તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંઝવણ:ધોરણ 12ની પરીક્ષા રદ રહેતા ખેડા જિલ્લાના 18 હજાર 386 વિદ્યાર્થીઓ અસમંજસમાં મૂકાયા

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોશિયાર વિધાર્થીઓએ પોતાની મુંઝવણ દિવ્યભાસ્કર આગળ જણાવી
  • ભણાવવામાં પાછા પડતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી

ધોરણ 12ની પરીક્ષા રદ રહેતા ખેડા જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. વિદ્યાર્થીઓમા ક્યાંક નિરાશા છવાઈ છે તો ભણાવવામાં પાછા પડતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે. આ તમામ વચ્ચે હજુ સરકાર પણ રદ કરેલી પરીક્ષા પછી આગળ શુ કરવુ તે નક્કી કરી રહી છે.

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે ધો 12ના તમામ પ્રવાહમાં કુલ 18 હજાર 386 જેટલા વિદ્યાર્થીઓ છે. જેમાંથી ત્રણ હજાર 300 વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહમાંથી અને અન્ય 15 હજાર 86 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા છે. આજે સરકારે ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જે સમાચારે વિદ્યાર્થીઓને હચમચાવી મૂક્યા છે. હજુ તો 24 કલાક પહેલા પરીક્ષાનું માળખું મુકાયું અને તે બાદ એકાએક સરકારે યુટર્ન મારી આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. જેથી મહેનત કરતાં સ્કોલર વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી છે. જ્યારે ભણવામાં પાછળ રહેતા વિદ્યાર્થીઓમાં આનંદ છવાઈ ગયો છે. પરીક્ષા રદની જાહેરાત બાદ સરકાર આ અંગે આગળ શુ કરવુ તે બાબતે બેઠક કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગતરોજ સેન્ટ્રલ બોર્ડે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને યોગ્ય માપદંડ નક્કી કરી પરીક્ષા આપવામાં આવે તેવી માંગ વાલીઓએ કરી છે. કોરોનાના કહેર વચ્ચે વિદ્યાર્થીઓના હીતમાં આ નિર્ણય સરકારે લીધો છે. જો પરીક્ષા સંપૂર્ણ પણે બંધ રાખી માસ પ્રમોશન આપવામાં આવશે તો સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને ઘી કેળા છે અને વાલીઓએ મો માંગ્યા દામ પર પોતાના સંતાનોને ભણાવવા પડશે. જેથી વાલીઓની કફોડી સ્થિતિ બનશે. તો આ તરફ ગવર્મેન્ટ કોલેજોમાં પણ જુજ સીટો હોવાથી લોકોને ભારે તકલીફ પડશે તેવી સ્થિતિમાં સરકાર શુ નિર્ણય લે છે તે જોવું રહ્યું.

વિદ્યાર્થીની કિરણ પરમાર
વિદ્યાર્થીની કિરણ પરમાર

મહેનત પર પાણી ફરી વળ્યું: ધોરણ 12ની વિદ્યાર્થીની

આ અંગે ધોરણ 12ની વિદ્યાર્થીની કિરણ પરમારે જણાવ્યું હતું કે, સરકારે જે નિર્ણય લીધો છે તે ખરેખર તમામ વિદ્યાર્થીઓના હીતમાં છે. પરંતુ અમારી છેલ્લાં વર્ષની મહેનત પર તો છેવટે પાણી ફરી વળ્યું છે. હું મનમાં ધારેલા માર્ક્સ પ્રમાણે દિવસ અને રાત વાંચતી હતી. લોકડાઉનમાં પણ સતત અભ્યાસ પાછળ રચી પચી રહેતી હતી. હું સતત ત્રણથી ચાર કલાક વાંચન પાછળ ફાળવતી હતી. મારા પિતા હોસ્પિટલમાં વોર્ડ બોય છે અને માતા હાઉસ વાઈફ છે. સરકારના આ નિર્ણયથી સંતોષ નથી કારણ કે જે માકર્સ ધાર્યા તે તો ન આવી શક્યા ને? મારો મનપસંદ વિષય એકાઉન્ટ છે એટલે મારે આગળ જઈને એકાઉન્ટન્ટ બનવું છે.

