કોરોના અને કોલેરામાંથી નડિયાદ સહિત ખેડા જિલ્લો હજુ બેઠો થયો હતો, ત્યાં હવે સિઝનલ બિમારીએ અજગરી ભરડો લીધો છે. નડિયાદ સિવિલથી માંડી પી.એચ.સી અને ખાનગી હોસ્પિટલો સહિત ક્લિનિકો તાવ, શરદી અને ખાંસીના કેસોથી છલકાઈ રહ્યા છે.
નડિયાદ સિવિલમાં વાઈરલ ફીવરના કેસો વધ્યા છે. નડિયાદ શહેરમાં છેલ્લા ત્રણેક દિવસમાં ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય પ્રશાસને જણાવ્યુ છે. બીજીતરફ છેલ્લા અઠવાડિયાથી સતત 65 કે તેથી વધુ વાઈરલ ફીવરના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં છેલ્લા વીસેક દિવસથી નહીવત વરસાદ છે. જેના કારણે વાતાવરણમાં ભેજ અને દિવસ દરમિયાન વાદળોના કારણે તડકા-છાયડાની સ્થિતિ ઉભી થઈ છે. પરીણામે ગરમી અને ઉકળાટ અનુભવાઈ રહ્યો છે.
નડિયાદ સહિત અન્ય તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગટરના પાણી ભરાઈ રહેવાની પણ પરિસ્થિતિ છે. પરીણામે વાઈરલ ફીવરે માથુ ઉચક્યુ છે. નડિયાદમાં બાળકોની હોસ્પિટલો છલકાઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલો, ક્લિનિક સહિતની જગ્યાઓએ છેલ્લા અઠવાડિયાથી ઓ.પી.ડી. વધી હોવાનું તબીબ જણાવી રહ્યા છે. નડિયાદની ખાનગી હોસ્પિટલોમાં રોજ 150થી 200 બાળકોને સારવાર અપાતી હોવાનું તબીબોએ જણાવ્યુ છે. ત્યારે સ્લમ વિસ્તારોમાં ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધશે અને મેલેરીયા ફેલાશે, તેવી દહેશત છે.
ગંદકી દૂર કરી સફાઈની તાતી જરૂર
ચોમાસામાં અને ખાસ કરીને ગટર ઉભરાવાના કારણે આસપાસના ખાડાઓમાં પાણી ભરાયેલુ રહે છે. તેના કારણે આ પાણીમાં માદાએનાફિલિસ મચ્છર ઉત્પન થાય છે. જ્યારે એર કુલર, પાણીની ટાંકી જેવી જગ્યાઓએ એડિસ મચ્છર ઉત્પન થાય છે, જેનાથી ડેન્ગ્યુનો ભય રહે છે. બીજીતરફ ગંદકીમાં પણ મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે. ત્યારે આ તમામ જગ્યાએ સફાઈ જરૂરી છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય અને રોગચાળો ફેલાતો પણ રોકી શકાય.
નડિયાદ શહેરમાં ડેન્ગ્યુના 2 કેસ મળ્યા છે
આ સમગ્ર બાબતે ખેડા જિલ્લા મેલેરીયા અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, નડિયાદ શહેરમાં ડેન્ગ્યુના બે કેસ મળ્યા છે. હવે વધુ કેસ સામે ન આવે તે માટે આરોગ્ય પ્રશાસને જરૂરી પગલાં લીધા છે.> અજીત ઠાકર, મેલેરીયા અધિકારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.