ખેડા જિલ્લાના મહેમદાવાદની દિકરીને તેના સાસરીયા ત્રાસ આપતાં પરિણીતાએ ન્યાય મેળવવા પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પીડીતાએ આ અંગે મહેમદાવાદ પોલીસ મથકે પોતાના પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ભોજીયાપુરા ગામે રહેતા ધનજીભાઈ ભવૈયાના પુત્ર જગદીશના લગ્ન મહેમદાવાદ ખાતે રહેતી એક યુવતી સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ-પત્નીને ખટરાગ ઊભો થયો હતો. પતિ અવારનવાર પોતાની પત્ની પર ખોટા ખોટા વહેમ રાખી તુ સારી નથી તેમ કહી તેણીની સાથે મારઝૂડ કરતો હતો.
પરિણીતા સમગ્ર હકીકત તેના સાસુ-સસરાને જણાવે તો તેઓ પણ પોતાના પુત્રની તરફેણમાં બોલતાં હતા અને પીડીતા પર ત્રાસ ગુજારતા હતા. આથી કંટાળીને પરિણીતા પોતાના પિયરમાં આવી ગઈ હતી. સમજાવટ બાદ પણ આમની આમ સ્થિતિ રહેતા કંટાળેલી પરીણિતાએ પોતાના પિતા અને માતાની મદદ મેળવી પોતાના સાસરિયા સામે ખાધા ખોરાકીનો કેસ દોઢ વર્ષ પહેલા મુક્યો હતો.
હાલમાં આ કેસમાં મુદતો પડી રહી છે. જેથી પીડીતાને ન્યાય નહીં મળતાં આ અંગે ગતરોજ મહેમદાવાદ પોલીસ મથકે પહોંચી પરિણીતાએ પોતાના પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498 A, 323, 504, 114 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.