લ્યો બોલો!:નડિયાદના અર્બન હેલ્થ સેન્ટરમાં માત્ર 25 રેપીડ ટેસ્ટ કિટની ફાળવણી!

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ કોરોના માટે હોટસ્પોટ બન્યુ છે ત્યારે અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરથી જ રેપીડ ટેસ્ટની કિટ ખતમ થઇ જાય છે
  • કિટ ઝડપથી ખાલી થઇ જતી હોવાના કારણે બપોર બાદ દર્દીને ભટકવું પડે છે

ખેડા જિલ્લામાં નડિયાદ શહેર કોરોના માટે હોટ સ્પોટ બની રહ્યું છે. દિવસે દિવસે કેસની સંખ્યા વધી રહી છે. સામાન્ય જનમાનસ પર પણ તેની અસર જોવા મળી રહી છે. જોકે, ખાટલે મોટી ખોડ એ છે કે શહેરના અર્બન સેન્ટર પર ગણતરીની જ રેપીડ ટેસ્ટ કીટ ફાળવવામાં આવી રહી છે. જે બપોર સુધીમાં ખતમ થઇ જાય છે. આ સ્થિતિમાં ટેસ્ટ માટે આવતા દર્દીની અન્યત્ર ભટકવું પડે છે.

નડિયાદ શહેર કોરોના માટે હોટ સ્પોટ બની ગયું છે. જિલ્લાના 1200 જેટલા કેસમાં 700 ઉપરાંત કેસ શહેરમાં જ નોંધાયાં છે. આશરે બે લાખની વસતી ધરાવતા નડિયાદ શહેરમાં મીશન રોડ, સંતરામ, હરિદાસ સહિત ચાર સ્થળે અર્બન સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. આ તમામ સેન્ટર પર ફક્ત 25 જ ટેસ્ટીંગ કિટ ફાળવવામાં આવે છે. આ મર્યાદિત કિટના કારણે જરૂરિયાતમંદ દર્દીને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમાંય શનિવારના રોજ અર્બન હેલ્થ સેન્ટર પર સવારથી જ કિટ ન હોવાની બૂમ ઉઠી હતી. જેને કારણે અનેક દર્દીઓને પરત ફરવું પડ્યું હતું. કેટલાક દર્દીઓને બે કે ત્રણ દિવસ પછી જ ટેસ્ટીંગ કરવા આવવા જણાવ્યું હતું. આમ, નડિયાદ શહેરના જ અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટીંગ કિટની બૂમ ઉઠી રહી છે. તો જિલ્લાના અન્ય તાલુકા કક્ષાએ કેવી હાલત હશે ? તે પ્રશ્નાર્થ છે.

કેટલાંક સેન્ટર પર બપોર બાદ કિટ ફાળવાઇ
નડિયાદ શહેરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટીંગ કિટ ખુટી પડી હતી. જેને કારણે અનેક દર્દીઓને ટેસ્ટીંગ વગર જ પરત ફરવું પડ્યું હતું. જોકે, આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, બપોર બાદ રાજ્ય કક્ષાએથી ટેસ્ટીંગ કીટ આવી ગઈ હતી અને તેનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઉચ્ચકક્ષાએથી 300 કે 400 જ કીટ આવે છે. જેમાંથી અર્બન હેલ્થ સેન્ટરમાં 25-25 ફાળવવામાં આવે છે.

મર્યાદિત સંખ્યામાં સપ્લાય આવે છે
રેપીડ ટેસ્ટીંગ કિટ મર્યાદિત સંખ્યામાં જ આવે છે. જે રોજના લક્ષાંક પ્રમાણે વિતરણ કરવામાં આવે છે. - ડો. એસ.એમ. દેવ, જિલ્લા આરોગ્ય અધિકારી, નડિયાદ.

અન્ય સમાચારો પણ છે...