ખેડા જિલ્લાના મહેમદાવાદમાં ગતરોજ પોલીસે ગાંધીનગરની પાર્સિંગ વાળી કારમાંથી 1.72 લાખનો ઈંગ્લિશ દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસે કારનો પીછો કરતા બુટલેગરો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. મહેમદાવાદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોધી વિદેશી દારૂ સહિત કાર મળી કુલ રૂપિયા 9 લાખ 72 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મહેમદાવાદ પોલીસનો સ્ટાફ ચોક્કસ બાતમીના આધારે અકલાચા ચોકડી પાસે વોચમાં ઉભા હતા. આ દરમિયાન કઠલાલ રુદણ વાળા રોડ તરફથી સફેદ કલરની ડસ્ટર ગાડી નંબર (GJ 18 BD 1268) આવતા પોલીસ અટકાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ કારચાલકે ટર્ન મારી સરસવણી તરફના રોડ ઉપર પોતાની કાર હંકારી દીધી હતી. આથી પોલીસે આ કારનો પીછો કરી શત્રુંડા નજીકથી ઝડપી લીધી હતી. જોકે, પોલીસ પહોંચે તે પહેલા કારચાલક ત્યાંથી ખેતરાડુ રસ્તે ફરાર થઈ ગયા હતા.
પોલીસે કબજે લીધેલી ઉપરોક્ત કારમાંથી જુદા-જુદા માર્કાની ઈંગ્લીશ દારૂની બોટલો તથા છૂટી 46 બોટલો મળી કિંમત રૂપિયા 1 લાખ 72 હજાર 800ની મળી આવી હતી. પોલીસે ગુનામાં વપરાયેલી કાર સહિત કુલ રૂપિયા 9 લાખ 72 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા બુટલેગરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસસૂત્રોના જણાવ્યાં મુજબ ઉપરોક્ત કાર ક્યાંક અથડાઈ હોવાથી તેનો ડ્રાઈવર સાઈડનો કાચ પણ તૂટેલી હાલતમાં હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.