સજા:ઠાસરામાં 6 વર્ષ અગાઉ ધારીયું મારી ઈજા કરવાના બનાવમાં એકને કોર્ટે એક વર્ષની સજા ફટકારી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં ઢોર ઘૂસી જવાના મુદ્દે મારામારી થઇ હતી

ઠાસરામાં બાજરીના ખેતરમાં ઢોર ઘૂસી જવાના મુદ્દે થયેલા ઝઘડામાં ત્રણ વ્યક્તિઓએ એકને માર મારવાના બનાવમાં ઠાસરા કોર્ટે ત્રણ પૈકી એક આરોપીને કસુરવાર ઠેરવી 1 વર્ષની સજાનો હુકમ કર્યો છે.

ઠાસરામાં રહેતા તોફીકખાન યાકુબખાનનું ખેતર ઠાસરામાં GEB પાછળ આવેલું છે. આ ખેતરમાં બાજરીનો પાક કર્યો હોય તેઓ તેમજ તેમના પિતા ખેતરમાં તા.28/5/2015ના રોજ ગયા હતા તે વખતે નગરમાં રહેતા મહંમદખાલિદ અહેમદઅલી સૈયદ ભેંસો લઈ આવ્યા હતા. આ પશુઓ બાજરીના ખેતરમાં ઘૂસી જતા તેમણે ઠપકો કર્યો હતો. જેથી મહમદખાલિફ અને અન્ય બે વ્યક્તિઓ ભેગા મળી તોફિકખાન પર હુમલો કર્યો હતો તથા ધારીયું મારી હાથની આંગળી પર ઈજા કરી હોવાની ફરીયાદ ઠાસરા પોલીસમાં નોંધાઈ હતી.

આ ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી તપાસ કર્યા બાદ ચાર્જ સીટ કોર્ટમાં મૂકી હતી. આ કેસ ઠાસરાના કે. ટી . ગુરનાનીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વી.જી. દેસાઈની દલીલો અને પુરાવા ધ્યાનમાં રાખી આરોપી મોહમ્મદખાલીદ સૈયદને કસૂરવાર ઠેરવી. આઈપીસી 324 મુજબ એક વર્ષની કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો છે. જ્યારે અન્ય બે ને છોડી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...