તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદૂષણ સામે કાર્યવાહી:ખેડાના રઢુ-નાયકા રોડ પર ખારીકટ કેનાલમાં દુર્ગંધયુક્ત કેમિકલનો જથ્થો ઠાલવતી ટેન્કર ઝડપાઈ, 4 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જ્વલનશીલ કેમિકલ અને વાહનો મળી કુલ 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ખેડા જિલ્લામાં વહેતી નદીઓ, તળાવો અને કેનાલોમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. ખાનગી કંપનીઓ દ્વારા રાત્રે દરમિયાન મોટા પ્રમાણમાં કેમીકલયુક્ત જથ્થો લાવી વહેતી નદીઓ, કેનાલમાં ઠાલવામાં આવી રહ્યો છે. ગતરાત્રે ખેડાના રઢુ-નાયકા રોડ પર ખારીકટ કેનાલમાં કેમીકલનો જથ્થો ઠાલવતી એક ટેન્કર સાથે 3 ઈસમોને રંગેહાથે ઝડપી લેવાયા છે. જ્યારે એક વ્યક્તિ ફરાર થઈ ગયો છે. આમ પોલીસે આ બનાવમાં કુલ 4 ઈસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ખેડા ટાઉન પોલીસના માણસો ગતરાત્રે રઢુ-નાયકા રોડ પર પેટ્રોલીંગમાં હતાં. આ દરમિયાન આ રોડ પર આવેલ એક ખારીકટ કેનાલ નજીક શંકાસ્પદ હિલચાલ થતી હોવાનું ધ્યાને આવતાં પોલીસ ત્યાં પહોંચી હતી. જે દરમિયાન અહીંયા નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે કોર્ડન કરી 3 વ્યક્તિઓને ઝડપી લીધા હતા. જ્યારે એક વ્યક્તિ ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલા વ્યક્તિઓના નામઠામ પુછતાં તેઓએ પોતાના નામ ગંગારામ બરસાતીજીગુર ચૌહાણ (રહે. વડોદરા), મુબીનખાન અમીરખાન પઠાણ (રહે. નારોલ, અમદાવાદ), ચરણજીતસિંહ પ્રિતમસિંહ ચાવલા (રહે. ઘોડાસર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં ફરાર થયેલા ઈસમનું નામ પુછતા ધમો ભરવાડ (રહે. રઢુ, તા.ખેડા)નો હોવાનું જણાવ્યું છે.

પહોંચેલી પોલીસે અહીંયા તપાસ આદરતાં ટેન્કર (નં. GJ 01 B.V. 1966)માં અસહ્ય દુર્ગંધ મારતું જ્વલનશીલ કેમીકલ મળી આવતાં પોલીસે પંચોને બોલાવી વધુ તપાસ આદરી હતી. આ કેમીકલનો જથ્થો આશરે 15 હજાર લીટર હતો. ટેન્કરમાંથી એક પાઈપ ખારીકટ કેનાલમાં હતી. ઉપરોક્ત કેમીકલનો જથ્થો ઠલવાતાં પહેલા જ પોલીસે દરોડો પાડતાં ઉપરોક્ત એક ટેન્કર, કાર, મોટરસાયકલ સહિત મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 15 લાખ 37 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગે આઈપીસી 277, 278, 308 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દેવાઇ છે. નોંધનીય છે કે એક માસ પહેલા જ આ રીતે ખેડાના રઢુ-ધોળકા રોડ પરની ખારીકટ કેનાલમાં કેમીકલનો જથ્થો ઠાલવતી બે ટ્રકો ઝડપાઈ હતી. પ્રદુષણ વિભાગ અને પોલીસ તંત્ર બન્ને પોતાની ફરજમાં નિષ્કાળજી રાખતાં આવા લોકોને પ્રદુષણ ફેલાવવામાં હિમંત મળતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...