ચોરી:બે પુત્રના લગ્નપ્રસંગ પહેલા ઘરમાંથી 8 લાખ અને લાખોના દાગીના ચોરાયા

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદમાં ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર આવેલ નવાપરાંમાં તળપદા પરિવારને ત્યાં બનેલી ઘટના

નડિયાદ ચકલાસી ભાગોળ વિસ્તારમાં આવેલા નવાપરા ફળ‌િયામાં એક પરીવાર ધારી માતાજીની બાધા કરીને પરત આવી સુઈ ગયો, જે દરમિયાન તસ્કરો ઉંઘનો લાભ લઈ ઘરમાંથી લાખોની મત્તા ચોરી ફરાર થઈ જતા ચકચાર મચી છે. તસ્કરોએ ઘરના પાછળના ભાગેથી બીજા માળે ચઢી જઈ તિજોરીમાંથી લાખોના સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ પર હાથફેરો કરી નાખ્યો છે. જો કે, આ બિના અંગે હજુ સુધી સત્તાવાર કોઈ ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ નથી.પ્રાપ્ત વિગતો મુજબ ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર જતા નવાપરાં ફળીયુ આવેલુ છે.

તેમાં ફળિયાની વચ્ચોવચ નરસિંહભાઈ કાંતિભાઈ તળપદાનું ઘર છે. નરસિંહભાઈ ગઈકાલે પરીવાર સાથે ધારી ખાતે માતાજીની બાધા પૂર્ણ કરવા ગયા હતા. મોડી સાંજે ધારીથી પરત આવી પરીવાર થાકીને સુઈ ગયો હતો. જેથી તસ્કરો દ્વારા તેમના ઘરને ટાર્ગેટ કરી પરીવારની ઉંઘનો લાભ લઈ 8 લાખની રોકડ, 15 તોલા સોનું અને 5 કિલો ચાંદી મળી લાખોના ઘરેણાં લઈ ફરાર થયા હતા. નરસિંહભાઈના દિકરાએ ઉઠીને દરવાજો ખુલ્લો જોતા શંકા ગઈ હતી અને તપાસ કરતા તિજોરી ખુલ્લી દેખાઈ હતી.

તિજોરીનો સામાન વેર-વીખેર પડેલો જોઈ તપાસ કરતા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી ન હતી. આ અંગે તેમણે પોલીસ મથકે જાણ કરતા ટાઉન મથકના જવાનોએ સ્થળ‌ પર પહોંચી નીરીક્ષણ કર્યુ હતુ. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર ફરીયાદ નોંધાઈ નથી.

તસ્કરો જાણભેદુ હોવાની શંકા
ફળિયાની વચ્ચોવચ આવેલ ઘરમાં મુદ્દામાલ હોવાનું પરીવાર અને જાણીતા લોકોને જ ખબર હોય તેવી શક્યતાઓ છે. તિજોરીની પાસે લટકાવેલી ચાવીથી તિજોરી ખોલી ચોરી કર્યાનું પરીવારના સભ્યો જણાવે છે. જેથી તસ્કરો જાણભેદુ જ હોય તેવી આશંકાઓ સેવાઈ છે.

ઉત્તરાયણ પછી બે પુત્રોના લગ્ન લેવાના હતા
આ ઘટના બાદ પરીવારના લોકો સાથે વાતચીત કરતા જણાયુ કે, નરસિંહભાઈના બે પૌત્રના ઉતરાયણ બાદ લગ્ન લેવાના હતા, આગામી 21-22 તારીખના લગ્ન હોવાને કારણે ઘરમાં લગ્ન પ્રસંગના ખર્ચ માટે રોકડ રકમ અને દાગીના લાવ્યા હોવાની શક્યતા છે.

પોલીસે નજીકના સીસીટીવીની તપાસ કરી
આ સમગ્ર ઘટના અંગે પરીવારે પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસન જવાનો દ્વાર સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત નજીકમાં આવેલા તમામ સીસીટીવી ફુટેજની પણ પોલીસ દ્વારા તપાસ કરાઇ રહી છે. જો કે, હજુ સુધી મુદ્દામાલનો પત્તો લાગ્યો નથી.

ચાવી અને લક્કી મળી આવ્યા
ચોરીની ઘટનામાં તિજોરીની ચાવી બાજુની દિવાલ પર ટીંગાળેલી હતી. જે ટાઈલ્સ પર પડેલી મળી હતી. જ્યારે ઘરની પાછળ આવેલી કાંટાળી વાડમાં ટાઈલ્સમાંથી ચાંદીની લક્કી મળી હતી. જેથી ઘર પાછળથી જ ઈસમો ફરાર થયાની શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...