રસીકરણ:વડાપ્રધાનના જન્મદિને 1 લાખના ટાર્ગેટ સામે 60 ટકાનું રસીકરણ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લામાં 545 કેન્દ્રો પરની વ્યવસ્થામાં 65 હજાર લોકોએ લાભ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે સમગ્ર દેશમાં વેક્સિન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે શુક્રવારે એક દિવસમાં ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 1.10 લાખ લોકોને રસી મુકવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. તેની સામે માત્ર 65 હજાર લોકોએ સાંજ સુધીમાં રસી મુકાવી છે. આમ ખેડા જિલ્લામાં 60 ટકા અભિયાન સફળ થયું છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 15મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 16.14 લાખના ટાર્ગેટ સામે 12.97 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 4.63 લાખ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

વડાપ્રધાનના જન્મદિન નિમિતે વેક્સિન મહાઅભિયાન અંતર્ગત ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 545 કેન્દ્ર પર 1.10 લાખ લોકોને વેક્સિન મુકવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતા. ખેડા જિલ્લાના નાગરીકોએ વેક્સીન મુકાવવામાં સારો રસ દાખવ્યો છે. જેના કારણે મોડી સાંજ સુધી 65 હજાર લોકોએ વેક્સિન લીધી હતી . આ અગાઉ 31મી ઓગસ્ટના રોજ 31 હજારથી વઘુ લોકો સૌથી વધુ વેક્સિન લીધી હતી. આજના અભિયાનને સફળ બનાવવા માટે વિશેષ પ્રબંધ કરવામાં આવ્યો હતો. વિવિધ ટીમોએ અંતરિયાળ ગામોમાં જઇ કામગીરી કરી હતી.

ઉપરાંત રસીકરણના અધિકારી ડૉ. એ.એ. પઠાણે જણાવ્યુ છે કે, મોડી રાત સુધી વેક્સીનેશન ચાલી રહ્યુ છે. 8વાગ્યા સુધી ખેડા જિલ્લામાં 75 હજાર ઉપરાંત લોકોને રસી આપવામાં આવી છે. ખેડા જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગના અધિકારી રજનીકાંતભાઈ કાપડીયા અને આરોગ્ય વિભાગની ટીમે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...