અકસ્માત:કઠલાલના છીપડી પાટીયા પાસે ડમ્પરે રાહદારીને અડફેટે લેતાં મોત

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી મુળ વતને જૂનું મકાન સાફ-સફાઈ કરવા માટે છીપડી આવ્યા હતા પરંતુ મોત મળ્યું

કઠલાલ તાલુકાના છીપડીના મૂળ અને કામ ધંધા અર્થે અમદાવાદમાં રહેતા એક દરજી પરિવાર નવરાત્રી આવતી હોય પોતાનો જૂનું મકાન સાફ-સફાઈ કરવા માટે છીપડી પોતના વતને આવ્યા હતા. તે વખતે છીપડી પાટીયા પાસે રોડ ક્રોસ કરવા જતા ડમ્પરની અડફેટે ઘરના મોભીનું મોત નીપજ્યું છે. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના છીપડી ગામના દશરથભાઈ રમણભાઈ દરજી અમદાવાદના ઓઢવમાં રહી કપડા સીવવાનું કામ કરે છે. તેઓ ગઈકાલે તેમની પત્ની સુમિત્રાબેન સાથે પોતાના વતન છીપડી આવ્યા હતા. નજીકમાં નવરાત્રી પર્વ હોવાથી મકાનની સાફ-સફાઈ કરવા આ દંપતી અહીંયા આવ્યું હતું. સાફસફાઈની કામગીરી માટે મજૂરની જરૂર પડતા દશરથભાઈએ સુમિત્રાબેનને જણાવ્યું હતું કે હું ગામમાંથી મજૂર લઈને આવું છું.

દશરથભાઈ છીપડી પાટીયા પાસે મજુરની શોધમાં ગયા હતા. તે વખતે રોડ ક્રોસ કરતી વખતે અમદાવાદ તરફ જતાં એક ડમ્પરે દશરથભાઈને ટક્કર મારી હતી. જેથી તેઓ ફંગોળાઈને રોડ પર પડતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ડમ્પર થોડે આગળ ઊભુ રહ્યું હતું. આ બનાવમાં દશરથભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકની પત્ની સુમિત્રાબેને કઠલાલ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...