"વિશ્વ મહિલા દિવસ" વિશેષ:નડિયાદનાં આચાર્યાએ અભાવગ્રસ્ત વિસ્તારમાંથી દીકરીઓને શિક્ષક બનાવી, શિક્ષણને કર્મ બનાવી 1600થી વધુ શિક્ષિકાઓ તૈયાર કરી

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રીતિબેને કોરોનાગ્રસિત લોકોની સેવા કરી, સ્ટાફના સાથી કર્મચારીના મૃતદેહને કાંધ આપી અગ્નિદાહ આપ્યો
  • સાક્ષરતા અભિયાન, અંધશ્રદ્ધા નાબુદી, દીકરો-દીકરી એક સમાન જેવા કાર્યક્રમો યોજી લોકજાગૃતિનું કાર્ય કર્યું

આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે વાત છે એક એવી મહિલાની કે જેણે મહિલાઓની સ્થિતિ ઉપર પી.એચ.ડી કરી સતત મહિલા ઉત્થાન માટે સેવા કરી. ખંભાતના અધ્યાપન મંદિરના પૂર્વ આચાર્ય અને હાલમાં નડિયાદ વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સંચાલિત સરદાર વલ્સ્ત્રીલભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરમાં આચાર્યા તરીકે સેવારત ડૉ. પ્રીતિ રાઠોડે શિક્ષણને જ કર્મ બનાવી 1600થી વધુ શિક્ષિકાઓ તૈયાર કરી સમાજની ઉમદા સેવા કરી છે. શૈક્ષણિક સેમીનાર, સમાજ ઉત્થાન પ્રવૃતિઓ અને મહિલા વિકાસના કાર્યોમાં તેમણે જીવન અર્પ્યું છે. તેમણે પી.એચ.ડી સુધીનો અભ્યાસ કર્યો પણ આજે તેમનો સ્ત્રી ઉત્થાનનો સેવાયજ્ઞ અવિરત યથાવત છે.

ડૉ. પ્રીતીબેન રાઠોડે ગુજરાતી દલિત સાહિત્યમાં નારી નિરૂપણ વિષય ઉપર પી.એચ.ડી કરતા કરતા મહિલા સંઘર્ષને જોયો છે. તેમણે જણાવ્યું હતું કે, ખેડા-આણંદ જિલ્લામાં સ્ત્રીઓની સ્થિતિ દયનીય છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ આજે પણ ઘરકામ પતાવી ખેતમજૂરી કરે છે. ચરોતરના ગામડાઓમાં 42% મહિલાઓ ખેતમજૂરી અને પશુપાલન કરે છે. હા, 2007 પછી સૌથી વધુ મહિલાઓ રાજકારણમાં આવી છે જે કદાચ ઈતિહાસ ગણી શકાય. જો કે મહત્તમ કિસ્સાઓમાં મહિલા નેતાઓના પતિઓ જ ઓફિસ કે નેતૃત્વની કામગીરી સંભાળે છે. ચરોતરમાં સ્ત્રીઓના વિકાસમાં પશુપાલન વ્યવસાય ખુબ આશીર્વાદરૂપ બન્યો છે.

તેમણે એમ.એ.બી.એડ, પી.એચ.ડી ઉપરાંત અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી છે. ખંભાતના છેવાડાના ગામડાઓમાં મુલાકાત દરમિયાન તેમણે જોયું કે, અહીં આજે પણ ઘૂંઘટ પ્રથા અને સામજિક રીવાજો અકબંધ છે. આ વિસ્તારની દીકરીઓને ઘર ઘર મુલાકાત લઇ શિક્ષણ માટે તૈયાર કરી. દીકરીઓ ઝડપથી પગભર થાય તે માટે છેવાડાના ખંભાત-તારાપુર પંથકની 450 થી વધુ ધો. 12 પાસ વિદ્યાર્થીઓને નર્સિંગ, પીટીસી અને બી.એડ.કરવા પ્રેરિત કર્યા. નિયમિત સ્ટાફ સાથે ગ્રામ્ય મુલાકાત કરી દીકરીઓને શિક્ષણ તરફ લઇ આવ્યા. નડિયાદ પંથકમાં પણ સેમીનાર અને મુલાકાત દ્વારા દીકરીઓને શિક્ષણ તરફ વાળી. જેઓ આજે પગભર બની સમાજમાં ગર્વભેર જીવી રહ્યા છે. કોરોના કાળમાં મૃતદેહને લોકો હાથ અડાડતા ડરતા હતા તેવા સંજોગોમાં તેમણે કોરોનાગ્રસિત લોકોની અનોખી સેવા કરી છે. તેમણે સ્મશાનભૂમિના રાત્રીના સમયે સ્ટાફના સાથી કર્મચારીના મૃતદેહને કાંધ આપી અગ્નિદાહ આપ્યો હતો.

