તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીટીંગ:દોઢ કરોડની લોન મંજૂર થઇ હોવાનું કહી ખેડાના 6 લોકોને છેતર્યા, 22.11 લાખનો ચૂનો ચોપડ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાની નમો: નમ ફીનસર્વ પ્રા. લિ. એ લોન આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરી
  • ખેડા પંથકના 6 વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરતાં 7 વ્યક્તિઓ સામે ગુનો દાખલ

કોરોના બાદ ઠગાઈના કિસ્સાઓ વધી રહ્યા છે. વડોદરા શહેરમાં ગેંડા સર્કલ વિસ્તારમાં આવેલ નમો: નમ ફીનસર્વ પ્રા. લિ. એ લોન આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેડા જિલ્લાના 6 વ્યક્તિઓ પાસેથી દોઢ કરોડની લોનના બહાના હેઠળ કુલ રૂપિયા 22 લાખ 15 હજાર લેભાગુ લોકોએ ખંખેરી લેતા ખેડા ટાઉન પોલીસ મથકે આ કંપનીના 7 ઈસમો સામે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

ખેડા શહેરના ગુંદી ફળીયામાં રહેતા 45 વર્ષિય તરૂણ પટેલે લોન મેળવવા માટે વર્ષ 2020ના સમયગાળામાં વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલ નમો: નમ ફીનસર્વે પ્રા. લિ.ના સંપર્કમાં આવ્યા હતા. તરૂણે 13 સપ્ટેમ્બરના રોજ ઉપરોક્ત કંપનીને પોતાના મોબાઈલમાં શોધી તેનો સંપર્ક સાંધ્યો હતો. તરૂણે ફોન દ્વારા ઉપરોક્ત કંપનીનો કોન્ટેક્ટ કર્યો અને તે સમયે મન્સુરી ઉર્ફે કુરેશી નામના વ્યક્તિએ જણાવેલ કે તમારે લોન મેળવવી હોય તો ઓછા ટકાના વ્યાજે જમીન ઉપર લોન મળી શકશે. આ દરમિયાન જીગર જોષીના પણ સંપર્કમાં આવતાં તેમણે કહ્યું હતું કે આવી ફાઈનાન્સ કંપની લોન આપે જ તેવી બાંહેધરી આપી હતી. તેથી જમીનના દસ્તાવેજો લઈને તરૂણ વડોદરા ઉપરોક્ત સંસ્થાએ પહોંચી ગયા હતા.

આ સમયે હાજર મન્સુરી ઉર્ફે કુરેશી અને રીયા ચૌધરી ઉર્ફે ખુશ્બુને મળ્યા હતા. આ બન્નેએ દસ્તાવેજોની ચકાસણી કરી લોનનું પ્રોસેસ ફોર્મ ભરાયુ હતું અને તે પેટે 50 હજાર રૂપિયા ફી ભરાવડાવી હતી. થોડા દિવસો વિત્યા બાદ ઉપરોક્ત બન્ને લોકો ખેડા આવી તરૂણની જમીનનું સર્વે કર્યુ હતું. પરંતુ આ સમયે કોઈ લખાણ કરાયું નહી અને બન્ને લોકો નીકળી ગયા હતા.

થોડા દિવસો બાદ તરૂણને જણાવવામાં આવ્યું હતું કે તમારી 1 કરોડને 40 લાખની લોન મંજૂર થઈ ગઈ છે પરંતુ તે રકમ મેળવવા માટે 4 લાખ 65 હજાર ભરવા પડશે. આથી તરૂણે ઉપરોક્ત રકમનો ચેક આપેલો અને તે જમા પણ થઈ ગયેલો હતો. થોડા દિવસો પછી ઉપરોક્ત સંસ્થાના અન્ય એક ઈસમ ફરીથી જમીનની ચકાસણી કરવા આવ્યો અને તે સમયે 25 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આમ છતાં પણ ઉપરોક્ત સંસ્થાના લોકો લોનના રૂપિયા આપતા નહોતા અને વધુ રૂપિયાની માંગણી કરતાં તરૂણ અકળાઈ ગયા હતા. આથી તરૂણ વડોદરા પહોંચી ઉગ્ર અવાજે રજૂઆત કરી હતી. ત્યાં હાજર મન્સુરી ઉર્ફે કુરેશી, રીયા ચૌધરી ઉર્ફે ખુશ્બુ, ગણેશ ઉર્ફે મહિન્દ્ર પરમાર, મનીષા, કવિતા અને ગજેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આ નમો: નમ ફીનસર્વ પ્રા. લિ. નહી પરંતુ નમો નમ: ચેરીટેબલ ટ્રસ્ટ છે તેમ કહી તરૂણને હડધૂત કરી ઓફિસની બહાર કાઢી મૂક્યા હતા. અને આપેલા નાણાં પરત માંગતા ઉપરોક્ત તમામ લોકો ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા.

તરૂણ પટેલને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થયો હતો. જે બાદ તપાસ કરતા ખેડાના વાસણા બુઝુર્ગ ગામે રહેતા રણજીત પરસોતમભાઈ સાથળીયા ઉપરોક્ત ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરતા અને લોન આપવાના બહાને રાયસિંગભાઈ રામાભાઈ વાઘરી, ધર્મેન્દ્રસિંહ ગંભીરસિંહ ડોડીયા, પુષ્કરભાઈ ઠાકોરભાઈ ઈનામદાર, દલુભાઈ કાળાભાઈ રૂદાચ અને સુરેશભાઈ ભાવુભાઈ કાવઠીયાના કુલ રૂપિયા 16 લાખ 75 હજાર પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. આમ કુલ મળીને રૂપિયા 22 લાખ 15 હજારની છેતરપિંડી આચરી હોવાનું પ્રકાશમાં આવતા આ અંગે તરૂણ પટેલે ખેડા ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત 7 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. ખેડા પોલીસે આઈપીસી 420 અને 114 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...