વિદ્યાર્થીની શ્રૃષ્ટી દુબે
વિદ્યાર્થીની શ્રૃષ્ટી દુબે

કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી પરીક્ષા લેવી જોઈતી હતી: ધોરણ 12ની કોમર્સની વિદ્યાર્થીની

તો પરીક્ષા રદ અંગે ધોરણ 12ની કોમર્સની વિદ્યાર્થીની શ્રૃષ્ટી દુબેએ જણાવ્યું કે સ્વાસ્થ્યને લઈને સરકારે પરીક્ષા રદ રાખવાનો નિર્ણય યોગ્ય કર્યો છે. પરંતુ બીજી બાજુ વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય અયોગ્ય છે. કારણ કે છેલ્લા વર્ષથી વિદ્યાર્થીઓ સતત મહેનત કરતા હતા પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું ને તેથી માનસિક રીતે પણ વિદ્યાર્થીઓ સજ્જ થઈ ગયા હતા. મારી વાત કરુ તો હું ખુદ ચારથી પાંચ કલાક વાંચતી હતી. સ્વાસ્થ્યના હિતમાં સારો નિર્ણય છે પરંતુ આ વચ્ચે અન્ય વિકલ્પ જેમ કે ઓનલાઇન પરીક્ષા કે અન્ય કોઈ વિકલ્પ ગોઠવી પરીક્ષા તો લેવી જ જોઈતી હતી. જેના કારણે વાંચન કરતા વિદ્યાર્થીઓને તેના મુળ લક્ષ્યાંક સુધી પહોંચી શકત.

વિદ્યાર્થીની તાપસી સુખડીયા
વિદ્યાર્થીની તાપસી સુખડીયા

પરીક્ષા રદના સમાચાર તો મારા માટે તો શોકીંગ હતા: 12 સાયન્સની વિદ્યાર્થીની

12 સાયન્સની વિદ્યાર્થીની તાપસી સુખડીયા જણાવે છે કે, હું દરરોજ છથી સાત કલાકનું વાંચન કરતી હતી. આજે જ્યારે મે ટીવી અને સોશિયલ મીડિયામાં ધોરણ 12ની પરીક્ષા રદના સમાચાર સાંભળીને હું ચોંકી ઉઠી હતી. આ સમાચાર મારા માટે ખુબજ શોકીંગ હતા. કારણ કે હજુ તો ગતરોજ પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પાડ્યું ને જે બાદ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા રદ રહીને આજે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. હું અને અમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ લાંબા સમયથી પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા હતા અને એકદમ સરકારે આ નિર્ણય લેતા સૌ કોઈ અસમંજસમાં મુકાયા છે. શાળામાં પણ શિક્ષકોનો ખુબજ સપોર્ટ છે તેઓ હરહંમેશા અમારી પડખે ઊભા રહે છે. હું આગળ જતાં B.sc કરીને ઈન્ડિયન એરફોર્સમાં જવા માંગુ છું.

મારા 65થી 70 ટકા આવે તેવી આશા પર પાણી ફરી વળ્યું: વિદ્યાર્થી

આ અંગે રાકેશ ઠાકોર નામનો વિદ્યાર્થી જણાવે છે કે, હું રોજ વાંચી મહેનત કરતો હતો મારા પિતા પોતે ખેતીકામ કરે છે. ગતરોજ જ્યારે મે પરીક્ષાના ટાઈમ ટેબલના સમાચાર સાંભળ્યા ત્યારે લાગ્યુ કે ના હવે પરીક્ષા લેવાશેજ. અને આજે એકાએક રદ રહેવાનાં સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. પણ સ્થિતિ પ્રમાણે નિર્ણયને આવકારીએ છે. પરંતુ અન્ય કોઈ વિકલ્પ રાખી પરીક્ષા લેવામાં આવી જોઈએ તો સારુ હોત કારણ કે આમા સ્કોલર વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. મારે જ ખુદ 65થી 70 ટકાની એવરેજની ગણતરી ધારેલ હતી જે પર પણ પાણી ફરી વળ્યું છે. હું આગળ બીકોમ કરી સારી નોકરી કરવા માંગુ છું.

અન્ય સમાચારો પણ છે...