દુર્ઘટના:ખાત્રજ રોડ પર લક્ઝરીમાં ચઢવા જતાં આધેડનું નીચે પટકાતા મોત

મહેમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે લક્ઝરી ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

મહેમદાવાદના ખાત્રજ રોડ પર લક્ઝરી બસચાલકે એકદમ ગાડી ઉપાડતાં આધેડ નીચે પટકાતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં આધેડની માથાના ભાગે ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે લક્ઝરી બસચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ગત 20 નવેમ્બરના રોજ 50 વર્ષિય સોબાન જીથરા રાઠોર(રહે.મધ્યપ્રદેશ) ભત્રીજા અને તેની વહુ સાથે ખજુરખોથી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નં જીજે 03 બી.વી 0222માં બેસી ધોરાજી મજૂરી કામે જવા નીકળ્યાં હતા. બસ અન્ય ગામોમાંથી પેસેન્જર લઈને પસાર થઈ રહી હતી.

તે દરમિયાન ખેડા રોડ પર ખાત્રજ ચોકડી નજીક બસ ઉભી રખાવી સોબાન રાઠોરે પેશાબ કરવા નીચે ઉતર્યા હતા. તે વખતે પરત બસમાં ચઢતી વખતે લક્ઝરી ચાલકે એકદમ બસ ઉપાડતાં તેઓ જોરથી નીચે પટકાઈ ગયા હતા. આ દરમિયાન તેઓને કમર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ખેડા સરકારી દવાખાનામાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ તેમને અમદાવાદ સિવિલમાં અને પછી દાહોદની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને લક્ઝરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...