વોર્ડ નં. 6ના કાઉન્સિલર કાનજીભાઈ પરમાર તેમના પુત્ર સહિત 5 લોકોએ નજીકમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો કર્યાની ઘટનામાં ટાઉન પોલીસે 5 ઈસમો વિરુદ્ધ ફરીયાદ નોંધી છે.
મુકેશભાઈ પરમાર ઉર્ફે દાસે પોતાની ફરીયાદમાં જણાવ્યુ છે કે, રાત્રે પોતાના કૌટુંબિક ભાઈ નરેશ પરમાર સાથે ઘરની સામે લાકડાના પીઠા પાસે બેઠો હતો. આ સમયે કાઉન્સિલર કાનજીભાઈ પરમાર, રવિ પરમાર અને કરણભાઈ ચીમનભાઈ પરમાર ત્યાં આવ્યા હતા. જ્યાં કાનજીભાઈએ જૂની અદાવત રાખી મુકેશભાઈને લાફો મારી દીધો હતો અને લાકડાનું પીઠુ ખાલી કરી દેવા જણાવ્યુ હતુ.
જ્યાં મુકેશે મારી સાથે ઝઘડો કેમ કરો છો? તેમ જણાવતા રવિ અને કરણ બંનેએ કાનજીભાઈનું ઉપરાળુ લઈ કરણે ચપ્પાથી મુકેશ પર હુમલો કર્યો હતો અને રવિએ મુકેશના ભાઈ નરેશને ધક્કો મારી પાડી દીધો હતો. આ સમયે અજય પરમાર અને રણજીત પરમાર કાનજીભાઈનું ઉપરાણુ લઈ ત્યાં આવી ઝપાઝપી કરવા લાગ્યા હતા. રણજીતે મુકેશને ચપ્પુ માર્યુ હતુ અને અજયે ધારદાર વસ્તુ છુટ્ટી મારતા ડાબા પગમાં વાગ્યુ હતુ. બુમાબુમ થતા નજીકમાંથી લોકોનું ટોળુ આવી જતા પાંચેય મુકેશ ઉર્ફે દાસને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. મુકેશ ઉર્ફે દાસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા પહેલા સારવાર માટે નડિયાદ સિવિલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ લઈ જવાયો છે.
આરોપી સામે હત્યાના પ્રયાસની કલમ લગાવવા Dy. SPને માંગ
આ ઘટનામાં ભોગ બનનારા મુકેશ પરમારના બહેન ગીતાબેને ડી.વાય.એસ.પી.ને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં તેમણે પોતાનો ભાઈ ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તાત્કાલિક ફરીયાદમાં કલમ-307નો ઉમેરો કરી આરોપીઓની અટકાયત કરવા અને જ્યાં સુધી સારવાર ચાલે ત્યાં સુધી તમામ પોલીસ કસ્ટડીમાં રાખવા માગ કરી હતી. તેમણે સત્તાપક્ષમાં હોવાના કારણે કોઈ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ કર્યા છે.
કાનજીભાઈ પરમાર સતત 4 ટર્મથી કાઉન્સિલર
કાનજીભાઈ દેવશીભાઈ પરમાર છેલ્લા 4 ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાઈ રહ્યા છે. છેલ્લી બે ટર્મમાં તેઓ સેનેટરી કમિટીના ચેરમેન રહ્યા હતા. આ વખતે પણ વિવાદો વચ્ચે તેમને ભાજપે ઉમેદવાર બનાવ્યા અને ચૂંટણી જીત્યા બાદ તેમને ફાયર બ્રિગેડ કમિટીમાં ચેરમેન બનાવ્યા છે. ફાયર બ્રિગેડ કમિટીના ચેરમેન બન્યા બાદ પણ તેઓ સતત વિવાદમાં રહ્યા છે. આ વિવાદોનો અંત લાવવાના બદલે સતત વિવાદો વચ્ચે ઘેરાઇ રહ્યા છે.
ફાયર બ્રિગેડ કમિટીના ચેરમેનના જૂના સળગેલા વિવાદો
1.ટાઉનહોલની ટીકીટબારીમાં તેમના ભત્રીજા દ્વારા ગેરકાયદેસર કબ્જો જમાવી લેવાયો હતો. તેમાં પણ તેમનુ નામ ઉછળી રહ્યુ છે. આ સંદર્ભે તેમના ભત્રીજા સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ પણ નોંધાઈ છે.
2. ચૂંટણી સમયે તેમના જન્મનું પ્રમાણપત્ર ખોટુ હોવાના ગંભીર આક્ષેપ થયા હતા. જે મુદ્દે હાલ ભોગ બનનાર મુકેશ પરમાર ઉર્ફે દાસ દ્વારા કલેક્ટર કચેરીની બહાર વિરોધ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.