શાળા પાછળથી અનાજ મળ્યું:મહુધાના હેરંજ પ્રાથમિક શાળાના પાછળના ભાગે સરકારી અનાજનો જથ્થો મળ્યો

નડિયાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનાજનો જથ્થો શા માટે ફેંકી દેવાયો અને કયા કારણોસર તે દિશામાં તંત્રએ તપાસ હાથ ધરી

મહુધાના હેરંજમાં સરકારી શાળા નજીકથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે. આ બાબતનો વીડિયો વાયરલ થતાં સરકારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મામલતદાર કચેરીના અધિકારીઓ પણ બનાવ સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

મહુધા તાલુકાના હેરંજ ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન શેડની પાછળ સરકારી અનાજ ફેંકી દેવાયું હોવાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં દેશી ચણા અને તુવેરની દાળ હોવાનું બહાર આવ્યું છે. મહુધા મામલતદાર કચેરીના મધ્યાહન ભોજન વિભાગને આ બાબતે જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી અને આ જથ્થો જપ્ત કર્યો હતો.

પેકિંગ પર સરકારી અનાજ લખેલું હોય આ જથ્થો મધ્યાહન ભોજન અથવા તો સસ્તા અનાજની દુકાનનો હોવાની શક્યતાઓ પ્રબળ બની છે. આ સરકારી અનાજનો જથ્થો શા માટે ફેંકી દેવાયો અને કયા કારણોસર તે દિશામાં તંત્ર એ તપાસ સાંધી છે. તો બીજી બાજુ ગ્રામજનો દ્વારા કસૂરવાર સામે પગલા ભરવા માંગ ઉઠી છે.

આ બાબતે મામલતદાર કચેરીના ના.મામલતદાર ભાર્ગવભાઈને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આ જથ્થો કોણ નાખી ગયું છે તે અંગે તપાસ ચાલે છે જવાબદાર સામે પગલાં ભરીશુ તેમ જણાવ્યું છે. તો હવે આ ફેંકી દેવાયેલો અનાજનો જથ્થો કોનો છે તે સરકારી તપાસમાં બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...