની તારીખને ફક્ત 6 દિવસ બાકી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ રસ્તો નવો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું નથી.

મામલાની ગંભીરતાને જોતા મહુધાના કોંગ્રેસી ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારે જિલ્લા સંકલન સમિતિની મિટીંગમાં પ્રશ્ન કરતા માર્ગ અને મકાન વિભાગે જવાબ આપ્યો છેકે રૂ.2.5 કરોડની ટેન્ડરની રકમ માં વધુ રૂ.1.5 કરોડની વધારાના જથ્થાની દરખાસ્ત છે. જેના કારણે કામગીરીમાં વિલંબ થયો છે. જેનો સ્પષ્ટ મતલબ થાય છેકે સરકારી બાબુઓ દ્વારા કોન્ટ્રાક્ટરને લાભ કરાવવા માટે વધારાના રૂ.1.5 કરોડની દરખાસ્તમાં સમય વેડફી બે વર્ષ સુધી રસ્તો બનાવવાની કામગીરીમાં મોડું કર્યું છે. જેના કારણે 2 વર્ષ સુધી ખરાબ રસ્તા પર મુશ્કેલી વેઠવી પડી, અને હવે પ્રજાની પરસેવાની કમાણી વેડફાસે તે અલગ.

પ્લાન એસ્ટીમેન્ટ બનાવનાર કન્સલટન્સી સામે શું કાર્યવાહી થશે?
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધારાસભ્યને જવાબ આપવામાં આવ્યો છેકે અગાઉ ખાનગી કન્સલટન્સી દ્વારા જે ડીપીઆર બનાવવામાં આવ્યો હતો. તેમાં ભુલ હતી. જેના કારણે નવેસરથી ખર્ચનો અંદાજ કઢાવી દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી છે. ત્યારે ખાનગી એજન્સી દ્વારા શુ ઓફિસમાં બેઠા બેઠા અંદાજીત ખર્ચ કાઢવામાં આવ્યો હતો? આવી કન્સલટન્સી સામે જિલ્લા પંચાયત કાયદેસર કાર્યવાહી કરે તે જરૂરી છે.

કામ શરૂ થતા હજુ 10 દિવસ લાગશે
સમગ્ર મામલે સંકલન સમિતિમાં પ્રશ્ન કરતા દિન દસમાં કામ શરૂ કરવાની ખાતરી માર્ગ અને મકાન વભાગના અધિકારીએ આપી છે. પરંતુ આ પ્રકારે પ્રજાના નાણા વેડફાતા હોય ત્યારે આ બિલ ન ચુકવવું જોઈએ તેવી અમારી માંગ છે. માર્ગ અને મકાન વિભાગ અને સરકારની ઉદાસીનતાનો ભોગ મારા વિસ્તારની જનતા બની રહી છે.> ઈન્દ્રજીત પરમાર, ધારાસભ્ય

રસ્તો ધૂળીયો અને જોખમી બન્યો
સણાલી થી રામનગરનો રસ્તો બિસ્માર બન્યો હોય અનેક રજૂઆતોને પગલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં નવો રસ્તો બનાવવાની મંજૂરી અપાઈ હતી. પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મીલીભગતને કારણે ટેન્ડરમાં મંજુર થયેલ રકમ ઉપરાંત રૂ.1.5 કરોડ વધુ પાસ કરાવવાની લ્હાયમાં 2 વર્ષ સુધી રસ્તાનું કામ નહિ થતા હાલ રસ્તો ધુળીયો અને જોખમી બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...