આરોપી જેલહવાલે:નડિયાદમાં હત્યા કરનારા 3ને આજીવન કેદની સજા

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના પ્રગતિનગર સોસાયટીમાં રહેતા એક જ પરિવારના સભ્યો વચ્ચે વર્ષ 2017માં ખૂની ખેલ ખેલાયો હતો. સાઢૂ ભાઈને પોતાની પત્ની સાથે પારિવારિક બાબતે ઝઘડો થયો હોઈ આરોપીએ તેનું મનદુખ રાખી પોતાના મિત્રો સાથે મળી સાઢુભાઈ ને રીક્ષામાં બેસાડી, કેનાલ પર લઈ જઈ, માર મારી, માથામાં પાઈપના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હતી.

જે બાબતે નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. અને સમગ્ર કેસ જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. સમગ્ર ઘટનાને 4 વર્ષ પુરા થવા આવ્યા છે, ત્યારે કોર્ટે ઘટનાની સુનાવણી કરતા 3 આરોપીઓને આજીવન કેદની સજા અને રૂ.30 હજારનો દંડ ફટકાર્યો છે.

નડિયાદ શહેરના પ્રગતિ નગર સોસાયટીમાં રહેતા નવિનભાઈ જયંતીભાઈ ઠાકોર આરોપી કમલેશભાઈ મનસુખભાઈ પરમારના સાઢુભાઈ થતા હોઈ અને કમલેશભાઈની પત્નિ સપના સાથે નવીનભાઈ ને ઝગડો થયો હોઈ કમલેશભાઈ ને તે વાત મનમાં લાગી આવી હતી. બદલાની આગમાં તે આકુળ વ્યાકુળ બની ગયો હતો, અને તા.23 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 6 વાગ્યે નવિનભાઈ ને પોતાની રીક્ષા નં.જીજે.07.વાયવાય.1427 માં બેસાડી કોલેજ રોડ પર આવેલ કેનાલ પર લઈ ગયો હતો.

જ્યાં અગાઉથી જ બોલાવી રાખેલ નવઘણભાઈ મનસુખભાઈ પરમાર, સોહિલભાઈ રફિકભાઈ શેખ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સાથે મળી કમલેશે નવિનભાઈને ગળદા પાટુનો માર મારી, માથામાં લોખંડની પાઈપ મારી ગંભીર ઇજાઓ કરી મૃત્યુ નીપજ્યું હતું.

જે બાદ પોતાના મિત્રો સાથે મળી મૃતકની લાશને કેનાલમાં ધસમસતા વહેતા પાણીમાં નાખી દીધી હતી. સમગ્ર ઘટના બાબતે નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. જે અંગેનો કેસ જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ આર.જી.બ્રહ્મભટ્ટ અને ગોપાલ વી.ઠાકુર દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવા અને કરવામાં આવેલ દલીલોને ગ્રાહ્ય રાખતા જજ. ડી.આર.ભટ્ટએ આરોપી 1. કમલેશ પરમાર, 2.નવઘણ પરમાર અને સાહીલ શેખ ને આજીવન કેદની સજા સંભળાવી છે. તેમજ દરેક રૂ.25 હજારનો દંડ અને દંડ ના ભરે તો વધુ 1 વર્ષની કેદની સજા તથા કલમ 201 ના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા તથા રૂ.5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રત્યક્ષ દર્શિની સાક્ષી મહત્વની બની
ઘટના સમયે આરોપી કમલેશ નો મિત્ર મીતેશ ઠકકર સ્થળ પર હાજર હતો. જેણે મુખ્ય આરોપી કમલેશ ને ગુનો કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તમામ આરોપીઓ એ નવીન ની હત્યા બાદ મિતેશ ને માર મારી જો કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રત્યક્ષદર્શીએ પોલીસ અને જજ ને કલમ 164 મુજબ આ બાબતનું નિવેદન આપ્યું હતું, જે મહત્વનું પુરવાર થયું હતું.

અન્ય સમાચારો પણ છે...