ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ:ખેડા જિલ્લાના 520 ગ્રામ પંચાયતો પૈકી 434 ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની સંભવના

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીને લઇ સ્થાનિક રાજકારણમાં ગરમાવો, ચૂંટણી યોજવા ચૂંટણી તંત્ર કામે લાગ્યું

ચાલુ વર્ષ ચૂંટણી માટેનું હોય તેમ જણાઈ રહ્યું છે. થોડા માસ અગાઉ પાલીકા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જ્યારે ગતરોજ પેટાચૂંટણી યોજાઈ હતી. આ બાદ આવનાર સમયમાં ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવનાર છે. જિલ્લાના 434 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી ડિસેમ્બર માસની આસપાસ યોજાઈ તેવી સંભાવના સેવાઈ રહી છે. આ ચૂંટણીને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના વિવિધ તાલુકાના સરપંચોની અનામત બેઠકોનું રોટેશન જાહેર થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ પંચાયતોના સરપંચની ચૂંટણી ખૂબ જ મહત્વની ગણાય છે. ખેડા જિલ્લાના 520 ગ્રામપંચાયતો પૈકી 434 ગ્રામપંચાયતના સરપંચોની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થતાં આગામી ડિસેમ્બર માસ 2021માં ચૂંટણી યોજાઈ તેવી શક્યતા છે. આ ગ્રામ પંચાયતોમાં સરપંચો તથા 434 ગામોના 3882 વોર્ડ સભ્યપદોની ચૂંટણી યોજાનાર છે. જિલ્લા ચૂંટણી શાખા દ્વારા ગ્રામપંચાયતોની ચૂંટણી અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

ખેડા જિલ્લાના 10 તાલુકાની ગ્રામપંચાયતોના સરપંચો અને વોર્ડ સભ્યપદોની અનામત બેઠકોનું રોટેશન લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સ્ત્રી અનામત બેઠક, સામાન્ય, ઓ.બી.સી, બક્ષીપંચ અનામત, અનુ.જાતિ અનામત વિગેરેનો સમાવેશ થાય છે. જેને લઇને સ્થાનિક રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. ચૂંટણી લડવા ઇચ્છતા અને સરપંચ બનવા ઇચ્છતા આગેવાનો તથા તેમના સમર્થકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા 15માં નાણાપંચની ગ્રામપંચાયતોને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે. ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇને તાલુકા અને જિલ્લા કક્ષા સહિત પક્ષના રાજકીય નેતાઓ ગામોમાં જઇને ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર-પ્રસાર પણ શરૂ કરી દેવાયો છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગામોમાં નાનામોટા વિકાસના કામોનો દૌર શરૂ કરવામાં આવ્યા છે. કોરોના કારણે દોઢ વર્ષથી ગામોમાં વિકાસના કામો હાથ ધરાયા નહોતા. આગામી ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ફાળવવામા આવેલી ગ્રાન્ટોમાંથી હાલના કેટલાય સરપંચો દ્વારા પોતાના સમય દરમિયાન કામોનો જશ લેવા માટે મંજૂરીઓ મેળવીને ગામોમાં વિકાસના કામો શરૂ કરી દેવાયા છે.

કયા તાલુકામાં કેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીની વિગત
નડિયાદ તાલુકામાં 49 સરપંચની બેઠકો અને 488 સભ્યોની બેઠકો છે, માતર તાલુકામાં 31 સરપંચની બેઠકો અને 284 સભ્યોની બેઠકો છે, ખેડા તાલુકામાં 28 સરપંચની બેઠકો અને 242 સભ્યોની બેઠકો છે, મહેમદાવાદ તાલુકામાં 59 સરપંચની બેઠકો અને 548 સભ્યોની બેઠકો છે, મહુધા તાલુકામાં 38 સરપંચની બેઠકો અને 322 સભ્યોની બેઠકો છે, કઠલાલ તાલુકામાં 50 સરપંચની બેઠકો અને 462 સભ્યોની બેઠકો છે, કપડવંજ તાલુકામાં 98 સરપંચની બેઠકો અને 826 સભ્યોની બેઠકો છે, ઠાસરા તાલુકામાં 47 સરપંચની બેઠકો અને 398 સભ્યોની બેઠકો છે, ગળતેશ્વર તાલુકામાં 19 સરપંચની બેઠકો અને 166 સભ્યોની બેઠકો છે અને વસો તાલુકામાં 15 સરપંચની બેઠકો અને 146 સભ્યોની બેઠકો છે. આમ કુલ 434 સરપંચોની બેઠક અને 3882 સભ્યોની બેઠક છે.

અન્ય સમાચારો પણ છે...