તાન્યા હત્યા કેસમાં તંત્રને જાગૃત કરી ન્યાયની લડત લડી હતી

આચાર્ય તરીકે મહિલા કોલેજનું નેતૃત્વ કરતા કરતા અનેક દીકરીઓને પગભર કરવાનું સૌભાગ્ય તેમને સાંપડ્યું છે. ખંભાતના અકીક કારીગરોના પરિવારો માટે તેમણે યોગદાન આપ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં સાક્ષરતા અભિયાન, અંધશ્રદ્ધા નાબુદી, દીકરો-દીકરી એક સમાન જેવા કાર્યક્રમો યોજી લોકજાગૃતિનું ભગીરથ કાર્ય કર્યું હોઈ આજે અનેક મહિલાઓ પગભર બની છે. તેઓ લેખક અને ઉત્તમ વક્તા હોઈ પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, આણંદ, અમદાવાદ, વડોદરા, ગોધરા સહિતના જિલ્લાઓમાં મહિલા સંમેલનોમાં હાજર રહી મહિલાઓને જાગૃત કરે છે. તેઓ સ્ત્રી શોષણ સમયે મહિલાઓની પડખે ઉભા રહી ન્યાયની લડત લડે છે. નાની દીકરી તાન્યા હત્યા કેસમાં તેમણે તંત્રને જાગૃત કરી ન્યાયની લડત લડી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહિલા ઉત્થાન માટે શિક્ષણ એક માત્ર ઉપાય છે. દિનશા પટેલ જેવા 36 જેટલી સંસ્થાઓ સંભાળતા અને મહિલા ઉત્થાન માટે સેવારત નેતા મારા આદર્શ છે. જેમના કારણે આજે અનાથ આશ્રમ,વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ જેવી સંસ્થાઓમાં કેળવણીના સાચા પાઠ ભણી પગભર બની રહી છે.

88% સગર્ભા મહિલાઓમાં પોષણનો અભાવ : પ્રીતિબેન

તેમણે જણાવ્યું હતું કે દુખ એ વાતનું છે કે, મહિલાઓને આજે પણ શારીરિક શોષણનો સૌથી વધુ ભોગ બનવું પડે છે. ભલે સમાજ સમાનતાની વાત કરે પણ પરિવારોમાં આજે પણ સ્નેત્રી પુરુષોની સરખામણીમાં સુવિધાઓ ઓછી મળે છે. યુએનડીપી (UNDP)ના માનવ વિકાસ અહેવાલ (1997) અનુસાર, 88% સગર્ભા મહિલાઓમાં(15-49 વર્ષની) પોષણનો અભાવ જોવા મળે છે. ઘણા પરિવારોમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઘણી મહિલાઓ અને છોકરીઓ પોષણ ભેદભાવનો ભોગ બને છે, આથી તેઓમાં લોહીનું ઓછું પ્રમાણ તેમજ કુપોષણનો શિકાર હોય છે.

સ્ટાફના સાથી કર્મચારીના મૃતદેહને કાંધ આપી અગ્નિદાહ આપ્યો
સ્ટાફના સાથી કર્મચારીના મૃતદેહને કાંધ આપી અગ્નિદાહ આપ્યો

મહિલાઓની હત્યા, દુષ્કર્મ, એસીડ એટેક સમાજ માટે કલંકિત : પ્રીતિબેન

પ્રીતિબેને આગળ જણાવ્યું હતું કે મેં મારા પી.એચ.ડીના અભ્યાસ દરમિયાન જોયું છે કે, છેડતી અને જાતીય સતામણીના કુલ કુલ કિસ્સાઓમાંથી અડધાથી વધુ ગુના કામના સ્થળોએ નોંધાયેલા હતા. પુરુષો દ્વારા જો મહિલાઓને ગમ્મત ખાતર પણ શાબ્દિક સતામણી કરવામાં આવી હોય તે શારિરીક ત્રાસ કે માનસિક સતામણી તરીકે નોંધવામાં આવે છે. 1987માં મહિલાઓના અશ્લીલ પ્રદર્શન (પ્રતિબંધ) કાયદો પસાર કરવામાં આવ્યો, જાહેરખબરો અથવા પ્રકાશનોમાં, લખાણો, ચિત્રો કે આકૃતિઓ અથવા અન્ય કોઈ પણ રીતે મહિલાઓને અશ્લીલ દર્શાવવાના કિસ્સાઓને રોકવા માટે આ કાયદો ઘડાયો હતો. જેનો અમલ યોગ્ય રીતે ન થતા આજે જાહેરમાં મહિલાઓની હત્યા, બાળકીઓ ઉપર બળાત્કાર, એસીડ એટેકના કિસ્સાઓ બની રહ્યા છે, જે સમાજ માટે કલંકિત છે.

અન્ય સમાચારો પણ છે...