રાજ્ય પોલીસે હાલમાં આંતરરાજ્યના વિવિધ ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી લેવા ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે. આ દરમિયાન ખેડા જિલ્લા પોલીસે જીલ્લામાં રહેતા અને બહારના જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા એલસીબી, એસઓજી, પેરોલ ફ્લોસ્ક્વોડની વિવિધ ટીમો બનાવવામાં આવી છે. જે અંતર્ગત નડિયાદમાંથી ખેડા, મહેમદાવાદ, અમદાવાદ અને વડોદરાના દારૂના ગુનામાં છેલ્લા 4 વર્ષથી ભાગેડું આરોપીને પકડી લેવાયો છે.
ગતરોજ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદમાં રહેતો અને છેલ્લા 4 વર્ષથી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી નડિયાદ આવવાનો છે. તેથી પોલીસના માણસો નડિયાદ બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી ઊભા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતાં એક શકમંદ ઈસમને અટકાવી નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ રાજેશ ઉર્ફે રાજુ ટોપી રાધિકાપ્રસાદ યાદવ (રહે. અમરાઈવાડી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. પુછતાછમાં રાજેશ ઉર્ફે રાજુ ટોપી અગાઉ ખેડા, મહેમદાવાદ, અમદાવાદ અને વડોદરાના દારૂના ગુનામાં છેલ્લા 4 વર્ષથી ફરાર હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે આરોપી રાજેશ ઉર્ફે રાજુ ટોપી રાધિકાપ્રસાદ યાદવની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ઉપરોક્ત આરોપી વિદેશી દારૂની હેરાફેરી કરવાની ટેવ વાળો છે. આ ઉપરાંત આ આરોપી અન્ય ગંભીર ગુનામાં પણ નાસતો ફરતો હોવાની શંકા પોલીસે દર્શાવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.