ફરિયાદ:કપડવંજના વડાલી ગામમાં પરિણીતાની આબરૂ લેવાનો પ્રયાસ કરાતાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

ખેડા જિલ્લામાં મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. કપડવંજ પંથકના વડાલીમાં એક શખ્સે ગામની પરિણીતાની એકલતાનો લાભ લઈ તેણીની આબરૂ લેવાનો પ્રયાસ કરાતા આ મામલે પરિણીતાએ કાંડ આચરનાર વ્યક્તિ સામે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપી છે.

કપડવંજ તાલુકાના વડાલી ગામમાં રહેતી એક પરિણીતા ગત 12 ઓગસ્ટ, 2021ના રોજ તેના પતિ સાથે મોટર સાયકલ પર બેસી ગામની સીમમાં આવેલા ખેતરમાં ગઈ હતી. ખેતરમાંથી પતિ મોટર સાયકલ પર ઘાસચારાની ગાંસડી મૂકી ઘરે ગયો હતો. જેથી તેની પત્ની સીમમાંથી ચાલતી ઘરે જતી હતી.

આ વેળાએ ગામનો હાર્દિક રણછોડભાઈ રબારી પરિણીતાને પાછળ પાછળ ગયો હતો. તેમજ હેમતાજીના મુવાડા જવાના રસ્તા પર મહિલાની એકલતાનો લાભ લઈ મહિલાનો હાથ પકડી લીધો હતો. તેમજ "તું મારી સાથે સંબંધ રાખ" કહી અડપલાં કરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ બુમરાણ મચાવતા હાર્દિક રબારી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. તેમજ આ મામલે જો કોઈને કહીશ તો તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

જો કે તે સમયે મહિલાએ આ વાત કોઈને કહી નહોતી. જેના કારણે કાંડ આચરનારની હિંમત વધતાં હાર્દિક રબારી મહિલાને ખરાબ દાનતથી જોતો હતો. જેથી મહિલાએ તેના પતિને સમગ્ર હકીકત જણાવતાં પતિએ પોતાની પત્નીને હિંમત આપી હતી. જેથી આ બનાવ સંદર્ભે તેણીએ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકમાં હાર્દિક રબારી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...