ફરિયાદ:નડિયાદમાં વ્યાજના ખપ્પરમાં આપઘાત કરેલા યુવકના પ્રકરણમાં 48 કલાક બાદ 4 સામે ફરિયાદ નોંધાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક યુવકે મિત્રો પાસેથી લીધેલી રકમનું બમણું વ્યાજ વસુલતા આત્મહત્યા કરી
  • નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

ખેડા જિલ્લામાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. નડિયાદમાં છેલ્લા 72 કલાકમાં બે જેટલા આપઘાતના બનાવોએ ચકચાર મચાવી છે. જેમાં વ્યાજના ખપ્પરમાં આપઘાત કરેલા યુવકના કેસમાં પોલીસે 4 વ્યાજખોરો સામે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. ઘટનાના 48 કલાક બાદ પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. જેમાં મરણજનાર યુવકે પોતાના જ મિત્રો પાસેથી વ્યાજ પેટે રકમ લીધી પરંતુ બમણું વ્યાજ વસૂલતા સાથે અન્ય એક મિત્રએ પણ તેણે લીધેલા વ્યાજના રૂપિયા મૃતકને ચૂકવવા દબાણ કરતાં યુવકે આપઘાત કરી લીધો હોવાનો પર્દાફાશ થયો છે. આથી આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે કુલ 4 વ્યક્તિઓ સામે ફરિયાદના આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

નડિયાદ શહેરના મિશન રોડ પર આવેલા નવરંગ ટાઉનશીપમાં રહેતા 35 વર્ષીય કલ્પેશ જયંતિભાઈ મકવાણા નામના યુવકે ગત 14 સપ્ટેમ્બરના રોજ સવારે પોતાના ઘરમાં પંખા સાથે લટકી જઈ ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો હતો. આ અંગે તેની બહેન રેખાબેને નડિયાદ પશ્ચિમ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દરમિયાન મૃતકના ચડ્ડાના ખીસ્સામાંથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક કલ્પેશે પોતાની આપવીતી જણાવી તેના મિત્રોથી કંટાળી આપઘાત કરી રહ્યાનું દર્શાવ્યું હતું.

આ સુસાઈડ નોટોના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેણે અગાઉ પોતાના 3 જેટલા મિત્રો સચીન ઉર્ફે ડીગો ધીરૂભાઈ મકવાણા (રહે. મધર ટેરેસા સોસાયટી, મિશન રોડ, નડિયાદ), આશીષ મહેન્દ્ર પરમાર (રહે. જય વિજય કોલોની, રામતલાવડી, નડિયાદ) અને અર્પિત ઉર્ફે અપ્પુ તલાટી રમણભાઈ પરેરા (રહે. સૌજન્ય પાર્ક, મિશન રોડ, નડિયાદ) પાસેથી વ્યાજે પૈસા લીધેલા હતા. જેની મોટાભાગની વ્યાજની રકમ પણ ચૂકવતો હતો. પરંતુ આ તમામ લોકો ત્રણ દિવસનું 10 હજારનું 3 હજાર વ્યાજ લેતા હતા. તેથી આ બમણું વ્યાજ વસૂલતા કલ્પેશે પોતાના મિત્રો સાથે નારાજગી દર્શાવી હતી.

ઉપરાંત કલ્પેશનો અન્ય એક મિત્ર જયદીપ ઉર્ફે જે. ડી. શશીકાંત ગોહિલ (રહે. કમલેશ પાર્ક સોસાયટી, મિશન રોડ, નડિયાદ) એ પણ અર્પિત ઉર્ફે અપ્પુ પાસેથી વ્યાજે રૂપિયા 1 લાખ 35 હજાર લીધા હતા. જેમાં મરણજનાર વચ્ચે રહ્યો હતો. તેથી જયદીપ ઉર્ફે જે. ડી. ફસકી જતાં તમામ વ્યાજની જવાબદારી કલ્પેશ પર આવી ગઈ હતી. અને તે પોતાના વ્યાજની સાથે સાથે તેના મિત્ર જયદીપ ઉર્ફે જેડીનું પણ વ્યાજ ભરવા મજબુર થવું પડ્યું હતું. મૃતકે લીધેલા નાણાંથી બમણું વ્યાજ વસૂલતા તેના પર દબાણ કરવામાં આવતો હોવાથી કલ્પેશે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

વ્યાજખોરોએ મૃતકને જણાવ્યું હતું કે જો તું વ્યાજ પેટેની રકમ નહી આપે તો વીસ ટકા લેખે વ્યાજ ચઢી જશે. અને તેમ છતાં પણ તું અમારા પૈસા નહીં આપે તો તારુ ઘર વેચીને પણ અમે નાણાં વસૂલીશું તેમ જણાવ્યું હતું. આટલે થી વાત નહી અટકતાં તને અકસ્માતમાં પાડી તારા પરિવારને હેરાન કરીશું તેવી ધમકીઓ આપી હતી. જ્યારે મિત્ર જયદીપ ઉર્ફે જેડી પણ ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સાથે મળીને કલ્પેશને અવારનવાર હેરાન કરતાં હતા. આથી નાસીપાસ થયેલ યુવકે આપઘાત કર્યો હોવાનું પર્દાફાશ થયો છે.

કલ્પેશ વ્યાજના ખપ્પરમાં ફસાતાં તે છેલ્લા 3 એક માસથી બેચેન રહેતો હતો. તેના પરિવારના સભ્યોએ આ બાબતે પુછતા કલ્પેશે સમગ્ર હકીકત જણાવી હતી. આથી નરસંડા ખાતે રહેતા તેમના મામા તેમજ ઘરના અન્ય સભ્યો સાથે ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ સાથે ગત 12 સપ્ટેમ્બરે બેઠક કરી સમાધાન લાવ્યા હતા. આમ છતા પણ બીજા દિવસથી કલ્પેશ પર નાણાં માટે ઉપરોક્ત ચારેય લોકોએ દબાણ કરતાં કલ્પેશે આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના 48 કલાક બાદ નડિયાદ પશ્ચિમ પોલીસે રેખાબેન મકવાણાની ફરિયાદના આધારે ઉપરોક્ત સચીન ઉર્ફે ડીગો ધીરૂભાઈ મકવાણા, આશીષ મહેન્દ્ર પરમાર, અર્પિત ઉર્ફે અપ્પુ તલાટી રમણભાઈ પરેરા અને જયદીપ ઉર્ફે જેડી શશીકાંત ગોહિલ વિરુદ્ધ આઈપીસી 306, 384, 386, 506(2) અને 114 હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...