તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવકમાં વધારો:નડિયાદમાં ટેક્ષચોરી કૌભાંડના પર્દાફાશ બાદ ટેક્ષ આવકમાં 1.52 કરોડનો વધારો

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્ષ 2019-20માં 11.69 કરોડની આવક 2020-21માં વધીને 13.21 કરોડ થઇ જવા પામી
  • જો યોગ્ય તપાસ કરાશે તો 5થી 10 કરોડની ચોરી થયાનું અનુમાન બહાર આવે તેવી સંભાવના

નડિયાદ | નડિયાદ નગરપાલિકામાં ટેક્ષ ચોરીનું કૌભાંડ સામે આવ્યા બાદ ટેક્ષની ચોરી પર બ્રેક વાગી ગઈ છે. જેના કારણે હવે પાલિકાને ટેક્ષ થકી થતી આવકમાં પણ વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષ કરતા આ વર્ષના નાણાકીય વર્ષમાં દોઢ કરોડ જેટલી આવક વધી છે. નડિયાદ પાલિકામાં નાણાકીય વર્ષ 2019-20માં 11.69 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જેમાં 1.52 કરોડના વધારા સાથે નાણાકીય વર્ષ 2020-21માં આવક વધીને 13.21 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.

એ-વન ગ્રેડની કહેવાતી નડિયાદ નગરપાલિકામાં નાણાકીય વર્ષ 2020-21 મુજબ કુલ 17.71 કરોડ રૂપિયાનો ટેક્ષ પાલિકાએ જુદી-જુદી મિલ્કતો પાસે ઉઘરાવવાનો થાય છે. જે પૈકી 74.63 ટકા એટલે 13.21 કરોડ રૂપિયા ટેક્ષ પાલિકાની તિજોરીમાં જમા થયો છે. નડિયાદ પાલિકામાં ગયા વર્ષે ટેક્ષ ચોરીનું ભૂત ધૂણ્યુ હતુ.

જેમાં પાલિકામાંથી અત્યાર સુધી 10થી 15 કરોડ રૂપિયાના ટેક્ષની ચોરી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે. અગાઉ પાલિકામાં જમા કરવાની ટેક્ષની રકમમાંથી કટકી કરી ટેક્ષની એન્ટ્રી ખોટી રીતે ડીલીટ કરી નાખવામાં આવતી હતી. પરીણામે પાલિકાની તિજોરીમાં જમા થનારા પૈસા કૌભાંડીઓના ખિસ્સામાં જતા હતા. જેના કારણે પાલિકાને મોટો આર્થિક ફટકો પડતો હતો.

વર્ષ 2018-19થી પાલિકા હદમાં મિલ્કતો વધી નથી!
નડિયાદ પાલિકામાં વર્ષ 17-18માં છેલ્લે મિલ્કતો વધેલી નોંધાઈ હતી. ત્યારબાદ પાલિકાના સત્તાવાર દસ્તાવેજોમાં પાલિકાની હદમાં એકપણ મિલ્કતનો વધારો થયો નથી. 18-19માં પાલિકા હદમાં કુલ 72,725 મિલ્કતો નોંધાયેલી છે. જેમાં 56,968 રેસીડેન્સલ મિલ્કતો છે. જ્યારે 15,757 કોમર્શિયલ મિલ્કતો છે. આ આંકડો ચાલુ વર્ષમાં પણ એ જ પરીસ્થિતિમાં છે. તેમજ હવે નવી આકારણીઓ પાડ્યા બાદ મિલ્કતોમાં વધારો નોંધાશે, તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યુ છે. ત્યારે બે વર્ષ દરમિયાન કોઈ નવી મિલ્કતનો ઉમેરો જ ન થાય, તે ચોંકાવનારી વિગત છે.

વર્ષવાર પાલિકાનો કુલ ટેક્ષ, ભરાયેલો ટેક્ષ

નાણાંકીય વર્ષકુલ ટેક્ષભરાયેલો ટેક્ષ

ભરાયેલો ટેક્ષ (ટકામાં)

2017-1815.67 કરોડ10.90 કરોડ69.71
2018-1916.84 કરોડ12.41 કરોડ73.68
2019-2016.15 કરોડ11.69 કરોડ71.8
2020-2117.71 કરોડ13.21 કરોડ74.63

2018-19 કરતા 2019-20માં ટેક્ષની રકમ કેવી રીતે ઘટી?

સામાન્ય રીતે વર્ષવાર પાલિકા હદમાં મિલ્કતોનો વધારો થાય તો ટેક્ષની કુલ રકમમાં પણ વધારો થવો જોઈએ. પરંતુ નડિયાદ નગરપાલિકામાં આશ્ચર્યજનક રીતે 2018-19થી 2019-20 સુધી એક પણ મિલ્કત વધી નથી. જેથી ટેક્ષની આવકની રકમ સ્થિર રહેવી જોઈએ. પરંતુ બન્યુ એવુ કે મિલ્કતો એટલી જ રહી અને 2018-19 કરતા 2019-20માં પાલિકાની ટેક્ષની રકમમાં ઘટાડો નોંધાયો. વર્ષ 2018-19માં ટેક્ષની કુલ રકમ 16.84 કરોડ રૂપિયા હતી, જેમાં વર્ષ 2019-20માં 69 લાખના ઘટાડા સાથે કુલ રકમ 16.15 કરોડ જ રહી હતી. ત્યારે ટેક્ષચોરી કૌભાંડના કારણે રકમમાં ઘટાડો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...