અકસ્માત:ખેડા જિલ્લામાં બે માર્ગ અકસ્માતમાં 2નાં મોત

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કનેરા પાસે કાર અને બાઇક અથડાતાં 1નું મોત, બિલોદરા પાસે બોલેરો-ડાલુ વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

ખેડા જિલ્લામાં અકસ્માતોનો દોર સતત વધી રહ્યો છે. ગતરોજ નડિયાદના બિલોદરા અને ખેડા તાલુકાના કનેરા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. જેમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમના સારવાર દરમિયાન મોત થયા છે. જે મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં નડિયાદમાં બિલોદરા ગામની સીમ પાસે પીકઅપ ડાલુએ બોલેરો ગાડીના પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જશવીરન્દરસિંહ મહેરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પત્નિ વર્ષાબેન સાથે મમ્મીના ઘરે જવા માટે ઓઢવ ટોલનાકાથી છોટાહાથીમાં બેસી આણંદ જવા નીકળ્યાં હતા. અમદાવાદથી વડોદરા તરફ જવાના એક્સપ્રેસ હાઈ-વે પર છોટાહાથીનો ચાલક પૂરઝડપે ગાડી હંકારતો હતો. તે દરમિયાન બીલોદરા પાસે ડાલાએ આગળ જતી બોલેરો ગાડીને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર, તેમની પત્ની અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી. પત્ની વર્ષાને વધુ સારવાર માટે વડોદરાની SSG હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં ખેડામાં અમદાવાદ વડોદરા લેન કનેરા ગામની સીમથી સારસા પાટિયા નજીક રોડની છેલ્લી લાઈનમાં ઉભેલી ગાડીને પાછળથી બાઈકે ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જેમાં બાઈકસવારને માથાના ભાગે ગંભીર પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ડાહ્યાભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગતરોજ સવારે તેઓ ગાડી લઈને મિત્રો સાથે વાત્રક નદીમાં પૂજાનો સામાન વિસર્જન કરવા ગયા હતા. જ્યાંથી પરત આવતી વખતે ખેડા તરફ ને.હા નં 48 પર જતાં ગાડીમાં ગેસ પૂરો થઈ જતાં ગાડી બંધ પડી ગઈ હતી. જેથી નીચે ઉતરીને તે બોનેટ ખોલીને જોતા હતા. આ દરમિયાન ગાડીના પાછળના ભાગે કોઈએ જોશભેર ગાડીને ટક્કર મારી હતી. પાછળ જઈને જોતા બાઈક પર સવાર 2 લોકો લોહીલુહાણ હાલતમાં અર્ધબેભાન અવસ્થામાં નીચે પડેલાં હતા.જેમને 108 થકી તરત જ ખેડા સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. ત્યાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ગાડીચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...