નડિયાદમાં ડાકોર રોડ પર એક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો આવવાનો હોવાની બાતમી ટાઉન પોલીસ મથકે મળી હતી. પોલીસે બાતમીના આધારે કુમાર પેટ્રોલપંપ પાસે વળાંક પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી આધારીત ગાડી દેખાતા પોલીસે આડસ કરી ગાડી ઉભી રાખી હતી અને ચાલકને ઉતારીને પૂછપરછ કરતા ઉમેદસિંહ સાકરોદિયા (રહે. ઉદયપુર, રાજસ્થાન) હોવાનું જણાયુ હતુ. ગાડીમાં તપાસ કરતા 4 પુંઠાના બોક્ષમાંથી અને કારની ડેકીમાંથી રૂપિયા 93 હજાર 600નો ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતો.
આથી પોલીસે ગાડી સહિત કુલ રૂપિયા 4.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ LCBની ટીમ શહેરના મહાગુજરાત સર્કલ પાસેથી બે લોકોને બિયર ટીન સાથે ઝડપી લીધા હતા. તેમની પૂછપરછ કરતા ઓમકેશ મરાઠી અને સદાનંદ શર્મા હોવાનું જણાવ્યુ હતુ.
પોલીસે આ બંને ઈસમો પાસેથી 48 નંગ બિયર ટીન સાથે 8960નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આરોપી સદાનંદ શર્મા અને ઓમકેશ મરાઠી રેલવે એસી કોચમાં એટેન્ડન્ટ તરીકેની હંગામી ફરજ બજાવે છે અને રેલવે મારફતે પોતાની બેગમાં મુંબઈથી બિયરટીન લાવી નડિયાદ વેચાણ કરતાં હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું છે. પોલીસે બંને સામે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.