તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળ વેચાણ કૌભાંડ:નડિયાદમાં બાળ વેચાણ રેકેટમાં ઝડપાયેલી 4 મહિલા આરોપીઓના રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજૂ કરાયા બાદ જેલ હવાલે કરાઇ

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદની કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ રિમાન્ડની માગણી કરી પરંતુ કોર્ટે તે સ્વિકારી નહી

નડિયાદ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર બાળકોના વેચાણ કૌભાંડમાં સંડોવાયેલા 4 મહિલા આરોપીઓના રિમાન્ડ પુરા થતાં આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. જોકે, પોલીસે આગળના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે આ માંગણીને સ્વિકારી નહી. આથી આરોપીઓને કોર્ટ કસ્ટડી અંતર્ગત જેલના સળીયા પાછળ ધકેલી દેવાયા છે.

ખેડા જિલ્લામાં એક સપ્તાહ અગાઉ બાળકોના વેચાણના રેકેટનો પર્દાફાશ થયો હતો. જેમાં 4 મહિલાઓ માયાબેન લાલજીભાઈ દાબલા (રહે. 104, કર્મવીર સોસાયટી, પીજ રોડ, નડિયાદ), મોનીકાબેન મહેશ શાહ (રહે.કિશન સમોસાનો ખાંચો, વાણીયાવડ, નડિયાદ), પુષ્પાબેન સંદિપ પટેલીયા (રહે. રામાદૂધાની ચાલી, મીલ રોડ, નડિયાદ) અને બાળકની જનેતા રાધિકાબેન રાહુલ ગેડામ (રહે. નાગપુર)ની ધરપકડ કરાઇ હતી. આ તમામ પૈકી માયા, મોનિકા અને પુષ્પા પરપ્રાંતિય ગરીબ ઘરની ગર્ભવતી મહિલાઓને નડિયાદ લાવી તેણીને મોટી રકમની લાલચ આપી ડીલીવરી કરાવવામાં આવતી હતી. બાદમાં તેના બાળકને ઉંચી કિંમતમાં વેચાણ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી વિગતો ખૂલી હતી. જોકે કૂખ ભાડે રાખી આ સોદો કરવામાં આવતો હોવાનો એકરાર માયા દાબલાએ કર્યો છે. પરંતુ આ વાત કેટલી સાચી તે તો પોલીસ તપાસ ઉપર અટકે છે.

બીજી બાજુ પોલીસે ઝડપેલા આ તમામ મહિલા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં આ કૌભાંડનો રેલો અમદાવાદ અને આણંદ તરફ અડ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની હદ વટાવી મહારાષ્ટ્ર, ગોવા રાયપુર, બેંગ્લોર અને ચેન્નઈમાં આ રીતે બાળકો વેચ્યા હોવાની કબૂલાત કરાતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાળકોના વેચાણ રેકેટમાં સામેલ માસ્ટમાઈન્ડ માયા દાબલા આણંદમાં ખોટું નામ ધારણ કર્યુ હોવાની પણ વિગતો ઘટસ્ફોટ થયો હતો.

મહત્વની વાત એ છે કે રીમાન્ડ દરમિયાન પોલીસને કોઈ મહત્ત્વની કડી હાથે લાગી નથી. પોલીસ આ કૌભાંડનો પર્દાફાશ કરવા આણંદ, અમદાવાદ જઈ આવી પણ પોલીસના હાથે કોઈ નક્કર પુરાવા હાથે લાગ્યા નથી.

ગુરુવારે રિમાન્ડ પુરા થતાં તમામ આરોપીઓને નડિયાદની કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે પોતાની માંગણીમાં 5 મુદ્દાઓને લઈને વધુ તપાસ અર્થે આરોપીઓના વધુ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ તે કોર્ટે સ્વિકારી નહી. આથી તમામ આરોપીઓને કોર્ટ કસ્ટડી અંતર્ગત બીલોદરા જિલ્લા જેલમાં મોકલી આપ્યા છે.

આ અંગે તપાસ કરતા હ્યુમન ટ્રાફીકીંગના પી. આઈ. એન. જી. ગોસાઈએ જણાવ્યું છે કે કોર્ટ સમક્ષ વધુ 5 મુદ્દાઓ મુકવામાં આવ્યા હતા. જેમાં મહત્વના કહી શકાય તેવા મુદ્દાઓ માસ્ટમાઈન્ડ માયા દાબલાએ રજૂ કરેલ જે પ્રમાણપત્રો છે તેની ખરાઈ કરાવવા ઉપરાંત સેરોગેસીનું પ્રમાણપત્રની ખરાઇ કરાવવા બાબત કહી શકાય છે. જોકે હાલ અમે અને અમારી ટીમ જીણવટ પૂર્વક તપાસ કરી આ રેકેટના મુળ સુધી પહોંચીશું.

રિમાન્ડ પુરા થતાં હવે આ પુરેપુરા પ્રકરણ પર પડદો પડી જશે કે કાર્યવાહી કરાશે જેવી બાબતો ટોક ઓફ ધ ટાઉન બની છે. આ રેકેટમાં અન્ય કોની સંડોવણીનું નામ સામે આવશે કોઈ તબીબની સંડોવણી છે કે નહી તે તમામ સવાલો ઉભા ને ઉભા જ છે.

અન્ય સમાચારો પણ છે...