દુર્ઘટના:ડાકોર નજીક મધરાત્રે લાંબા રૂટની બસ ઝાડ સાથે અથડાતા 10 મુસાફરને ઇજા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાકોર ભવન્સ કોલેજ પાસે બસ સીધી વડના ઝાડ સાથે અથડાઇ હતી. - Divya Bhaskar
ડાકોર ભવન્સ કોલેજ પાસે બસ સીધી વડના ઝાડ સાથે અથડાઇ હતી.
  • વાંકાનેરથી ગાંગરડી જઇ રહેલી STના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો

ડાકોર ભવન્સ કોલેજ પાસે આજે વહેલી સવારે એસ.ટી. બસનો અકસ્માત સર્જાયો છે. બેફામ બસ હંકારી રહેલા ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 પેસેન્જરોને ઇજા થઇ હતી, જેમને સારવાર માટે ડાકોર ની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. વાંકાનેર ડેપોથી ગંગરડી જવા નીકળેલી એસ.ટી બસ નં.જીજે.18.ઝેડ.2555 આજે વહેલી સવારે 50 જેટલા મુસાફરોને લઈ ડાકોર પાસેથી પસાર થઇ રહી હતી. દરમિયાન બેફામ બસ ચલાવી રહેલા ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડાકોર ભવન્સ કોલેજ પાસે બસ સીધી વડના ઝાડ સાથે અથડાઇ હતી.

અકસ્માત એટલો તો જોરદાર હતો કે બસમાં બેઠેલા મુસાફરો સીટ પરથી સીધા ઉછળીને આગળ પટકાયા હતા. જેમાં કેટલાક મુસાફરોને નાક, હાથ, આખ, કપાળ સહિતના જુદા જુદા ભાગ પર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ધડાકા સાથે અવાજ થતા અને મુસાફરોએ ચીસા સીચ કરી મુકતા આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. જેઓએ બસમાં બેઠેલા મુસાફરોને બહાર કાઢી તુરંત ઠાસરા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા. જ્યાં મુસાફરો ની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.

ડ્રાઇવર બેફામ બસ હંકારતા હતો
આ ડ્રાઇવર આડેધડ બસ ચલાવતો હતો. ખરેખર તો તેને ઊંઘ ચડી હોય તેમ લાગતું હતુ. રાત્રે એકવાર જમવા માટે બસ રોકી ત્યારબાદ કોઈ જગ્યા પર તેણે બસ રોકી ન હતી. અને આડેધડ બસ ચલાવી રહ્યો હતો. અમે બસમાં જાગતા હતા, જ્યારે તેણે અચાનક બ્રેક મારી અને બસ ઝાડ સાથે અથડાઇ અને બસમાં બેઠેલા મુસાફરો ઉછળીને નીચે પડ્યા હતા. જેના કારણે ઘણા ને ઈજા પહોંચી હતી. -શંકરસિંહ બારીયા, મુસાફર

ગાય વચ્ચે આવતા અકસ્માત થયોઃ ડ્રાઇવરનો લુલો બચાવ
અકસ્માતની ઘટના બાદ સરકારી મિલકતને નુકસાન થયું હોય ડ્રાઇવર નરેશભાઇ નારણભાઇ આંદણા એ ડાકોર પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવી છે. જેમાં તેઓએ સ્વ-બચાવ કરતા રાત્રીના 3 વાગ્યે ગાય રસ્તા વચ્ચે આવી જતા એસ.ટી.બસ ઝાડ સાથે અથડાઇ હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...