ધ બર્નીંગ કાર:નડિયાદ પાસેથી પસાર થતા હાઈવે પર ચાલુ કારમાં અચાનક લાગી આગ, કાર ચાલક અને અન્ય લોકોનો આબાદ બચાવ

નડિયાદ15 દિવસ પહેલા
  • કારમાં ભયંકર આગ લાગતા કાર સંપૂર્ણ બળીને ખાખ
  • નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો

ખેડા જિલ્લાના નડિયાદ પાસેથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ચાલુ કારમાં એકાએક આગ લાગતાં અફડાતફડી મચી ગઇ હતી. આ બનાવમાં કાર ચાલક અને કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી કારમાં લાગેલી આગ પર પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો છે.

નડિયાદ પાસેથી અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. મંગળવારે બપોરે અહીંયાથી અમદાવાદ તરફ જતી એક કારમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી. કાર ચાલકે તુરંત કાર અટકાવી કારમાંથી બહાર નીકળી ગયા હતા. આ કારમાં અન્ય બે લોકો પણ સવાર હતા તે પણ ઘટનાના પગલે કારમાંથી બહાર નીકળી ગયા હતા. જોતજોતામાં આ કારમાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું.

આકસ્મિક રીતે આગ લાગી હોવાની શક્યતા
આ ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી કારમાં લાગેલી આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ભયંકર હતી કે કારને સંપૂર્ણ પણે બાળી નાખી દીધી. જોકે ફાયર કર્મીઓએ ભારે જહેમત બાદ આ કારમાં લાગેલી આગને બુઝાવી હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી. કાર ચાલક સહિત ત્રણ લોકોના જીવ બચી ગયા હતા. કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, આકસ્મિક આગ લાગી હોવાનું ફાયરબ્રિગેડના કર્મીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...