માથાકૂટ:નડિયાદમાં ગાયોના નાણાંના હિસાબની માંગણી કરતાં મહિલા પર તેના પતિ અને પુત્રએ હુમલો કર્યો

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે પોતાના પતિ અને પુત્ર સામે ફરિયાદ નોંધાવી

નડિયાદમાં નજીવી બાબતે મહિલા પર તેના પતિ અને નાના દિકરાએ હુમલો કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પશુના નાણાંના હિસાબની માંગણી વારંવાર કેમ કરે છે તેમ મહિલાને કહી તેના પતિ અને નાના દિકરાએ ધારીયા વડે હુમલો કર્યો છે. આ બનાવ સંદર્ભે મહિલાએ પોતાના પતિ અને પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

નડિયાદમાં છાણી તલાવડી એક્સપ્રેસ હાઇવે ટોલ નાકા પાસે કાળીબેન પેથાભાઈ ભરવાડ રહે છે. ગતરોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ મહિલા પોતાના ઘરે રસોઈ બનાવતી હતી. આ દરમિયાન તેમના બનેવી મોહનભાઇ કાળાભાઈ ભરવાડ ત્યાં આવ્યા હતા. જેથી કાળીબેને તેઓને જમવા બેસાડ્યા હતા.

આ સમયે કાળીબેનનો સૌથી નાનો દીકરો મનુ ત્યાં આવેલો અને તેણે પોતાની માતાને કહ્યું કે, તુ કેમ વારંવાર અમારી પાસે ગાયોના તેમજ જણસોના પૈસાની માંગણી કરે છે? તેમ કહી ગમેતેમ બોલવા લાગ્યો હતો. મહેમાનગતિએ આવેલા મહિલાના બનાવીએ મામલો થાળે પાડી મનુને સમજાવી મોકલી દીધો હતો.

આ પછી તરત જ મનુ તથા કાળીબેનના પતિ પેથાભાઈ ગોકળભાઈ ભરવાડ બન્ને ત્યાં આવેલા અને પેથાભાઈએ પોતાની પત્નીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. તો વળી મનુ હાથમાં ધારીયું લઈ આવી પોતાની માતા પર હુમલો કર્યો હતો. આ ધારીયાનો હાથો વાગી જતાં મહિલા ઘવાયા હતા.

આ સમયે કાળીબેનના અન્ય દીકરાની પુત્રવધુ અને કાળીબેનના બનેવી બન્ને છોડાવવા વચ્ચે પડ્યા હતા. આ બનાવ સંદર્ભે ઘવાયેલા કાળીબેન ભરવાડે પોતાના પતિ પેથાભાઈ ભરવાડ અને નાના દિકરા મનુભાઈ ભરવાડ સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 323, 324, 504, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...