હાલાકી:ખેડા જિલ્લાના 10 તાલુકાઓના 615 ગામો સામે માત્ર 241 તલાટીઓ, 374ની ઘટથી ગ્રામજનોના કામ ટલ્લે ચઢતાં લોકોમાં આક્રોશ

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લા પંચાયતની ફાઇલ તસ્વીર - Divya Bhaskar
ખેડા જિલ્લા પંચાયતની ફાઇલ તસ્વીર
  • દરેક ગામના તલાટીઓને ત્રણથી વધુ પંચાયતોનો ચાર્જ મળતા ભારણ વધ્યું
  • છેલ્લા કેટલાય વર્ષોથી તલાટીઓની નવી ભરતી ન થતાં ભારે હાલાકી

ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી તલાટીઓની ખેંચ પડતાં તલાટીઓના કામમાં ભારણ વધ્યું છે. હાલ જિલ્લાના કુલ 10 તાલુકાઓના ગામોમાં 241 તલાટીઓ કામગીરી કરી રહ્યા છે. આ તલાટીઓને ત્રણથી વધુ પંચાયતોનો ચાર્જ સંભાળવો પડતો હોવાથી ગ્રામ્ય કક્ષાએ લોકોના કામો પર તેની અસર પડી રહી છે. લોકોના કામો અટકી જતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકારે નવી ભરતી પ્રક્રિયા નહી કરતાં આ ઘટ સર્જાઇ હોવાનું જાગૃત લોકો જણાવી રહ્યા છે.

તલાટીઓમાં કામનું ભારણ રહેતા સરકાર સામે અસંતોષ

ખેડા જિલ્લાના નડિયાદ, ગળતેશ્વર, ઠાસરા, કપડવંજ, કઠલાલ, માતર, વસો, મહેમદાવાદ, મહુધા અને ખેડા એમ 10 તાલુકાઓની અંદર કુલ મળીને 615 ગામો આવેલા છે. જેમાં કુલ 241 જેટલા તલાટીઓ હાલ ફરજ બજાવી રહ્યાં છે. 615 ગામો સામે માત્રને માત્ર 241 તલાટીઓ એટલે કે 374 તલાટીઓની ઘટ જિલ્લામાં સર્જાઇ છે. હાલ જે તલાટીઓ કામગીરી કરી રહ્યાં છે તે તમામને ત્રણથી વધુ ગામોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેના કારણે ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને જન્મ મરણના દાખલા, સરકારી યોજનાનો લાભો, આવકના દાખલા સહિતની કામગીરી પર અસર પડી રહી છે. તો અમુક કિસ્સામાં તલાટીઓ ઓતરા દિવસે કે અઠવાડિયામાં બે વખત આવતા હોવાથી ગ્રામજનોના આ કામ પણ ટલ્લે ચઢતાં હોય છે. તો આવી સ્થિતિ વચ્ચે તલાટીઓમાં પણ કામનું ભારણ રહેતા તેમનો સરકાર સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.

જિલ્લા બહાર પસંદગી જગ્યા પર ફેર બદલી

છેલ્લા કેટલાય વર્ષોથી તલાટીઓની નવી નિમણૂક નહી કરવામાં આવતા આ સ્થિતિ ઉભી થઈ છે. એક અંદરે મળતી માહિતી મુજબ જિલ્લા બહારથી તલાટી તરીકે નિમણૂક પામેલા લોકો રાજકીય પક્ષોનો સહારો લઈ જિલ્લા બહાર પસંદગી જગ્યા પર ફેર બદલી કરાવી દેતાં અહીંયા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જાગૃત લોકો જણાવી રહ્યા છે.

ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારે કરી ન હોવાનું રટણ

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ગ્રામ્ય કક્ષાએ તલાટી અને મંત્રીની બે કેડેટ્સ તૈયાર કરી છે. પરંતુ હાલ તલાટી કમ મંત્રી તરીકે જ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે. તલાટીનું કામ મહેસૂલને લગતી કામગીરી કરવાની હોય છે. જ્યારે મંત્રીએ ગામના વિકાસ સહિતની કામગીરી કરવાની હોય છે. હાલ આ બન્ને કામગીરી તલાટી કમ મંત્રીને જ કરવાની હોવાથી પુરતું ધ્યાન ન અપાતું હોવાની બુમો ઉઠી છે. આજે પણ કેટલાક ગ્રામ પંચાયતના વેરા સરકારી ચોપડે બાકી પડેલા જોવા મળી રહ્યા છે. અધિકારીઓ કોરોનાનું કારણ ધરી ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારે કરી ન હોવાનું રટણ લગાવ્યા કરે છે.

અન્ય સમાચારો પણ છે...