માતરના બીડજમાંથી સત્તા ભાવે ખેડૂતો પાસેથી ડાંગર ખરીદી મોટા જથ્થામાં ટેકાના ભાવે વેચવા નીકળેલા એક ઈસમને બુધવારે સ્ટેટ વિજિલન્સે ઝડપી પાડ્યો હતો. સ્ટેટ અને જિલ્લા પુરવઠાની ટીમે 1100 મણ જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની આગામી સુનાવણી હવે જિલ્લા કલેક્ટરના દરબારમાં ચાલશે. માતર તાલુકાના બીડજમાં થી નાના ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડાંગરની ખરીદી કરી માતરના ગોડાઉનમાં ટેકાના ભાવે વેચાણ થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સ અને નડિયાદ પુરવઠા વિભાગ દ્વારા માતરના ગોડાઉન પર વોચ ગોઠવી હતી.
જેમાં નાના ખેડૂતો પાસેથી ડાંગર લઈ ટેકાના ભાવે વેચવા આવેલ ઈસમ અમિત રમેશભાઈ પટેલ ઝડપાઈ ગયો હતો. આ ઈસમ પાસેથી રૂ.15 લાખની કિંમતની 1100 મણ ડાંગર ઝડપાઈ હતી, જેને પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે આગામી દિવસોમાં જિલ્લા કલેકટરની કોર્ટમાં કેસ ચાલશે.
જેમને ટેકાના ભાવની ખબર ન હોય તેવા નાના ખેડૂતો પાસેથી ડાંગર ખરીદાતી
વેપારી અમિત પટેલ બીડજ અને તેની આસપાસના નાના ખેડુતો કે જેમને ટેકાના ભાવોની ખબર ન હોય, કે જેઓ સરકારી કાર્યવાહીથી અજાણ હોય તેમને ફોસલાવી, પટાવી તેમની પાસેથી નીચા ભાવે ડાંગર ખરીદી લેતો હતો, જે બાદ તે ડાંગરનો જથ્થો સરકારી ગોડાઉનમાં ટેકાના ભાવે વેચાણ કરતો હતો. જોકે વિઝિલન્સ વિભાગની કાર્યવાહી દરમિયાન તે ઝડપાઈ જતાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થશે તેમ લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.