ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાંથી પસાર થતા અમદાવાદ ઇન્દૌર હાઇવે પર મોટરસાઇકલ સ્લીપ ખાઈ જતા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
મૂળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ટોટુ ગામે અને હાલ અમદાવાદના હાથીજણ ગામે રહેતા 32 વર્ષિય સંજયકુમાર ધીરુભાઈ પરમાર પોતાના પડોશીનું મોટરસાયકલ નં. (GJ 27 BM 2636) લઈને ગત 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદથી બાયડ આવતા હતા. આ દરમિયાન રાત્રિના એક વાગ્યાની આસપાસ કઠલાલ પાસેના અમદાવાદ ઇન્દૌર હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે રતનપુર ગામ પાસે બ્રિજ પર ઉપરોક્ત બાઇક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ ખાઈ ગયું હતું.
આ અકસ્માતમાં ચાલક સંજય પરમાર હાઇવેના ડિવાઈડર સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘવાયેલા સંજય પરમારને તુરંત સારવાર અર્થે ખસેડ્યા હતા. તેમને પ્રાથમિક સારવાર કઠલાલ હોસ્પિટલમાં તથા ત્યાંથી વધુ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બીજી બાજુ ઘટનાની જાણ સંજયભાઈના પરિજનોને કરાતા તેમના સંબંધીઓ દોડી આવ્યા હતા. ગઈકાલે રવિવારે ઘવાયેલા બાઇક ચાલક સંજયનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ સંદર્ભે જયદીપસિંહ ઝાલાની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.